રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ, 5 દર્દીઓનાં મોત

રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ, 5 દર્દીઓનાં મોત
કોવિડ હૉસ્પિટલના આઈસીયુમાં 11 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જે પૈકીના પાંચ દર્દીઓ કોરોનાથી બચ્યા તો આગમાં જીવ ઓલવાઇ ગયા, રાજ્ય માટે કાળો દિવસ

કોવિડ હૉસ્પિટલના આઈસીયુમાં 11 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જે પૈકીના પાંચ દર્દીઓ કોરોનાથી બચ્યા તો આગમાં જીવ ઓલવાઇ ગયા, રાજ્ય માટે કાળો દિવસ

  • Share this:
રાજકોટના (Rajkot) માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં (Uday Shivanand Covid Hospital fire) આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ (Rajkot fire deaths) થવાના કારણે લાગ્યો હતો. જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી પ્રિયંક સિંગ, રાજકોટ  શહેરના મેયર બીનાબેન આચાર્ય રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી રાજકોટ ના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના નેતાઓ ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.



આ પણ વાંચો :   રાજ્યમાં કોરોનાના નવા 1560 કેસ, 1302 દર્દીઓ સાજા થયા, 16 દર્દીઓના મોત

ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે ઘટનાને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જે કોઈ પણ આ ઘટના મામલે કસૂરવાર હશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આગની ઘટનામાં 22 દર્દીઓને રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા છે.


મીડિયા સાથેની વાતચીતમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ના તબીબ ડૉ તેજસ કરમટા એ જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં અમારી હોસ્પિટલને કોવિડ કેર શરૂ કરવાની પરવાનગી મળી હતી. અમારી હોસ્પિટલ પાસે ફાયર એનોસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. સમગ્ર આગજનીની જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગજની નો બનાવ બનવા પામ્યો છે.

સમગ્ર મામલે રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે ફાયર સેફટી ના તમામ સાધનો છે તેમ છતાં આગજનીના બનાવ સમયે કોઇપણ કારણોસર તેનો ઉપયોગ થઈ શક્યું નથી જેના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઇ છે ત્યારે ભગવાન તમામ મૃતકોના આત્માને શાંતિ આપે.

આ પણ વાંચો :  ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ગંભીર? એક જ એમ્બ્યુલન્સમાં ચાર કોરોનાગ્રસ્ત મૃતદેહ લઈ જવાનો ફોટો વાયરલ

બનાવની જાણ થતા રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય પણ ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે ફાયર ની એનોસી છે સાથોસાથ ફાયરસેફ્ટીના તમામ સાધનો હોવા છતાં દુર્ઘટના ઘટી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ ઉદય કોવિડ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જે જગ્યાએ આગ જની નો બનાવ બન્યો હતો તે આઇસીયુની પણ મુલાકાત લીધી હતી. આઇસીયુ ની મુલાકાત બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટનામાં પાંચ જેટલા દર્દીઓના મોત નીપજ્યા છે જે પણ ઘટના બની છે તે ખૂબ જ દુઃખ જ છે તો સાથે જ ઘટના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત સંપર્કમાં છે. આગજનીના બનાવ માં મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ રામસિંહભાઈ નીતિનભાઈ બદાણી રસિકલાલ અગ્રાવત સંજય રાઠોડ તેમજ કેશુ અકબરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એફ.એસ.એલ.ની ટીમને પણ મદદ લેવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:November 27, 2020, 06:51 am

ટૉપ ન્યૂઝ