રાજકોટ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા રવિવારે રાજકોટની મુલાકાતે હતા. આ સમયે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે રામ મંદિર તો બની રહ્યું છે પરંતુ રામરાજ્ય ક્યાં છે? અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે કરવામાં આવેલા આંદોલનમાં કરોડો લોકો જોડાયા હતા પરંતુ રામમંદિર માટે તૈયાર કરવામાં આવેલ ટ્રસ્ટમાં ગણ્યાગાંઠ્યા લોકોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટમાં તમામ સમાજના અને અયોધ્યાના સાધુ-સંતોનો પણ સમાવેશ કરવો જોઈએ, જે સરકારે કર્યો નથી.
હાલ છેલ્લા કેટલાય સમયથી શાહીનબાગ મુદ્દો ચર્ચામાં છે, તે અંગે પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે ભાજપના ભાઈઓથી આજકાલ હિન્દુઓ જાગતા નથી, જેથી હિન્દુઓને જગાડવાનું કામ મુસલમાનો કરી રહ્યા છે. શાહીન બાગના લોકો હિન્દુઓને જગાડીને ભારતીય જનતા પાર્ટીનું માર્કેટિંગ કરી રહ્યા છે. જોકે, હવે દિલ્હીની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે બધું શાંત પડી જશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડૉ. પ્રવીણ તોગડિયાએ CAA અને કાશ્મીરી પંડિતો પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનના શરણાર્થી હિન્દુઓને રક્ષણ આપવા નાગરિકતા સુરક્ષાનો કાયદો બન્યો છે, પરંતુ કાશ્મીરી હિન્દુઓને તેમનું ઘર નથી મળ્યું એટલે ચિંતા થાય છે. 30 વર્ષ પછી પણ આ દેશના હિન્દુઓને તેમનું ઘર પાછું અપાવી શક્યા નહીં તે સરકાર માટે ખરેખર શરમજનક વાત છે.