રાજકોટ: 2500 રૂપિયા આપો અને પત્રકાર બનો! પત્રકાર બની તોડ કરવા ગયેલા 6 આરોપી ઝડપાયા

રાજકોટ: 2500 રૂપિયા આપો અને પત્રકાર બનો! પત્રકાર બની તોડ કરવા ગયેલા 6 આરોપી ઝડપાયા
પત્રકાર બની તોડ કરવા ગયેલા ઝડપાયા.

પોલીસ પણ ત્યારે ચોંકી ઉઠી હતી જ્યારે તેમને માલુમ પડ્યું કે, પત્રકાર બનવા માટેની લાયકાતમાં ન્યૂઝ સંસ્થા માત્ર સ્માર્ટ મોબાઈલ ફોન, બાઈક તેમજ whatsapp હોવાનું જરૂરી ગણે છે. 

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં પત્રકાર બની તોડ કરવા નીકળેલા છ જેટલા આરોપીઓની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. સ્પા સંચાલક પાસે રૂપિયા દોઢ લાખની માગણી કરવા બદલ ગાંધીગ્રામ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. ગાંધીગ્રામ પોલીસની પૂછપરછમાં આરોપી સુરેશભાઈ જીવરાજભાઈ પાટીયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે જણાવ્યું છે કે, તેમણે N.N ન્યૂઝનું કાર્ડ બરોડાથી મેળવ્યું છે. મનીષ જાદવ નામની વ્યક્તિએ તેમને પત્રકાર તરીકેનું કાર્ડ રૂપિયા 2500 લઈ કાઢી આપ્યું છે. પોલીસ પણ ત્યારે ચોંકી ઉઠી હતી જ્યારે તેમને માલુમ પડ્યું કે, પત્રકાર બનવા માટેની લાયકાતમાં ન્યૂઝ સંસ્થા માત્ર સ્માર્ટ મોબાઈલ ફોન, બાઈક તેમજ WhatsApp હોવાનું જરૂરી ગણે છે.

પોલીસે ઘટના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા છે. જેમાં જયરાજ અને રવિ નામના વ્યક્તિઓ સ્પામાં પ્રવેશે છે. આ દરમિયાન તેમણે નકલી સોનાની ચેઈન પહેરી હોય છે. સ્પા કરાવ્યા બાદ પોતે પહેરેલા ચેઈન છૂપાવી સ્પાના કર્મીઓ પર ચેઈન ચોરીનો આક્ષેપ કર્યો હતો.



શું હતો સમગ્ર મામલો?

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા અરીવા વેલનેસ સ્પા એન્ડ હેલ્થ કેરમાં જયરાજ તેમજ રવિ નામના વ્યક્તિ સ્પા કરાવવા માટે ગયા હતા. સ્પા સંચાલક દ્વારા જયરાજને રૂમ નંબર-1માં અને રવિને રૂમ નંબર 5માં સ્પા કરાવવા માટે મોકલ્યો હતો. ગાંધીગ્રામ પોલીસને આપેલી ફરિયાદ મુજબ સંચાલક સંજયભાઈ ટીકારામભાઈ સોની નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, રૂમ નંબર-1માં સ્પા માટે સોનલને મોકલી હતી. જ્યારે કે રૂમ નંબર 5માં સ્પા માટે પ્રિયાને મોકલી આપી હતી.

આ પણ વાંચો: દાઢી કરવા માટે રેઝર ન મળતા કાકાએ કર્યો અનોખો જુગાડ, વીડિયો વાયરલ

સ્પા પૂર્ણ થયા બાદ બંને યુવાનો કાઉન્ટર પર આવ્યા હતા. ત્યાર બાદ જયરાજે કહ્યું હતું કે, હું સ્પા કરાવતો હતો તે સમયે મારો ચેઈન ચોરી થઈ ગઈ છે. જે બાબતે હું મારા હાઉસ સ્કિપર સાથે તેને લઈ રૂમમાં પણ ગયો હતો. પરંતુ કોઈ પણ પ્રકારનો ચેઈન મળ્યો ન હતો. બાદ રવિ અને જયરાજ અમારા સ્પામાંથી જતા રહ્યા હતાં. ત્યાર બાદ તેઓ કેટલાક મીડિયાના માણસો સાથે અમારા સ્પામાં પરત આવ્યા હતા. જે બાદમાં તેઓએ વીડિયો શૂટ પણ કર્યું હતું. તેમજ અમોને કહ્યું હતું કે, તમારું સ્પા કાયદેસર ચાલે છે કે ગેરકાયદે.



સાથે જ આ લોકોએ એવું કહ્યું હતું કે, તમારી પાસે સ્પા ચલાવવા માટેના પૂરતા પ્રમાણમાં કાગળિયા છે કે કેમ? ત્યારબાદ તેઓએ થોડા સમય બાદ પોતાનો કેમેરો બંધ કરી મને કહ્યું હતું કે આ બધું પતાવું હોય તો દોઢ લાખ રૂપિયા થશે. ત્યારે મેં કહ્યું હતું કે મારી પાસે આટલી રકમ નથી. પરંતુ હું તમને પચાસ ટકા રકમ આપી શકું તેમ છું. આ માટે તમારે મને દસ દિવસનો સમય આપવો પડશે. આ સમયે આ કામના આરોપીઓ એ મને કહ્યું હતું કે, રકમ તો તમારે અત્યારે જ આપવી પડશે નહીં તો અમે તમારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરીશું અને તમને ખોટા કેસમાં ફીટ કરી દેશું. આ સમયગાળા દરમિયાન મારા હાઉસકિપિંગના માણસે ગાંધીગ્રામ પોલીસમાં ફોન કર્યો હતો. જેથી સમયસર ગાંધીગ્રામ પોલીસ આવી જતા તમામ આરોપીઓ રંગેહાથે ઝડપાયા હતા.

આ પણ વાંચો: દિલ્હીમાં આજથી નાઇટ કર્ફ્યૂ, રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ

સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં એસીપી કક્ષાના અધિકારી પ્રમોદ દીયોરાએ જણાવ્યું હતું કે, મીડિયાનું કામ સમાજને અરીસો બતાવવાનું છે પરંતુ કેટલાક તત્વો મીડિયાના નામે તોડ કરતા હોવાની રાવ મળી રહી છે. એન. એન. ન્યૂઝના પ્રતિનિધિ તરીકે પોતાની ઓળખ આપનારા આરોપીઓને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ ખુમાનસિંહ વાળા અને તેની ટીમ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો: દુબઈ: મહિલાઓએ ઘરની બાલ્કનીમાં પબ્લિસિટી માટે કરી આવી ગંદી હરકત, પોલીસે કરી ધરપકડ


આરોપીઓનો કોરોના ટેસ્ટ નેગીટીવ આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓની પૂછપરછમાં તેઓએ અગાઉ કેટલી કેટલી જગ્યાએ લોકો પાસેથી બળજબરીપૂર્વક નાણા પડાવ્યા છે તે અંગેની તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસે લોકોને અપીલ છે કે આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ મીડિયાના નામે કે અન્ય સંસ્થાના નામે બળજબરીપૂર્વક નાણા પડાવવાની કોશિશ કરે તો તાત્કાલિક અસરથી રાજકોટ પોલીસનો સંપર્ક સાધવો.
Published by:Vinod Zankhaliya
First published:April 06, 2021, 15:01 pm

ટૉપ ન્યૂઝ