રાજકોટ : રાજ્યમાં દારૂ બંધી હોવા છતા દારૂનો ધંધો (foreign liquor) કરનાર બુટલેગરો રોજે-રોજ નવા-નવા આઈડીયા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, પોલીસ પણ પોતાનું બાતમીદારોનું નેટવર્ક મજબુત બનાવી બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવી રહી છે. રાજકોટ શહેરમાં આજે પોલીસે જાહેર શૌચાલય (public toilet)માં સંતાડેલો દારૂો જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના જુના માર્કેટ યાર્ડ પાસે ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ આવેલા જાહેર શૌચાલયમાં બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી શૌચાલયના કર્મચારી મુળ બિહારના શખ્સને રૂ. 25200ના 72 બોટલ દારૂ સાથે પકડી લીધો છે. આ દારૂ અહીં ઉતારનારા શખ્સની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ આવેલા જાહેર શૌચાલયમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતાં બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી તપાસ કરતાં રૂ. 25200નો 72 બોટલ દારૂ મળી આવતાં કબ્જે કરી કર્મચારી મુળ બિહાર સમસ્તીપુરના તીસવાડા ગામના આશિષ ફાવાનંદ ઠાકુરને પકડી લીધો છે.
પોલીસે કડક રીતે પુછતાછ કરતા માલધારી સોસાયટીના પિન્ટૂ વીભાભાઇ રાતડીયાનું પણ નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ઢેબર રોડ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ એસબીઆઇ બેંક પાસેથી આનંદનગર કોલોનીના બ્લોક નં. 8 રૂમ નં. 51માં રહેતાં ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાને રૂ. 1500ની ત્રણ બોટલ દારૂ સાથે એકટીવા સાથે પકડી લીધો હતો. આ શખ્સ પ્રાઇવેટ નોકરી કરે છે.
તો ગાંધીગ્રામ પોલીસે બે દરોડામાં લાખના બંગલા મેઇન રોડ પરથી મયુર લલીતભાઇ ધામેચાને રૂ. 400ની એક બોટલ સાથે તથા ગાંધીગ્રામ વેલનાથ ચોક આશાપુરા મંદિર પાસે આશાપુરા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ નં.303 માંથી અનિલપરી પ્રવિણપરી ગોસ્વામીને રૂ. 7200 18 બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ દારૂમાં યશપાલ નિર્મળભાઇ ડાવેરાનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે.
મહત્વનું છે કે, પોલીસ બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવી અલગ-અલગ જગ્યા ઉપર દરોડા પાડી દારૂનો જથ્થો પકડી પાડી રહી છે. પોલીસ દ્વારા સમયાંતરે દારૂની મેગા ડ્રાઈવ યોજી દેશી દારૂની ભઠ્ઠીઓ પણ નાશ કરવામાં આવી રહીં છે, ત્યારે પોલીસે વધુ એક વખત શૌચાલયમાંથી દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.