રાજકોટ : છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવતા હોય છે, તેમાં કરોડો રૂપિયામાં ઉઠી જવાના બનાવ ગોંડલમાં તો છાશવારે બનતા હોય છે, ત્યારે ગોંડલમાં અવ્વલ દરજ્જાનું સ્થાન ધરાવતા તેલિયા રાજાઓને સાણંદનો મિસ્ટર નટવરલાલ કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રફુચક્કર થઈ જતાં તેલ લોબીમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હરિફાઈની દુનિયામાં ટકી રહેવા કેટલાક વેપારીઓ સાણંદ યાર્ડ નજીક દાયકા જુના તેલનો ડેપો ધરાવતા વેપારીને 45 દિવસ બાકી કન્ડિશનથી તેલના ડબ્બા દેવા લાગ્યા હતા. ઠગ વેપારી દ્વારા રોજિંદા બજાર ભાવ કરતા પણ 30થી 40 રૂપિયા ઉંચા ભાવ આપી બાકીમાં તેલની તોતિંગ ખરીદી કરાઈ હતી, અને કરોડો રૂપિયાનું બાકી તેલ મળી જતા નીચા ભાવે રોકડેથી વેચાણ કરી મોટી રકમ ભેગી કરી રફુચક્કર થઇ ગયો હતો.
ગોંડલના તેલિયા રાજાઓને પોતે છેતરાયા હોવાનું જણાતા એક વેપારીના પગ તળેની ધરતી (અવની) ખસી જવા પામી હતી, તો બીજા વેપારીએ "શિવ.. શિવ..ના જાપ શરૂ કર્યા હતા.
તો જોઈએ કેવી ટ્રીક અપનાવી ગઢીયાએ વેપારીઓને છેતર્યા
મિસ્ટર નટવરલાલ ગોંડલના વેપારીઓ પાસેથી 45 દિવસ બાકી શરતે રૂપિયા 2000 મુજબ તેલના ડબ્બા ખરીદ્યા હતા. ડબ્બા ભરેલી ગાડી સાણંદ તેના ડેપોમાં પહોંચતા રૂ. 1900માં રોકડેથી વેચી નાખી મોટી રકમ ઘર ભેગી કરી દીધી હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, મી. નટવરલાલ જીએસટી બીલિંગ કૌભાંડમાં પકડાયો હતો અને ત્યાં તેને દંડ પેટે કરોડો રૂપિયા ભરવાના થયા હતા.
કેટલાક વેપારીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે. સાણંદ, આણંદ અને સુરેન્દ્રનગર બાજુથી કેટલાક લોકો તેલના ડબ્બાના સ્ટીકર ખૂબ સસ્તા ભાવે વેચવા આવ્યા હતા અને મોટા ભાગના સ્ટીકર સાણંદ વિસ્તારમાં ચાલતા હોય તેવાજ હતા. મી. નટવરલાલ સ્ટીકર લગાવેલા ડબ્બાની જ માંગ કરતો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર