રાજકોટ: રાજકોટ શહેરમાં ત્રણ દિવસ પૂર્વે એક યુવતીએ મહિલા પોલીસ મથક (Mahila police station)ના પટાંગણમાં દવા પી લીધી હતી. યુવતીએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ મહિલા પોલીસ સ્ટેશનના ફરજ પર હાજર રહેલા કર્મચારીઓને થતાં તેમણે તાત્કાલિક અસરથી યુવતીને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ (Rajkot civil hospital) ખાતે આવેલા ઈમરજન્સી વોર્ડમાં ખસેડી હતી. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા યુવતીનું જરૂરી નિવેદન નોંધવામાં આવ્યું હતું. યુવતીએ પોતાના નિવેદનમાં જૂનાગઢના સુરજ ભૂવાજી (Suraj Bhuvaji) નામના વ્યક્તિએ તેની સાથે 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે યુવતીએ બે દિવસ પછી જૂનાગઢ (Junagadh) શહેરમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. યુવતીની ફરિયાદ બાદ જેના પર આરોપ છે તે સુરજ સોલંકી (Suraj Solanki) ફરાર થઈ ગયો હતો. આ મામલે હવે સુરજ ભૂવાજીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ભૂવાજીએ પોતાને ફસાવવામાં આવ્યાનો દાવો કર્યો છે.
જૂનાગઢ ખાતે ફરિયાદ દાખલ
યુવતીએ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ જૂનાગઢ ખાતે સુરજ ભૂવાજી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને ત્રણ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાતાની સાથે જ જૂનાગઢ પોલીસે આરોપી સુરજ ભૂવાજીની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ શનિવારના રોજ 10 વાગ્યાના અરસામાં સુરજ ભૂવાજીનો એક વીડિયો Instagram પર અપલોડ કરવામાં આવ્યો છે.
'તેણીએ મને માનસિક રીતે ભાંગી નાખ્યો'
સુરજ ભુવાજી ફેન ક્લબ 10 નામના આઈડી પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. અપલોડ કરેલા વીડિયોમાં સુરજ ભૂવાજી જણાવી રહ્યા છે કે, "સોશિયલ મીડિયામાં મને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. મારા વિરૂદ્ધ જે ફરિયાદ થયેલી છે તે તદન ખોટી છે. મારી વિરૂદ્ધ ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે મારે સારા સંબંધો હતા. મારી સાથેના સારા સંબંધનો તેણે ઘણી વખત ગેર ઉપયોગ કર્યો છે. તેણે મને માનસિક રીતે ભાંગી નાખ્યો છે. તે મારી પાસે ઘણી વખત જુદી જુદી ડિમાન્ડ કરતી હતી. મેં તેની અનેક ડિમાન્ડ પૂરી પણ કરી છે. કેટલિક ડિમાન્ડ ન સંતોષાતા તેણે મારી સાથે આ પ્રકારનું વર્તન અને ફરિયાદ કરી છે.
વીડિયોમાં ખોટી ફરિયાદ કરવાનો ઉલ્લેખ
"મારાથી તે વ્યક્તિની ડિમાન્ડ સંતોષાઈ તેમ નહોતી ત્યારે તેણે મને ડાઇવોર્સ આપવા મજબૂર કર્યો હતો. જેના પુરાવા મારી પાસે છે. મારી પાસે અવારનવાર પોતાની ડિમાન્ડ પૂરી કરાવવા તે પોતાના હાથમાં બ્લેડથી ચેકા મારી મને બ્લેકમેઇલ કરતી હતી. તેણીએ મને કહ્યું હતું કે, તું મને 25 લાખ રૂપિયા અને એક ફ્લેટ લઈ દે, નહીંતર હું તારી વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરી તને ફસાવી દઈશ. હાલ હું કેટલાક પુરાવા એકઠા કરી રહ્યો છું. પુરાવા એકઠા થયા બાદ હું સામે ચાલી પોલીસ સ્ટેશને પહોંચીશ."
ઉલ્લેખનીય છે કે મહિલાએ દવા પીધા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક સુસાઈડ નોટ પણ અપલોડ કરી હતી. જેમાં તેણીએ સુરજ ભુવાજી અને તેના બંને મિત્રો કઈ રીતે હેરાન-પરેશાન કરતા હતા, કઈ જગ્યાએ મારકૂટ કરી હતી તે તમામ બાબતો જણાવી છે.
બીજી તરફ સોશિયલ મીડિયામાં અપલોડ થયેલો વીડિયો કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો છે? સુરજ ભુવાજી હાલ કઈ જગ્યાએ છે તે સૌથી મોટો સવાલ છે. પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું.