રાજકોટ : રાજ્યમાં અકસ્માતની ઘટનાનો રાફડો ફાટ્યો છે. રોજે રોજ અકસ્માતમાં લોકોના કમોતે મોત નિપજી રહ્યા છે. લોકડાઉન સમયે અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ છૂટછાટ બાદ ફરી રોજે રોજ રોડ અકસ્માતમાં અમૂલ્ય જિંદગી હોમાઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાંથી આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પત્નીની નજર સામે જ પતિનું કરૂણ મોત થતા, રોડ પર ગમગીન માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ શહેરની મધ્યમાંથી પસાર થતો જેતપુર રોડ ભારે વાહનોના આવન-જાવનના કારણે જોખમી બની ગયો છે ત્યારે ગોંડલ જેતપુર રોડ પર વૃદ્ધ મહિલા પર ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળતાં પતિની નજર સામે જ પત્નીનું કમાટી ભર્યું મોત નીપજયું હતું. આ ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, મૂળ ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની અને હાલ રાજકોટના મવડી વિસ્તારમાં પુત્રોની સાથે રહેતા મગનભાઈ ભાલાળા ઉંમર વર્ષ 72 અને તેમના પત્ની નર્મદાબેન છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોવિયા ગામે આવ્યા હોઈ, મંગળવારના કોઈ કામ સબબ ગોંડલ આવ્યા હતા, દરમિયાન જેતપુર રોડ ત્રણ ખૂણીયા પાસે હીરો હોન્ડા મોટર સાયકલ MH43AH2881 ઉપર પસાર થઇ રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની માફક દોડી આવતા ટ્રક GJ11Y 5849 ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં દંપતી રોડ ઉપર પટકાયું હતું અને ટ્રકના તોતિંગ વ્હીલ મહિલા ઉપર ફરી વળતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું અકસ્માત સર્જી ટ્રકચાલક માનવતા નેવે મૂકી નાસી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હોય શહેર પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક કલર કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જેતપુર રોડ ઉપર વ્યાપક પ્રમાણમાં દબાણ થયું હોય તેમજ આડેધડ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન હોય નાના અકસ્માતોની સંખ્યા અડધી સદીએ પહોંચવા પામી છે, ત્યારે મોટા અકસ્માતોમાં જેતપુર રોડ ઉપર 13 થી પણ વધુ માનવ જિંદગી હોમાઇ ચૂકી છે. આ રોડ ઉપર ટ્રાફિક પોલીસ સતત પેટ્રોલિંગ કરે તેવી માંગ ઉઠવા પામી છે.