રાજકોટ: રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ (Rajkot civil hospital)માં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રિસામણે બેઠેલી પત્ની (Wife) સાથે નહીં આવતા પતિએ સસરાના ઘર સામે અગ્નિસ્નાન કરી લીધું છે. રાજકોટ શહેરના સિવિલ હૉસ્પિટલની ચોકીમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને બેભાન હાલતમાં પોરબંદર (Porbandar) બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાની નોંધ થવા પામી છે. બીજા એક બનાવમાં રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા અક્ષર તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ ભુપતભાઈ ચાવડા નામના પ્રજાપતિ યુવાને પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ બન્યો છે. રમેશભાઈને એક મહિના પહેલા જ લગ્ન થયા હતા.
બનાવ-1: પત્ની સાથે ન આવતા યુવાનનો આપઘાત
પોલીસના જણાવ્યા પ્રમાણે, અમરેલીમાં કુકાવાવ રોડ ઉપર આવેલા જકાતનાકા પાસે રહેતા કમલેશભાઈ નરોત્તમભાઈ રાઠોડ નામના 28 વર્ષના યુવાને માધવપુર ખાતે પોતાના સસરાના ઘરની સામે અગ્નિસ્નાન કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. યુવાને પોતાની જાતે પેટ્રોલ છાંટી આંગ ચાંપી હતી, જેના કારણે તે ગંભીર રીતે દાઝી જતા બેભાન હાલતમાં પોરબંદર બાદ વધુ સારવાર માટે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં આવેલ બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રથમ બનાવમાં હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કમલેશ રાઠોડના ભાઈ રાહુલ રાઠોડે જણાવ્યું હતું કે, કમલેશના લગ્ન દસ વર્ષ પૂર્વે માધવપુરની ગીતાબેન નામની યુવતી સાથે થયા હતા. થોડા સમય પૂર્વે પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર રકઝક થઈ હતી, ત્યારબાદ ગીતાબેન પોતાના માવતર માધવપુર ખાતે ચાલ્યા ગયા હતા. પત્નીને પોતાના ઘરે પરત લાવવા માટે કમલેશ પણ સસરાના ઘરે પહોંચ્યો હતો. પરંતુ પત્નીએ પરત આવવાનો ઈન્કાર કરતા અને સાળા તેમજ સસરાએ પણ ગીતાબેનને પરત ન મોકલવાનું જણાવતા કમલેશને લાગી આવ્યું હતું. આ કારણે તેને આપઘાતનો પ્રયાસ કરવાની ફરજ પડી હતી.
સમગ્ર મામલે પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં અગ્નિસ્નાન મામલે નવો શું ઘટસ્ફોટ થાય છે તે જોવું મહત્ત્વનું બની રહેશે. બીજી તરફ સિવિલ હૉસ્પિટલના બર્ન્સ વિભાગમાં ફરજ બજાવતા તબીબોએ કમલેશભાઈની સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું હતું.
બનાવ-2: નવપરિણીત યુવાનનો આપઘાત
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા અક્ષર તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ ભુપતભાઈ ચાવડા નામના પ્રજાપતિ યુવાને પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક રમેશભાઈ ચાવડા ખાનગી બેંકમાં નોકરી કરતા હતા. રમેશભાઈના લગ્ન એક મહિના પૂર્વે જ થયા હતા. રમેશ તેની પત્નીને શારીરિક તકલીફ હોવાથી તેને આરામ કરવા માટે માવતર મૂકીને ઘરે પરત ફર્યો હતો. ઘરે આવ્યા બાદ પોતાની માતાને આરામ કરવા માટે જાઉં છું કહીને પોતાના રુમમાં ગયો હતો. રાત્રે જમવાના સમયે પણ પુત્ર નીચે ન આવતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો. પુત્રએ દરવાજો ન ખોલતા માતાએ બારીમાંથી જોતા તે લટકતો નજરે પડ્યો હતો.
ઘરનો દરવાજો તોડવો મુશ્કેલ હોવાથી ફાયર બ્રિગેડની મદદથી મૃતકની લાશને બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા આગામી સમયમાં લૌકિક ક્રિયા પૂર્ણ થયા બાદ યુવકના આપઘાત મામલે કારણ જાણવા વધુ તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એક મહિના પૂર્વે રમેશભાઇ ચાવડાના સામાજિક રીત-રિવાજો મુજબ લગ્ન થયા હતા. ચાવડા પરિવારના આંગણે હરખ અને પ્રેમની શરણાઈ ગુંજી હતી તેના એક મહિનામાં જ પરિવારના દીકરાએ આપઘાત કરી લેતા માતમ છવાયો છે. લગ્નના સાત ફેરા ફરતી વખતે યુવક-યુવતીએ એકબીજાને જિંદગીભર સાથે રહેવાના વચનો પણ આપ્યા હતાં. ત્યારે મહિનામાં જ લગ્ન જીવનનો આ પ્રકારે કરુણ અંત વિશે ચાવડા પરિવારના સ્નેહીજનોએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર