રાજકોટ: હની ટ્રેપ 'તોડ' કેસમાં ASI તૃષા બુસા સસ્પેન્ડ, GRDનાં પાંચ જવાનની પણ હકાલપટ્ટી

News18 Gujarati
Updated: October 16, 2020, 10:44 AM IST
રાજકોટ: હની ટ્રેપ 'તોડ' કેસમાં ASI તૃષા બુસા સસ્પેન્ડ, GRDનાં પાંચ જવાનની પણ હકાલપટ્ટી
સસ્પેન્ડેડ ASI તૃષા બુસા.

મોરબીના વેપારીને રાજકોટના એક સ્પા સંચાલકની પત્નીએ ફોન કરીને મળવા બોલાવ્યો હતો, જે બાદમાં તેને છેડતીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા.

  • Share this:
રાજકોટ: મોરબીના વેપારીને હની ટ્રેપ (Rajkot Honey Trap Case)માં ફસાવવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) મનોજ અગ્રવાલે તાલુકા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI Trusha Busa) તૃષા બુસાને સસ્પેન્ડ કરી દીધા છે. એટલું જ નહીં આ કેસમાં ધરપકડ કરાયેલા બે જીઆરડી (GRD) જવાન સહિત કુલ પાંચ જવાનોની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ASIએ એક સ્પા સંચાલક દંપતી સાથે મળીને મોરબીના વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી 'તોડ' કર્યો હતો. આ મામલે વેપારીએ રાજકોટ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી કરી હતી.

ASIનો આ કેસમાં શું રોલ હતો?

તમામ લોકોએ વેપારીને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસે રહેલા રોકડા 22,500 રૂપિયા પડાવી લીધા હતા. બાકીની બે લાખની રકમ પછીથી આપવાનું નક્કી થયું હતું. આ દરમિયાન વેપારી પોલીસ ફરિયાદ ન કરે તે માટે મહિલા ASI તૃષા બુસાએ વેપારીને પોલીસે સ્ટેશન બોલાવ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરાવાનો ગુનો પણ નોંધ્યો હતો અને તેમને પોલીસ લોકઅપમાં પૂરી દીધો હતો. આથી જો ભવિષ્યમાં ફરિયાદ થાય તો આરોપી સ્પા સંચાલકની પત્નીના ઘરે નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં હતો એવું કહેવા માટે ખોટી સ્ટોરી ઊભી કરી હતી.

સ્પા સંચાલક સહિત ધરપકડ કરાયેલા આરોપી.


યુવકો સ્પા કરાવવા આવે એટલે સંચાલક જવાનોને બોલાવી લેતો હતો

પોલીસનું કહેવું છે કે આરોપી સ્પા સંચાલક આશિષ મારડિયા પોતાના સ્પા ખાતે યુવકોને બોલાવતો હતો. આ દરમિયાન યુવકોને શારીરિક સંબંધ બાંધવાની ઑફર પણ કરાતી હતી. જે બાદમાં યુવકો શરીર સંબંધ બાંધીને બહાર નીકળે ત્યારે સ્પા સંચાલક ફોન કરીને કેટલાક જીઆરડી જવાનોને બોલાવી લેતો હતો. જે બાદમાં યુવકોને ખોટા કેસમાં ફીટ કરવાનું કહીને તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવતા હતા.હની ટ્રેપ કેસ શું હતો?

મોરબીના જમના ટાવરમાં રહેતા તેમજ ફરસાણનો વેપાર કરતા સંજયભાઈ સોમૈયાએ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાની ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે રાજકોટના કે.કે.વી હોલ પાસે સ્પા ધરાવતા આશિષ મારડિયા અને તેની પત્ની અલ્પા મારડિયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. ફરિયાદીના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા વર્ષોથી અલ્પાના પરિચયમાં હતા. આ દરમિયાન બંને ફોનમાં વાતચીત કરતા હતા. જોકે, વેપારીએ ફરિયાદમાં એવું પણ લખ્યું છે કે તેઓએ અલ્પા સાથેની મિત્રતા તોડી નાખી હતી પરંતુ અલ્પાનો ફોન આવતા ફરીથી વાતચીત શરૂ કરી હતી.

તૃષા બુસા.


વેપારીને કેવી રીતે ફસાવ્યો?

અલ્પાએ વેપારીને એવું કહીને ફસાવ્યો હતો કે તેનો પતિ બહાર ગામ જવાનો છે. આ સમય દરમિયાન તેણીએ વેપારીને તેના ઘરે બોલાવ્યો હતો. જે બાદમાં પાંચમી ઓક્ટોબરના રોજ વેપારી મોરબીથી કાર લઈને અલ્પાના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન મહિલાનો પતિ આશિષ અને તેનો મિત્ર ઘરે આવી પહોંચ્યા હતા અને તેની પત્નીની છેડતી કરી હોવાનો આક્ષેપ લગાવીને તેના પર પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. જે બાદમાં મહિલાના પતિએ બે જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા. તમામે વેપારીને કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી અને કેસ ન કરવા માટે બે લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો.

આ દરમિયાન અલ્પા તેના પતિ આશિષ, આશિષનો મિત્ર સુરેશ પરમાર, એલઆરડી જવાનો શુભમ નીતિન શિશાંગિયા અને રિતેષ ભગવાનજી પટેલે વેપારી પાસે રહેલા 22,500 રૂપિયા પડાવી લીધા હતા. જે બાદમાં કેસ ન કરવા બદલ 10મી ઓક્ટોબરના રોજ બે લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ મામલે વેપારીએ પોતાના ઘરે જઈને વાત કરતા પરિવારના લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. જે બાદમાં વેપારીએ ફરિયાદ આપતા આ ગુનામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
Published by: Vinod Zankhaliya
First published: October 16, 2020, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading