રાજકોટ : ઓનલાઇન શોપિંગ વિશે થયો સરવે, સ્ત્રીઓની શોપિંગ આદત વિશે બહાર આવી ચોંકાવનારી વિગતો

રાજકોટ : ઓનલાઇન શોપિંગ વિશે થયો સરવે, સ્ત્રીઓની શોપિંગ આદત વિશે બહાર આવી ચોંકાવનારી વિગતો
પ્રતિકાત્મક તસવીર

પુરૂષ અને સ્ત્રીઓમાંથી કોણ વધારે શોપિંગ કરે છે તે જાણીને ચોંકી જશો, સામાન્ય અંદાજ ખોટો પડે તેવી વિગતો, આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી ખરીદારો, આદતો, ટેવ વગેરે જેવી બાબતોને લગતી હતી પ્રશ્નોતરી

  • Share this:
રાજકોટ : રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપિકા અને તેમની વિદ્યાર્થિનીઓએ મળીને ઑનલાઇન શોપિંગ વિશે રસપ્રદ સરવે કર્યો હતો. જોકે, આ સરવેમાં જે વિગતો બહાર આવી છે તે ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારી છે. ઓનલાઇન સરવેમાં પુરૂષ અને સ્ત્રીઓની વિગતો ચકાસતા એવી વિગતો સામે આવી છે જે વેચાણકર્તા અને ખરીદદારોને જાણવી પસંદ પડશે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને એમ.એ.ની વિદ્યાર્થીની વાઘમશી કોમલએ 1670 ગ્રામ્ય અને શહેરી સ્ત્રી પુરુષો પર ઓનલાઈન શોપિંગ અંગે સર્વે કર્યો હતો. જેમાં ગ્રામ્ય સ્ત્રી પુરુષોમાં 93% લોકો ઓનલાઈન શોપિંગ કરતા નથી. માત્ર 7% લોકો ઓનલાઈન શોપિંગ તરફનો ઝુકાવ ધરાવે છે.



ઉમરની અસર

ઓનલાઈન શોપિંગમાં ઉમરની સહુથી વધુ અસર જોવા મળે છે. 18થી 30 વર્ષના 79.૦1% લોકો ઓનલાઈન શોપિંગ કરવા આતુર હોય છે. 31 થી 45 વર્ષના 16.40% જેટલા લોકો ઓનલાઈન શોપિંગની તરફેણમાં જોવા મળ્યા જયારે 46 થી 60 વર્ષના4.5% લોકો ઓનલાઈન શોપિંગની તરફેણમાં છે.

પુરૂષ કે સ્ત્રી કોણ વધુ કરે છે ઓનલાઇન શોપિંગ

ઓનલાઈન શોપિંગ પુરુષો વધારે કરે છે જયારે સ્ત્રીઓ સાવ નહીવત. પુરુષો માટે શોપિંગ એ માત્ર જરૂરીયાત પુરતી બાબત છે જયારે સ્ત્રીઓ માટે શોપિંગની સાથે ઘણા બધા આવેગો જોડાયેલ હોય છે. સ્ત્રી ઓનલાઈન શોપિંગ કરવાનું ઓછુ એટલે વિચારે છે કે ઓનલાઈન શોપિંગ જેવી યંત્રવત અને લાગણી વગરની બાબતો તેમના માટે બિન ઉપયોગી છે. પ્રસ્તુત સર્વેમાં નીચે મુજબના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો.

તમને એવું લાગે છે કે ઓનલાઈન શોપિંગને કારણે ઘણી વખત જરૂરિયાત વિના પણ શોપિંગ કરતાં હો છો?

આ પ્રશ્નના જવાબમાં 67.20% લોકોએ જણાવ્યું કે હા અમે જરૂરીયાત કરતા વધારે શોપિંગ કરીએ છીએ જ્યારે 32.80% લોકોએ નાં કહી.

ઓનલાઈન શોપિંગ ને કારણે દુકાન વાળા લોકોને નુકસાન ગયું હોય એવું તમને લાગે છે?

આ પ્રશ્નના જવાબમાં 70.10% લોકોએ હા કહી જ્યારે 29.90% લોકોએ ના કહી.

તમે કેટલા સમયના અંતરે ઓનલાઈન શોપિંગ કરો છો?

આ પ્રશ્નના જવાબમાં 92.50% લોકોએ જણાવ્યું કે અમને જ્યારે કઈ વસ્તુ ગમે ત્યારે ઓનલાઇન શોપિંગ કરીએ છીએ જ્યારે 7.50% લોકોએ જણાવ્યું કે અમે દર એક મહિને ઓનલાઇન શોપિંગ કરીએ છીએ. અહી આ પ્રશ્નના  જવાબમાં પુરુષોનું પ્રમાણ વધુ છે.

ઓનલાઈનમાં ક્યારેક કારણ વગર તમે શોપિંગ કરી છે?

આ પ્રશ્નના જવાબમાં 74.60% લોકોએ હા કહી. આ હા કહેનાર મોટાભાગના પુરુષો હતા. જ્યારે 25.40% લોકોએ નાં કહી.

તમે એવું માનો છો કે ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધ્યું છે?

આ પ્રશ્નના જવાબમાં 97.00 ટકા લોકોએ હા કહી જ્યારે 3.00 ટકા લોકોએ નાં કહી.

સહુથી વધુ ઓનલાઈન શોપિંગ તમારા મતે કોણ કરે છે?

આ પ્રશ્નના જવાબમાં 82.10% લોકોએ જણાવ્યું કે યુવાનો સૌથી વધુ ઓનલાઇન શોપિંગ કરે છે જયારે 17.90% લોકોએ જણાવ્યું કે તરૂણો પણ ઓનલાઇન શોપિંગ કરે છે. કેટલાક લોકોનું એવું કહેવું છે કે આર્થિક સધ્ધરતા વાળા લોકો વધુ ઓનલાઈન શોપિંગ કરતા હોય છે.

ક્યારેય એવું થાય છે કે ખરીદીમાં તમારી જાત પર તમે નિયંત્રણ ન રાખી શકતા હો?

આ પ્રશ્નના જવાબમાં 53.70% લોકોએ નાં કહી જ્યારે 46.30% લોકોએ હા કહી.

શું ક્યારેય એવું થાય છે કે ઓનલાઈન ખરીદીને કારણે તમારે પૈસાની અછત થઈ હોય?

આ પ્રશ્નના જવાબમાં 80.60% લોકોએ ના કહી જ્યારે 19.40% લોકોએ હા કહી.

અનિયંત્રિત ખરીદીને કારણે ક્યારેય ઘરે કોઈ ગુસ્સે થાય છે?

આ પ્રશ્નના જવાબમાં 50.70% લોકોએ હા કહી. જ્યારે 49.30% લોકોએ ના કહી.

શું એવું થાય છે કે તમારો વધુ સમય ઓનલાઈન ખરીદીની વેબસાઇટ પર વસ્તુ જોવા માટે પસાર થતો હોય?

આ પ્રશ્નના જવાબમાં 52.20% લોકોએ નાં કહી જ્યારે 47.80% લોકોએ હા કહી.

ક્યારેક ગમતી વસ્તુ જોઈને જરૂરિયાત ન હોવા છતાં ખરીદી કરવાનું મન થઈ જાય છે?

આ પ્રશ્નના જવાબમાં 59.70% લોકોએ હા કહી જ્યારે 40.30% લોકોએ ના કહી.

શું ખરીદી કરવાથી તમને ખુશી અનુભવાય છે?

આ પ્રશ્નના જવાબમાં 86.60% લોકોએ હા કહી જ્યારે 13.40% લોકોએ ના કહી.

ઓનલાઈન શોપિંગ ન કરો ત્યારે બેચેની અનુભવાય છે?

આ પ્રશ્નના જવાબમાં 85.10% લોકોએ ના કહી, 4.50 % લોકોએ હા કહી જ્યારે 10.40% લોકોએ જણાવ્યું કે ક્યારેક ક્યારેક બેચેની અનુભવાય છે.

તમે એવું માનો છો કે ઓનલાઈન શોપિંગમાં વધુ છેતરપિંડી થાય છે?

આ પ્રશ્નના જવાબમાં 67.20% લોકોએ હા કહી જ્યારે 32.80% લોકોએ નાં કહી.

કોરોના કાળમાં ઓનલાઈન શોપિંગ વધ્યું હોય એવું તમને લાગે છે?

આ પ્રશ્નના જવાબમાં 89.60% લોકોએ હા કહી જ્યારે 10.40% લોકોએ ના કહી.

શું તમને ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ પડી ગઈ છે?

આ પ્રશ્નના જવાબમાં 94.00 ટકા લોકોએ ના કહી જ્યારે 6.00 ટકા લોકોએ હા કહી.

આ સિવાય અન્ય પ્રશ્નોના સંદર્ભમાં 68.70% લોકોએ જણાવ્યું કે ઓનલાઇન શોપિંગની વેબસાઈટ જોવી ગમે છે, 28.40% લોકોએ જણાવ્યું કે જરૂર ન હોવા છતાં પણ કારણ વગર શોપિંગ કરીએ છીએ,

ઓનલાઈન શોપિંગનું મનોવિજ્ઞાન

આવનારા દિવસોમાં ઓનલાઈન શોપિંગ વ્યસન બની જશે તેવી આવી આગાહીઓ કેમ કરવામાં આવી રહી છે? આનું સૌથી મોટું કારણ ઓનલાઈન ખરીદીનું મનોવિજ્ઞાન છે. તે લાંબા સમય પહેલા સાબિત થયું છે કે જ્યારે આપણે કોઈ વ્યવહારમાં રોકડ ચુકવણી કરીએ છીએ, ત્યારે આપણે  તે ચુકવણી પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે કોઈને રોકડ ચુકવણી કરવાને બદલે ચેક વડે કે ઓનલાઈન ચૂકવણી કરીએ છીએ, ત્યારે આપણે વધુ  સંવેદનશીલ હોતા  નથી. આનું કારણ એ છે કે જ્યારે આપણે હાથથી રૂપિયા ગણીએ છીએ, ત્યારે સતત લાગણી અનુભવાય છે કે આપણે ઘણા પૈસા ખર્ચ કરી રહ્યા છીએ. પરંતુ જ્યારે આપણે ફક્ત પેપર ચેકમાં પૈસા ભરીએ છીએ, ત્યારે તે માત્ર એક સંખ્યા છે અને  તે સંખ્યા પ્રત્યે ખૂબ સંવેદનશીલ નથી.

આપણે આપણી  નાણાકીય પરિસ્થિતિ ભૂલીએ છીએ: ઓનલાઈન ખરીદી જયારે વધી જાય ત્યારેઆપણી ચુકવણીની સંવેદનશીલતાને સમાપ્ત કરે છે. આ જ કારણ છે કે જ્યારે આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ ત્યારે હંમેશા જરૂરી કરતાં વધુ ખરીદી કરીએ છીએ.

યુવાનો સૌથી વધુ ઓનલાઈન ખરીદી કરે છે. તેઓ એટલા માટે ઓનલાઈન ખરીદી નથી કરતા કે તેમની પાસે વધુ પૈસા છે પરંતુ દેખાડો અને મિત્ર વર્તુળમાં એક છાપ ઉભી કરવા માટે તેઓ આ પ્રકારનું વર્તન કરે છે.  આધેડ લોકો પાસે પણ યુવાનો કરતા ઘણા પૈસા હોય છે, પરંતુ તેઓ વધારે ખરીદી કરતા નથી. કારણ કે 50 થી વધુ વયના લોકો 25 થી 30 વર્ષની વયના લોકોની તુલનામાં ઓનલાઈન શોપિંગ ઓછું કરે છે.

ઓનલાઈન શોપિંગની ખરાબ અસર કેવી રીતે થાય છે?

જે લોકોને ઓનલાઈન  વસ્તુઓ મંગાવવાનો નશો છે, તેના ઘરોમાં ઘણી વસ્તુઓ એકત્રિત થાય છે. લોકો માલ મેળવવા માટે દેવામાં ડૂબી જાય છે, તેમના પરિવાર સાથે ઝઘડો કરે છે અને ઘણી વાર ગુસ્સો પણ કરતા રહે છે. આ બાબતે મનોવિજ્ઞાન  કહે છે, 'ખરેખર આ તે સમય છે જ્યારે *બી.એસ.ડી (બાઈંગ એન્ડ શોપિંગ ડીસઓર્ડર)* ને અલગથી માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ તરીકે ઓળખવી જોઈએ અને બીએસડી વિશે વધુ જાગૃતતા ફેલાવવી જોઈએ. ઓનલાઈન શોપિંગનું વ્યસન ધરાવતા લોકોમાં હતાશા અને ચિંતાનો દર વધારે હોય છે.

ઓનલાઈન દુકાનો 24 કલાક કામ કરે છે. લોકો દુકાને ગયા વિના  અને ઘર છોડ્યા વિના જે ઇચ્છે તે ખરીદી શકે છે. ઘણી વખત આ ઓનલાઇન સાઇટ્સ પર માલ ભારે છૂટ સાથે સરળતાથી મળી રહે છે. આ જ કારણ છે કે બીએસડી ડિસઓર્ડરના લક્ષણો નાની ઉંમરેથી લોકોમાં દેખાવાનું શરૂ થાય છે. હાલમાં, બીએસડીને એક અલગ ડિસઓર્ડર માનવામાં આવતું નથી, પરંતુ તેને 'અન્ય સ્પેસિફિક ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર' ની કેટેગરીમાં મૂકવામાં આવે છે. જો આ અંગેની જાગૃતિ વહેલી તકે લોકોમાં આવે તો  સારવાર પણ લોકો સુધી સરળતાથી પહોંચશે.
Published by:Jay Mishra
First published:February 14, 2021, 18:26 pm

ટૉપ ન્યૂઝ