રાજકોટમાં પાણીની હૈયાહોળી, 'મુખ્યમંત્રીએ મકાન આપ્યા એવી રીતે પાણી પણ આપે'

રાજકોટમાં પાણીની હૈયાહોળી, 'મુખ્યમંત્રીએ મકાન આપ્યા એવી રીતે પાણી પણ આપે'
આખરે આજે મહિલાઓ દ્વારા કાલાવડ રોડ ચક્કાજામ કરવાની ફરજ પડી હતી

આજી ડેમમાં પણ 20થી 50 દિવસ ચાલે તેટલુ જ પાણી છે. જેથી મનપાએ સરકારને પત્ર લખી સૌની યોજનાથી ડેમ ભરવા જણાવ્યું છે

  • Share this:
રાજકોટ :  ઉનાળાની (Summer) શરૂઆત થતાની સાથે જ પાણીની (water) પારાયણ પણ શરુ થઇ ચુકી છે. શહેરનાં કાલાવડ રોડ પર આવેલા અવધ રોડ પરની વીરસાવરકર ટાઉનશીપનાં રહીશોને છેલ્લા ચાર મહિનાથી પાણીની તકલીફ ભોગવવી પડી રહી છે અને છેલ્લા આઠ દિવસથી સતત પાણી નહિ મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રૂડા (RUDA) કચેરી પર અનેક વખત રજૂવાત કરવા છતાં પણ કોઈ વ્યવસ્થા નહિ થતા આખરે આજે મહિલાઓ દ્વારા કાલાવડ રોડ ચક્કાજામ કરવાની ફરજ પડી હતી. જોકે સમગ્ર મામલે મેયરે  મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.
હાલની પરિસ્થિતિ મુજબ આજી ડેમમા પણ 20થી 50 દિવસ ચાલે તેટલું જ પાણી છે. જોકે, મનપાએ સરકારને પત્ર લખી સૌની યોજનાથી ડેમ ભરવા જણાવ્યું છે અને સરકારે પણ સંમતીદર્શાવી રાજકોટને પાણી પૂરું પાડવા ખાતરી આપી છે. પરંતુ શહેરનાં અવધ રોડ પર આવાસ યોજનામાં છેલ્લા આઠ દિવસથી પાણીની ફરિયાદો ઉઠી છે. સતત ઘણા દિવસોથી પાણી નહિ મળતા આખરે આવાસમાં રહેતી મહિલાઓ રોષે ભરાઇ હતી અને રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યું હતું. જેને પગલે રસ્તા પરના ટ્રાફિકમાં અવરોધ ઉભો થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.


ટાઉનશીપની મહિલાઓ ખાલી ડોલ લઇ રસ્તા પર ઉતરી આવી હતી. પાણી નહિ મળતા આખરે  150થી 200  રૂપિયા ચૂકવી પાણીનું ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. મહિલાઓ બેડા અને ડોલ સાથે રસ્તા પર ઉતરી બેડા ખખડાવ્યા હતા અને પાણી આપવા માંગ કરી હતી. મહિલા રસ્તા પર આવતા ટ્રાફિકજામ થતા પોલીસ દોડી ગઇ હતી અને ટ્રાફિક શરૂ કરાવ્યો હતો અને મહિલાઓને સમજાવી હતી. રોષે ભરાયેલી મહિલાઓ અને પોલીસ વચ્ચે પણ બોલાચાલીનાં દ્રશ્યો સર્જાયા હતા.
જે રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યાંથી મેયરનું ઘર નજીકમાં જ હોવાથી આખરે મેયર મધ્યસ્થી બન્યા હતા અને રૂડા તેમજ મ્યુનીસીપલ કમિશ્નર સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને રહીશોને તાત્કાલિક પાણીના ટેન્કર પહોચાડવાની પણ ખાતરી આપી હતી.
આ વીડિયો પણ જુઓ : 

Published by:News18 Gujarati
First published:March 14, 2020, 14:53 pm

ટૉપ ન્યૂઝ