રાજકોટ : વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયા (Social Media)નો વ્યાપ ખૂબજ વધવા પામ્યો છે. જેના કારણે હાલ યુવા હૈયાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાની નજીક પણ આવી રહ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) શહેરમાં આજ બાબતને લઈ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના કામરેજ ખાતે રહેતા યુવાને રાજકોટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ (Attempted suicide) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
પોલીસ વિભાગમાં મળેલ માહિતી અનુસાર, સુરતના કામરેજમાં રહેતા નિખિલ ભરતભાઈ ટાકોદરા નામના યુવાને કેકેવી હોલ ચોક પાસે ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ત્યાં પહોંચીને આપઘાતનો પ્રયાસ કરનાર નિખિલ ટાકોદરા નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.
ત્યારે પોલીસ પૂછપરછમાં યુવાન પોતે એકાઉન્ટનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. યુવાને પોલીસને પોતાની આપવીતી જણાવતા જણાવ્યું હતું કે, પોતે ફેસબુકના મારફતે જેતપુરની પ્રાચી નામની યુવતી (નામ બદલાવેલ છે) સાથે પરિચયમાં આવ્યો હતો. પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના કારણે યુવક અને યુવતી સૌ પ્રથમ બંને કેશોદમાં સાથે રહેતા હતા. ત્યાર બાદ છેલ્લા કેટલાય સમયથી બંને સુરતના કામરેજ માં સાથે રહે છે.
છેલ્લા દોઢેક વર્ષથી લગ્ન કર્યા વગર બંને સાથે રહેતા હતા. ત્યારે યુવાનને રાજકોટ ખાતે રહેતા મામા નું કામ હોય તે પોતાની સાથે પ્રાચીને પણ રાજકોટ લાવ્યો હતો. પરંતુ રાજકોટ આવ્યા બાદ કામને લઈને રાજકોટ હજુ પણ રોકાવું પડે તેમ હોય આ બાબતો એ પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો હતો. તો બાદમાં પ્રેમિકાને બસમાં બેસાડી સુરત પરત મોકલી આપી હતી.
ત્યારે પ્રેમિકા સાથે થયેલા ઝઘડા બાબતે માઠું લાગી જતા તેણે આ પ્રકારનું પગલું ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.