Home /News /kutchh-saurastra /

રાજકોટઃ મચ્છરોના ત્રાસને કારણે માર્કેટ યાર્ડને લાગ્યાં તાળાં

રાજકોટઃ મચ્છરોના ત્રાસને કારણે માર્કેટ યાર્ડને લાગ્યાં તાળાં

રાજકોટઃ માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસને કારણે કમિશન એજન્ટ, મજૂરો, બેડીગામના લોકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ દર્શાવાયો.

    રાજકોટઃ મચ્છરોના ત્રાસને કારણે રાજકોટ માર્કેટ યાર્ડને આજે બંધ રાખવામાં આવ્યું છે. કમિશન એજન્ટ, મજૂરો અને બેડી ગામના લોકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. બીજી તરફ, માર્કેટ યાર્ડ બંધ રહેતાં દૈનિક રૂ.10 કરોડનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું હતું. આને કારણે સૌથી વધુ માર યાર્ડમાં માલ વેચવા આવતા ખેડૂતને પડ્યો હતો.

    જસદણા તાલુકાના હલેન્ડા ગામના ખેડૂત ગોરધનભાઈ પાસે 30 વીઘા ખેતીલાયક જમીન છે. એમાંથી આ વખતે તેમણે 10 વીઘામાં જ જીરું વાવ્યું હતું. તેમને 60 મણ જીરાની ઊપજ થઈ છે. ગોરધનભાઈ છેલ્લા બે દિવસથી રાજકોટ આવે છે, પરંતુ હરાજી ઠપ્પ થવાથી તેમનો માલ વેચાતો નથી. યાર્ડમાં ધક્કા ખાવા પાછળ તેમને રોજના રૂ.400 જેટલો ખર્ચ થાય છે, ત્યારે સવાલ તો એ ઊભો થાય છે કે આખરે ગોરધનભાઈને થતો ખર્ચ ભોગવશે કોણ?

    છેલ્લા કેટલાય સમયથી કમિશન એજન્ટ અને વેપારીઓ દ્વારા મચ્છરના ત્રાસને કારણે યાર્ડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. કામકાજ ઠપ્પ રહેવાને કારણે મજૂરોની કમાઈ પર અને ખેડૂતોને મોટી અસર પહોંચે છે. જોકે કમિશન એજન્ટના પ્રમુખનું કહેવું છે કે આ હડતાળ યાર્ડમાં કામ કરતા મજૂરો અને માલ વેચવા આવતા ખેડૂતોનું સ્વાસ્થય જોખમાઈ નહિ એ માટે જ રાખવામાં આવી છે.

    બીજી તરફ, આ સમગ્ર મુદ્દે યાર્ડના ચેરમેન ડી .કે. સખિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારની હડતાળ પાડી કમિશન એજન્ટો પોતાના જ પગ પર કુહાડી મારે છે, યાર્ડ દ્વારા તેમને આપવામાં આવેલી દુકાનને પણ તાળાં મારી દીધાં છે. મચ્છરોનો ત્રાસ હોવાથી રોડ બે કલાક ફોગિંગ કરાવતાં હોવાનું જણાવ્યું હતું. હવે યાર્ડના સત્તાધીશો પોતે વચ્ચે રહી ખેડૂતોનો માલ વેપારીઓને વેચશે, જેથી કરી વચેટિયાઓ લાભ નહીં લઈ શકે.

    કમિશન એજન્ટોની વાત મચ્છરો બાબતે સાચી છે. જોકે આ પ્રકારે યાર્ડ બંધ રાખવાની અચાનક જાહેરાત કરવાથી સૌરાષ્ટ્રભરમાંથી બેડી માર્કેટ યાર્ડ ખાતે પોતાનો માલ વેચવા આવતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે તો બીજી બાજુ, યાર્ડનો પાયો ગણાતા મજૂરોને પણ દૈનિક રૂ.500થી રૂ.600 સુધીનું નુકસાન થઈ રહ્યું છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Market yard, Torture of mosquitoes, ગુજરાત, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन