રાજકોટ: 'તારા પતિને કામે લગાડી દીધો છે,' પ્રેમમાં આડખીલી બનેલા મિત્રની મિત્રએ જ કરી હત્યા

રાજકોટ: 'તારા પતિને કામે લગાડી દીધો છે,' પ્રેમમાં આડખીલી બનેલા મિત્રની મિત્રએ જ કરી હત્યા
ઇનસેટમાં આરોપી.

મૃતકની પત્ની અને આરોપીને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો, પત્નીએ પતિ ગુમ થવા અંગે જે સ્ટોરી કહી હતી તેના પરથી પોલીસને પહેલાથી જ તેની ભૂમિકા શંકાસ્પદ લાગી હતી.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરના બજરંગવાડી પોલીસ (Bajrangwadi police) ચોકીથી થોડે દૂર એક અજાણ્યા શખ્સની હત્યા થયાની શંકા દર્શાવતી લાશ મળી આવી હતી. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ મૃતકના મિત્ર (Friend) અને તેની પત્નીના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે. 'જર, જમીન અને જોરૂ ત્રણેય કજિયાનાં છોરુ' એ કહેવત દાયકાઓથી આપણે ત્યાં કહેવાતી આવી છે. આ કહેવત હજારો વખત સાચી પણ પડી છે. આ જ પ્રકારનો કિસ્સો રાજકોટ શહેર (Rajkot city)માં સામે આવ્યો છે. રાજકોટ શહેરના જામનગર રોડ (Jamnagar road) ઉપર આવેલી બજરંગવાડી પોલીસ ચોકીથી થોડે દૂર રેલવે પાટાની આસપાસના અવાવરું જગ્યામાં ચોથી મેના રોજ એક અજાણી વ્યક્તિની લાશ પડી હોવાની બાતમી ગાંધીગ્રામ પોલીસ (Gandhigram police)ને મળી હતી.

ઘટના સ્થળ પર પહોંચીને પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. પીએમ રિપોર્ટમાં મૃતકના માથામાં બોથડ પદાર્થ વડે ઘા ઝીંકવામાં આવતા ખોપડીમાં ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસની હત્યાની શંકા સાચી સાબિત થઈ હતી.



આ પણ વાંચો: લગ્નના પાંચ જ મહિનામાં યુગલનો આપઘાત, બંને વચ્ચે કોઈ ઝઘડો કે મતભેદ ન હોવાનો પરિવારનો દાવો

બીજી તરફ મૃતકની પત્નીએ પણ ક્રાઇમ સીરિયલમાં આવે તેવી સ્ટોરી પોલીસને જણાવી હતી. મૃતકના પત્ની સંગીતાબેને પોલીસને જણાવ્યું હતું કે, સાગર દરજી નામના વ્યક્તિ સાથે તેના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં એક કાવ્ય નામની પુત્રી છે, જ્યારે જય નામનો પુત્ર છે. હાલ તેની ઉંમર 35 છે. જ્યારે તેના પતિની ઉંમર 55 વર્ષ છે. એટલે કે પતિ-પત્ની વચ્ચેની ઉંમરમાં 20 વર્ષનો તફાવત હોવાનું સામે આવ્યું છે.



પત્નીએ પતિ ગુમ થયાની ફરિયાદ આપી

સંગીતાએ પોલીસને જણાવ્યું હતું કે, "ગત ત્રીજી મેના રોજ ઘરમાં રાંધણ ગેસનો બાટલો ખૂટી ગયો હોવાથી હું, મારા પતિ અને બે સંતાનો રિક્ષામાં બેસીને રામાપીર ચોકડી સુધી પહોંચ્યા હતા. રામાપીર ચોકડીથી ગારીયાધારમાં રહેતી મારી બહેન દીપિકાના ઘરે હું મારા બે સંતાનોને લઈ પહોંચી હતી. બીજી તરફ પતિને પોતાના મોબાઈલમાં રિચાર્જ કરાવવાનું હોવાથી તે અમારાથી અલગ પડ્યા હતા. રિચાર્જ કરાવ્યા બાદ તેઓ પણ મારા બહેનની ઘરે જવાના હતા પરંતુ મોડે સુધી તેઓ ન આવતા મારા પતિ મારા માધાપર સ્થિત ઘરે જતા રહ્યા હશે તેમ સમજીને હું મારા બંને બાળકો સાથે બહેનના ઘરે જ રોકાઈ ગઈ હતી. બહેનના ઘરે બે દિવસ રોકાયા બાદ ત્રીજે દિવસે હું મારા ઘરે ગઈ હતી. ઘરે પહોંચતાં મકાન બંધ હોય અને પતિ પણ જોવા ન મળતાં મેં ગાંધીગ્રામ પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી. જે દરમિયાન ચોથી મેના રોજ IOCના ડેપો પાસે પ્રૌઢની લાશ મળી આવી હતી, જે મારા જ પતિની હોવાની જાણ થઈ હતી."

આ પણ વાંચો: રાજકોટ: માતાપિતાનું બારમું કરે તે પહેલા કાળમુખો કોરોના પુત્રને પણ ભરખી ગયો, ભાલાળા પરિવારમાં 12 દિવસમાં ત્રણ મોત



પોલીસને પત્નીની ભૂમિકા શંકાસ્પદ લાગી

આવી વાત બાદ પોલીસને પહેલેથી જ આ કેસમાં પત્ની સંગીતાની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી હતી. પોલીસે પતિ, પત્ની ઉંમરનો તફાવત જોયા બાદ મૃતક અને તેની પત્નીના સંબંધો પર તપાસ કેન્દ્રીત કરી હતી. આ સમયે પોલીસને સચોટ બાતમી મળી હતી કે, સંગીતા અને તેના પતિના મિત્ર સંજય ઉર્ફે છોટીયો ઉર્ફે બિહારી પાસવાન સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા થકી રેમડેસિવીર ઇન્જેક્શન શોધતા પહેલા ચેતજો, તમારી સાથે પણ અમદાવાદની યુવતી જેવું બની શકે

પોલીસે પત્નીના પ્રેમીને ઉઠાવ્યો

ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને પી.એસ.આઇ યુ.બી.જોગરાણાની ટીમે સંજય બિહારીને ઉઠાવી લીધો હતો. સંજય બિહારીને ખાખીની સખ્તાઈ બતાવતા જ તે પોપટની જેમ બોલવા માંડ્યો હતો. સંજય પોલીસને જણાવ્યું હતું કે તે સંગીતા સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં છે. પ્રેમ સંબંધમાં પોતાનો મિત્ર સાગર આડખીલીરૂપ બનતો હોવાથી તેને પતાવી દીધો હતો. બંને વારંવાર સાથે દારૂ પણ પીતા હતા. તેમજ સાગરની હત્યા કર્યા બાદ સંજયે પોતાની પ્રેમિકાને કહ્યું હતું કે, તારા પતિને કામે લગાડી દીધો છે.

કેવી રીતે હત્યા કરી?  

ગત ત્રીજી મેના રોજ સંજય તેના મિત્ર સાગરને દારૂ પીવડાવી નશાની હાલતમાં બજરંગવાડી પોલીસ ચોકીની પાછળ આવેલા IOC ડેપો પાસે લઇ ગયો હતો. અહીં માથા, નાક તથા ગુપ્ત ભાગ પર પથ્થર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગાંધીગ્રામ પોલીસે હાલ સંજય ઉર્ફે બિહારીનો કબજો મેળવી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતાની સાથે જ તેની ધરપકડ પણ કરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસ સાગરની પત્નીની પણ હત્યા મામલે સંડોવણી છે કે નહીં તે મામલે વધારે તપાસ કરી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:May 12, 2021, 12:40 pm

ટૉપ ન્યૂઝ