આરકે યુનિ.ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરે લટકતી સીટ ડિઝાઇન કરી
પ્રતિકાત્મક તસવીર
વિદ્યાર્થીઓ અને પ્રોફેસરની સિદ્ધિ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ડિઝાઇન ભારતીય પેટન્ટ ઓફીસ દ્વારા પ્રકાશિત થઈ, બસ-ટ્રેનમાં તમામ લોકોને બેસવાની જગ્યા મળે તેવા હેતુથી તૈયાર કરેલી આ સીટ ઊભા રહેવાની જગ્યાએ ઇનસ્ટોલ કરી શકાય છે
ન્યૂઝ 18 ગુજરાતી : ભારતમાં બસ અને ટ્રેન એ ખુબ જ વ્યસ્ત અને માણસોથી ધેરાયેલા રહે છે, ખાસ કરીને સવારે અને સાંજે. આને લીધે દરેક વ્યક્તિને બેસવાની જગ્યા મળી શકતી નથી અને લોકોને લાંબા સમય સુધી ઉભા ઉભા મુસાફરી કરવી પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી રાજકોટની આરકે યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ એક સંશોધન કર્યું છે. યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરીંગ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ.ચેતન કુમાર પટેલ અને વિદ્યાર્થી ધૈર્ય દવે અને બ્રીજ બોડા દ્વારા એક અનોખી બેઠક વ્યવસ્થા ડિઝાઇન કરવામાં આવી છે. બસ અને ટ્રેનમાં તમામ લોકોને બેસવાની જગ્યા મળે તેવા હેતુથી તૈયાર કરેલી આ સીટ વચ્ચે ઊભા રહેવાની જગ્યાએ ઇનસ્ટોલ કરી શકાય છે અને બેઠકની પ્રતિકુળતાને ઘણે અંશે ઓછી કરે છે. આ ડિઝાઇનની પેટન્ટ ભારતીય પેટન્ટ ઑફિસ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવી છે.
આરકે યુનિવર્સિટીના રચનાત્મક અને સર્જનાત્મક વાતાવરણને લીધે એક પેટન્ટ “સપ્લીમેંટરી સીટ ફોર પબ્લિક ટ્રાન્સપોર્ટ વિથ રીટ્રેક્ટેબલ હેંગિંગ સપોર્ટ” નું પ્રકાશન થયું છે. આ પેટન્ટ ભારતીય પેટન્ટ ઓફીસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપક દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું છે એ બેઠક વ્યવસ્થાની પ્રતિકુળતાને ઘણે અંશે ઓછી કરે છે. તેમણે એક લટકતી સીટ બનાવી છે. આ સીટ ને બસમાં રહેલા સપોર્ટના રોડ કે જેને પકડીને લોકો ઉભા રહે છે, તેની સાથે લગાવામાં આવે છે. સામાન્ય પરિસ્થિતિમાં એ નાની જગ્યામાં સંકોચાઈને લટકતી હોય છે. જયારે પણ કોઈને બેસવું હોય તો તે આ સીટને પકડીને ખેચી શકે છે.
આ સીટની ખાસિયત એ છે કે જયારે એની જરૂરિયાત ન હોય, ત્યારે ફરી પાછી એને મૂળ સ્થિતિમાં મૂકી દેવાની રહે છે. આથી ચઢતા ઉતરતા મુસાફરો ને બિલકુલ નડતી નથી. ટેલિસ્કોપીક ડીઝાઈનને લીધે તેનું સંકોચન અને વિસ્તરણ સહેલાઈથી થાય છે. નજીકના ભવિષ્યમાં જ આ સંશોધનની અસર બસ અને ટ્રેનમાં જોવા મળશે જેના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ગીચતાના પ્રશ્નનું મહદઅંશે નિરાકરણ લાવી શકાશે.