મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : કોરોનાના કારણે સોના-ચાંદીના વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકોના વેપાર ધંધા બે વર્ષથી ઠપ્પ થઈ ગયા હતા. ત્યારે દિવાળી પૂર્વે સોના ચાંદીના દાગીનાને લઇ ધૂમ ખરીદી જોવા મળી હતી. જેના કારણે આ ધંધા સાથે જોડાયેલા લોકો માની રહ્યા હતા કે સોની બજારની ચમક પહેલાની માફક પરત આવી ગઈ છે. પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થતા સોની બજારમાં ચાલી રહેલી ખરીદીને બ્રેક લાગી છે. જેના પાછળનું કારણ સોના અને ચાંદીમાં થઈ રહેલો ધરખમ ભાવ વધારો.
ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું છે કે, પહેલા સોની બજારમાં પ્રતિદિવસ લોકો પોતાની પાસે રહેલુ જૂનું સોનું 10 લાખથી 15 લાખ સુધીનું વેચતા જોવા મળતા હતા. પરંતુ હાલ લોકો 40-45 લાખ રૂપિયાની કિંમતનું સોનું બજારમાં વેચી રહ્યા છે.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે સોના-ચાંદીના દાગીનાના વિક્રેતાઓ નવા દાગીના બનાવવાનું ટાળી રહ્યા છે. જેના કારણે સોના-ચાંદીના દાગીનાની બનાવટ સાથે જે લોકો સંકળાયેલા છે તેમના વેપાર-ધંધા હાલ ટેમ્પરરી ઠપ્પ થઇ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. કારણકે શોરૂમ ના વેપારીઓ ઊંચા ભાવે સોનુ ખરીદી દાગીનાની બનાવટ માટે દાગીના બનાવનાર વેપારીઓને આપવાનું ટાળી રહ્યા છે.
યુદ્ધ ભલે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું હોય. પરંતુ આ યુદ્ધની જવાળા મંદીના સ્વરૂપે હાલ રાજકોટની સોની બજારમાં પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. હાલ લગ્નસરાની સિઝન નથી અને ઉપરથી સોના ચાંદીની ધાતુમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે આ લોકો સોની બજારમાં ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. તો બીજી તરફ પોતાની પાસે પડેલ જુના ભાવનું સોનું કમાણી કરવાના હેતુથી લોકો વેચી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર