રાજકોટ : શહેરમાં પ્રેમિકાના ભાઈએ યુવાનને મળવા બોલાવી યુવાનને માર મારી ત્રણ લાખ આપવાની ધમકી આપતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા આઈપીસીની કલમ 306, 387, 342, 323, 504, 506 (2) અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યા મુજબ મૃતક અતુલના મામા ગોપાલભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ મારી બહેન જયાબેનને બે દીકરા છે. જેમાં પ્રથમ સંતાન અને અતુલ અને બીજા સંતાનને હાર્દિક છે. મારો મૃતક ભાણેજ છેલ્લા ચાર વર્ષથી રાજકોટ શહેરની નજીક આવેલી બાલાજી વેફર્સમાં નોકરી કરતો હતો. ઉતરાયણના દિવસે મારા ભાણેજ અતુલનો મને ફોન આવ્યો હતો અને તે રડતા રડતા મારી સાથે વાત કરતો હતો. ફોનમાં મારા મૃતક ભાણેજે મને જણાવ્યું હતું કે, મામા એક યુવતી સાથે સંબંધ છે તેના નાના ભાઈ રણછોડને જાણ થઈ જતા તેણે મને અત્યારે મળવા બોલાવ્યો છે. ત્યારે રણછોડે મને ધરાહાર અહીં બેસાડી દીધો છે તો સાથે જ મારી નાખવાની ધમકી પણ આપે છે.
તેમણે કહ્યું કે, મેં મારા ભાણેજને કહ્યું હતું કે, તું રણછોડ સાથે મારી વાત કરાવ. ત્યારે મેં રણછોડભાઈને કહ્યું હતું કે, મારા ભાણેજ અતુલની ભૂલ થઈ ગઈ હશે તેને તમે છોડી મૂકો, હવે પછી તે ક્યારેય તમારી બહેનને નહીં બોલાવે. ત્યારે જોતજોતામાં રણછોડભાઈ ઉશ્કેરાઈ જતા ગાળો દેવા લાગ્યા હતા, તો સાથે જ ધમકાવવા પણ લાગ્યા હતા. ત્યારે થોડાક સમય બાદ રણછોડભાઈ એ મને કહ્યું હતું કે, તમારા ભાણેજને છોડી મુકીશ પરંતુ તમારે ત્રણ લાખ આપવા પડશે. જોકે રણછોડભાઈને મેં સમજાવ્યું હતું કે, તમે અતુલને જવા દો ત્યારે થોડીવાર બાદ અતુલનો ફોન આવ્યો હતો કે હું ઘરે જાઉં છું.
અતુલના ઘરે ગયા બાદ મેં તેને ફોન કર્યો હતો પરંતુ તેને ફોન ઉપાડ્યો નહોતો. જેથી મેં માન્યું હતું કે, અતુલ સુઈ ગયો હશે. ત્યારબાદ મેં અતુલની સાથે રહેતા કીરીટ ભાઇને ફોન કર્યો હતો ત્યારે કિરીટભાઈ એ તપાસ કરતા અતુલે ગળાફાંસો ખાઇ લીધા હોવાનો મને જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મેં પોલીસને ઓડિયો રેકોર્ડિંગ પણ સોંપ્યા છે.