રાજકોટ : શહેર સહિત રાજ્યભરમાં એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવાના બનાવો અનેક વખત સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના શાપર-વેરાવળમાં ૮ વ્યકિતના ડુપ્લીકેટ કાર્ડથી રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ આવી હતી, જેના આધારે પોલીસે આંતરરાજય ગેંગના પવનકુમાર પટેલને ૯ ડેબીટ કાર્ડ સાથે ઝડપી પાડ્યો છે. તે એટીએમ-ડેબીટ કાર્ડના ડેટા કલોનીંગ મશીન દ્વારા ચોરી કરી તેને એમ.એસ.આર. તથા લેપટોપ સાથે કનેકટર કરી ડુપ્લીકેટ કાર્ડ દ્વારા બારોબાર રૂપિયા ઉપાડી લેતા આંતરરાજય ગેંગના સાગ્રીતને ૯ ડેબીટ કાર્ડ સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો હતો અને તેના અન્ય ત્રણ સાગ્રીતોની શોધખોળ હાથ ધરાઇ છે. આ ટોળકીએ શાપર-વેરાવળમાં ૮ વ્યકિતના બારોબાર રૂપિયા ઉપાડી લીધાનું ખુલ્યું છે.
મળતી વિગત મુજબ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક માણસો દ્વારા એટીએમ મશીનમાં જઇ વ્યકિતઓના એટીએમ કાર્ડ અન્ય કોઇ મશીન દ્વારા સ્વાઇપ કરી છેતરપીંડી થતી હોવાની રજૂઆત મળેલ હતી. જે રજુઆતની ગંભીરતા ધ્યાને લઇ આ શખ્સોને તાત્કાલીક પકડી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં શાપર-વેરાવળ વિસ્તારમાં સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી એક ઇસમને એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા આવતા માણસોનું એટીએમ કાર્ડમાં રહેલ ડેટા કોપી કરવાના મીની મશીન તથા મોબાઇલ તથા ડેબીટ કાર્ડ નંગ-૯ સાથે યુપીના અલ્હાબાદ માં રહેતો પવનકુમાર રામકિશોર પટેલને પકડી લીધો હતો.
પોલીસની પુછપરછમાં આરોપીઓ દ્વારા અગાઉથી જ ગુન્હાહીત કાવતરૂ રચી એટીએમ મશીનની આસપાસ નજર રાખી કોઇ એવો વ્યકિત નજરમાં આવે કે, જેને એટીએમ મશીનનો ઉપયોગ કરતા આવડતું ન હોય તેઓની સાથે બે જણા એટીએમ મશીન પાસે જઇ એક ઇસમ દ્વારા તે વ્યકિતને રૂપિયા કાઢતા શીખડાવે અને ટ્રાન્જેકશન પુર્ણ થવા દે અને પછી તે એટીએમ કાર્ડ બીજા ઇસમ દ્વારા તે એટીએમ કાર્ડ લઇ તેનો ડેટા મીની ડીએક્ષ પ મશીનમાં સ્વાઇપ કરી એટીએમનો ડેટા તેમાં કોપી કરી તેની પાસે રહેલ મોબાઇલ ફોનમાં એઇંઝી એમએઆર નામની એપ્લીકેશન દ્વારા ચેક કરી એક ઇસમ દ્વારા એટીએમ પાસવર્ડ જોઇ લેતા.
ત્યારબાદ ત્યાંથી નીકળી બીજા ઇસમો દ્વારા લેપટોપ તથા એમએસઆર મશીન હોય જેનાથી આ મીની ડીએક્ષ પ મશીન લેપટોપ સાથે કનેકટ કરી અને લેપટોપ સાથે એમએસઆર મશીન પણ કનેકટ કરી અને મીની એડીક્ષ-પ મશીનમાં રહેલ ડેટા એમએસઆર મશીન દ્વારા રીડ કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડમાં રાઇટ કરી તે ડુપ્લીકેટ કાર્ડ વડે અન્ય જગ્યાએ એટીએમ મશીનમાં જઇ તે કાર્ડ દ્વારા રૂપિયા ઉપાડવાની એમ. ઓ. ધરાવે છે.
પકડાયેલ પવનકુમાર પટેલે તેની સાથે ગેંગમાં ભોલા યાદવ, મહેન્દ્ર યાદવ તથા કનૈયા પટેલ સામેલ હોવાની કેફીયત આપતા ઉકત ચારેય શખ્સો સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો અને અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.