રાજકોટ પોલીસની "સુરક્ષિતા" એપ મહિલાઓને રાખશે સુરક્ષિત, આ રીતે કરશે કામ

રાજકોટ પોલીસની "સુરક્ષિતા" એપ મહિલાઓને રાખશે સુરક્ષિત, આ રીતે કરશે કામ
અંજલી રૂપાણીએ પોલીસની એપ્લિકેશનનું લોકાર્પણ કર્યું.

મહિલા એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહી હોય ત્યારે તે એપ્લિકેશનના માધ્યમથી સ્ટાર્ટિંગ પોઇન્ટ અને એન્ડિંગ પોઇન્ટ વિશેની માહિતી ફીડ કરી શકશે.

  • Share this:
રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં મહિલાઓ પરના અત્યાચારોના કિસ્સા સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ ગુજરાતનાં ત્રણ મેટ્રો શહેરમાં સગીરા સાથેના દુષ્કર્મના બનાવો સામે આવ્યા હતા. બીજી બાજુ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના બનાવથી આખે દેશ હચમચી ગયો હતો. હવે રાજકોટ પોલીસે મહિલાઓની સુરક્ષા માટે "સુરક્ષિતા" નામની એપ લોંચ કરી છે. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશન "દુર્ગા શક્તિ" ટીમની પણ રચના કરવામાં આવી છે.

મહિલાઓના સથવારે આવી "સુરક્ષિતા" એપ્લિકેશનતાજેતરમાં જ હૈદરાબાદની અંદર જે કિસ્સો સામે આવ્યો હતો તેમાં ભોગ બનનારી ડૉક્ટર રાત્રે એકલી પોતાના ઘરે જતી હતી. આ સમયે તેણીનું વાહન બગડ્યું હતું. ડૉક્ટરે આની જાણ પોતાના પરિવારને કરી હતી પરંતુ આ જ સમયે તેની એકલતાનો ગેરલાભ કેટલાક હેવાનોએ લીધો હતો. રાજકોટમાં મહિલાની સુરક્ષા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરે "સુરક્ષિતા" નામની એપ્લિકેશન તૈયાર કરાવી છે. આ એપ્લિકેશનનું લોકાર્પણ આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું."સુરક્ષિતા"નો ઉપયોગ કઈ રીતે કરી શકશો?

  • પ્લે સ્ટોરમાં જઇ "સુરક્ષિતા" ટાઈપ કરવાનું રહેશે.

  • જે બાદ Register અને Continue નામના બટન પર Click કરવાનું રહેશે.

  • જે બાદ એપ્લિકેશનનો ઉપયોગ કરવા ઈચ્છુક વ્યક્તિએ પોતાનું નામ, નંબર, રહેઠાણનું સરનામું, તેમજ પોતાના બે ગાર્ડિયનના નંબર, સરકાર મળેલા અધિકૃતિ આઈડીનો નંબર તેમજ તે નંબર દર્શાવતો ફોટો આઇડી પ્રૂફ અપલોડ કરવાનો રહેશે.

  • જ્યારે પણ મહિલા પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહી હોય ત્યારે તે એપ્લિકેશનના માધ્યમથી સ્ટાર્ટિંગ પોઇન્ટ અને એન્ડિંગ પોઇન્ટ વિશેની માહિતી એપ્લિકેશનમાં ફીડ કરી શકશે. તો સાથે જ મુસાફરી માટે ઉપયોગમાં લેનાર વાહનના નંબર પણ એડ કરી શકાશે.

  •  જ્યારે મહિલાને કોઈપણ જાતની મદદની જરૂર હોય ત્યારે તેને એપ્લિકેશનમાં રહેલા હેલ્પ બટન પર ક્લિક કરવાનું રહેશે. હેલ્પ બટન પર ક્લિક કરતાની સાથે જ તેની જાણ જે તે મહિલાના ગાર્ડિયન અને પોલીસને થશે. એપ્લિકેશનના માધ્યમથી જ જે તે મહિલાના હાલના લોકેશનની માહિતી તેના પરિવાર અને પોલીસને મળી જશે.


"દુર્ગા શક્તિ" ટીમની રચના

આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસે "દુર્ગા શક્તિ" નામની એક ટીમ પણ બનાવી છે. આ ટીમ દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે. દરેક પોલીસ સ્ટેશનમાં "દુર્ગા શક્તિ" ટીમની ચાર મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવશે. શક્તિ ટીમનું મુખ્ય કામ મહિલાઓને સુરક્ષા પૂરી પાડવી, તેમની સાથે બનતી અઘટિત ઘટનાઓનો રોકવી, તેમજ મહિલાઓમાં જાગૃતિ આવે તે પ્રકારના કાર્યો કરવાની રહેશે. સાથે જ ભોગ બનનારનું કાઉન્સિલિંગ કરવાની જવાબદારી પણ "દુર્ગા શક્તિ" ટીમની રહેશે.
Published by:News18 Gujarati
First published:December 16, 2019, 11:42 am