રાજકોટ દલિત હત્યા કેસ: NHRCએ ગુજરાત સરકારને ફટકારી નોટિસ

News18 Gujarati
Updated: May 22, 2018, 12:29 PM IST
રાજકોટ દલિત હત્યા કેસ: NHRCએ ગુજરાત સરકારને ફટકારી નોટિસ
(વાયરલ થઈ રહેલા વીડિયોમાંથી લેવામાં આવેલો સ્ક્રિનશોટ)

  • Share this:
રાજકોટ પાસે શાપર-વેરાવળમાં આવેલી ફેક્ટરીમાં દલિત યુવાનની માર મારીને કરવામાં આવેલી હત્યાના કેસમાં રાષ્ટ્રિય માનવ અધિકાર પંચે સુઓ-મોટો નોંધ લીધી છે અને આ અંગે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ ઘટના 19 મે (શનિવારે સાંજે) બની હતી.

શાપરમાં એક દલિત યુવકને ચોરીના શંકાએ ઢોર માર મારવામાં આવ્યો હતો. બેરહેમીથી મારવામાં આવેલા મારને કારણે દલિત યુવાનનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત થઇ ગયું હતુ. રાજકોટ ગ્રામ્ય પોલીસે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પુછપરછ ચાલુ કરી છે. દલિત યુવકને ઢોર માર મારવાથી હત્યાના કેસમાં પોલીસે પાંચમાંથી ચાર આરોપી સામે 302ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં એટ્રોસીટી એક્ટ પ્રમાણે સરકાર મૃતકના પરિવારજનોને 8.25 લાખની સહાયની જાહેરાત કરી છે. જેમાંથી અડધી રકમ તાત્કાલિક ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ફેક્ટરીના માલિકોએ હુમલો કરતા યુવકનું મોત થયું છે. ચાર લોકોની 302 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં સામેલ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

માનવ અધિકાર પંચે મિડિયામાં આવેલા દલિત યુવકની હત્યાના અહેવાલોના આધારે સુઓ-મોટો નોંધ લીધી છે અને ગુજરાતનાં મુખ્ય સચિવ પાસે અહેવાલ માંગ્યો છે. પંચે નોંધ્યું છે કે, જે પ્રકારે વર્તમાન પત્રોમાં અહેવાલો પ્રગટ થયા છે તે સાચા માનવામાં આવે તો, તે માનવ અધિકારોનું હનન છે.

આ ઘટના વિશે ઇન્ચાર્જ એસ.પી. શ્રૃતિ મહેતા(રાજકોટ ગ્રામ્ય)એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શાપર ખાતે રાદડિયા ઇન્ડસ્ટ્રિઝના લોકોએ ચોરીની શંકાના આધારે એક વ્યક્તિને માર માર્યો હતો, જેમાં તેનું મોત થયું હતુ. આ ગુનામાં રવિવારે સાંજે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક યુવક આ વિસ્તારમાં કચરો, પ્લાસ્ટિક અને ભંગાણ વીણવાનું કામ કરતો હતા. આ પહેલા પણ ચોરીની શંકામાં તેને પકડવામાં આવ્યો હતો. પરંતુ એ વખતે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજ કબજે કરીને યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓએ દલિત યુવકની પત્નીને પણ માર માર્યો હોવાના પુરાવા મળ્યાં છે.રાદડિયા ઇન્ડસ્ટ્રિઝના માણસોએ માર મારીને દલિત યુવકને તેના પરિવારજોને સોંપી દીધો હતો. બાદમાં સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર રમિયાન રવિવારે તેનું મોત થયું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

વડગામ વિધાનસભા બેઠકનાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મુદ્દે કહ્યું હતુ કે, ગુજરાતમાં દલિતો સલામત નથી અને આ જ ખરુ ગુજરાત મોડેલ છે એમ કહી સરકારની ટીકા કરી હતી.
First published: May 22, 2018, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading