રાજકોટ : રાજકોટ (Rajkot) શહેરમાં આજે એક હચમચાવી નાખતી ઘટના ઘટી છે. શહેરના જાણીતા સમાજ સેવિકા જલ્પા પટેલના (Jalpa Patel) પતિ કેતન પટેલે ફેસબૂક લાઇવ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. કેતન પટેલે (Ketan Patel) જલ્પા પટેલ-સાથી પર ગંભીર આરોપ લગાવતા આપઘાતનો પ્રયાસ (Suicide Attempt) કર્યો છે. જોકે, આ ઘટના બાદ કેતન પટેલની તબિયત નાજુક છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે તેના જવાબમાં જલ્પા પટેલે પણ એક ફેસબૂક (Facebook) લાઇવ વીડિયો (Live video) મૂક્યો છે અને ચોંધાર આંસુએ રડતાં રડતાં આ કેતન પટેલના આક્ષેપો ફગાવ્યા છે.
'મારી મોતના જવાબદાર જલ્પા પટેલ અને તેની સાથે રહેનાર છે'
કેતન પટેલે આત્મહત્યાનો પ્રયાસ કરતાં પહેલા મૂકેલા વીડિયોમાં આક્ષેપો કર્યો કે તેમનો ઉપયોગ સીડીની જેમ કરવામાં આવ્યો અને તેમના પત્નીએ તેમને આર્થિક, સામાજિક અને માનસિક રીતે ભાંગી નાખ્યા છે. પત્નીના પરપુરૂષ સાથે આડા સંબંધો હોવાના આક્ષેપો પણ કર્યા છે.
કેતન પટેલે એક સુસાઇડ નોટ લખી અને તેમાં પોતાનું મોત થયા તો તેના માટે પત્ની અને તેના સાથીને જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ તેની રોકડ અને સોનુ સહિતની ચીજો પત્ની પાસેથી લઈને પરત પરિવારને મળે તેવું લખ્યું છે. અહીં વીડિયોમાં આ યુવક કહે છે કે તેણે પત્ની જલ્પા સાથે નોટરી કરી અને બે ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા પરંતુ હાલમાં ચાર-પાંચ મહિનાથી સાથે રહેતા નથી.
જલ્પા પટેલે ફેસબૂક લાઇવ કરી આક્ષેપો ફગાવ્યા કહ્યું, 'હું રોજ મરી છું, બસ આત્મહત્યા નથી કરી શકતી કેમ કે મારી દીકરી સામે જોવું છું'
આના જવાબમાં જલ્પા પટેલે પણ ફેસબૂક લાઇવ કર્યુ હતું અને કેતન પટેલના આક્ષોપ ફગાવ્યા હતા. જલ્પા પટેલે આક્ષેપો ફગાવતા જણાવ્યું હતું કે 'મારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાચા નથી. ઉલટાનું આ સંબંધો સાચવવા એક પત્ની તરીકે, દીકરી તરીકે મા તરીકે જે કરવું પડે એ મે કર્યુ, હું મારી દીકરીને બાપ મળે એ માટે એક સહારો શોધતી હતી. મને પૈસાની જરૂર નહોતી. મારા પતિમાં તમામ બુરાઈઓ હતી દારૂ, જુગાર, વ્યભિચાર મારા પર તમામ પ્રકારના જુલમ કરવામાં આવતા હતા છતાં હું મુંગા મોઢે સહન કરતી ગઈ સમાજની બદનામીથી ડરીને મેં કોઈ એક શબ્દ ન કહ્યો. એકવાર ફિનાઇલ પી લેવાથી મરી જવાતું નથી હું રોજ મરી છું... મારી દીકરીની સામે જોઈને મેં આત્મ્હત્યા કરી નથી બસ એટલું જ છે..'
મે મહિનામાં જલ્પા પટેલે કેતન પટેલ સામે કેસ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે મે મહિનામાં જલ્પા પટેલે કેતન પટેલ પર કેસ કર્યો હતો અને મારામારીનો આક્ષેપ કર્યો હતો. અડધી રાત્રે તેમના પર હુમલો કરવાના આક્ષેપ સાથે આ કેસ કરવામાં આવ્યો હતો જ્યારે કેતન પટેલે આ ઘટનામાં પત્નીના આડા સંબંધો પકડી પાડ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. આમ આ નાટકીય ઘટનાના રાજકોટ શહેરમાં મોટા પડધા પડ્યા છે