રાજકોટ : સારો વરસાદ છતાં પાણીનું સંકટ ટળ્યું નહીં, માર્ચ-એપ્રિલમાં આજી અને ન્યારી ડેમના તળિયા દેખાશે

રાજકોટ : સારો વરસાદ છતાં પાણીનું સંકટ ટળ્યું નહીં, માર્ચ-એપ્રિલમાં આજી અને ન્યારી ડેમના તળિયા દેખાશે
આજી ડેમ (ફાઇલ તસવીર)

શહેરને પાણી પૂરી પડતા આજી-1માં 31 માર્ચ અને ન્યારી ડેમમાં 30 એપ્રિલ સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો છે.

  • Share this:
રાજકોટ : શહેરમાં વર્ષોથી પાણીની સમસ્યા ચાલી આવે છે. શહેરમાં પાણીની સમસ્યા પર ભૂતકાળમાં ચૂંટણીઓમાં હાર-જીત થયાના પણ દાખલા છે. શિયાળો પૂરો થવાની આરે છે ત્યારે અત્યારથી મહાનગરપાલિકાના અધિકારીઓ અને મનપાના શાશક પક્ષને પાણીની ચિંતા સતાવવા લાગી છે. આ વર્ષે ખૂબ સારો વરસાદ પડતાં રાજકોટના નાના મોટા તમામ જળાશયો તેમજ નદી-નાળા છલકાઈ ગયા હતા. જોકે, હવે ઉનાળો નજીક આવતા જળાશયોના તળિયા પણ દેખાશે તેવી ચિંતા મનપાને દેખાઇ રહી છે.

આ મામલે મનપાએ સરકારને પત્ર લખીને સૌની યોજનાનું પાણી આપવાની વિનંતી કરી છે. રાજકોટમાં દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવે છે. દરરોજ પાણી વિતરણ માટે 300 એમએલડી પાણીની જરૂર પડે છે. જો 300 એમએલડી પાણી દરરોજ આપવું હોય તો આ માટે વધારાનું 1200 એમસીએફટી પાણીની જરૂર પડે.શહેરને પાણી પૂરી પડતા આજી-1માં 31 માર્ચ અને ન્યારી ડેમમાં 30 એપ્રિલ સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો છે. આવા સમયે સૌની યોજના મારફતે જ શહેરને પાણી પૂરું પાડી શકાશે. અત્યારે મનપા પાણી વિતરણ માટે આજી 1 અને ન્યારીમાંથી દરરોજ 5 એમસીએફટી પાણીનો ઉપયોગ કરે છે.

મનપાએ આજી ડેમમાં 800 એમસીએફટી પાણી 15 માર્ચ સુધીમાં આપવા માંગ કરી છે, તો ન્યારીમાં 500 એમસીએફટી પાણી 15 એપ્રિલ સુધીમાં મળે તેવી માંગ કરી છે. રાજકોટમાં દરરોજ પાણી વિતરણ માટે 70 એમએલડી પાણી નર્મદાની પાઇપલાઇન મારફતે મળે છે. પાઇપલાઇન મારફતે દરરોજ ન્યારી અને બેડી ફિલ્ટર પ્લાન્ટમાં પાણી પહોંચે છે. આ ઉપરાંત કોઠારીયામાં પાણી વિતરણ માટે 8 એમએલડી પાણી આપવામાં આવે છે.
Published by:News18 Gujarati
First published:February 05, 2020, 12:43 pm