પોલીસ માટે પણ આગજનીની ઘટના અકસ્માતે બની હતી કે, પછી બનાવ આપઘાતનો હતો તે કોયડો બની ચૂક્યો હતો. યોગીરાજ સિંહ અવારનવાર રૂપિયા લઇ આવવા માટે પણ મારી દીકરીને દબાણ કરતા હતા
રાજકોટ : શહેરના રેલનગર વિસ્તારમાં પાંચ દિવસ પૂર્વે આગજનીની ઘટના સામે આવી હતી. આગજનીની ઘટનામાં ઘટના સ્થળ પર પરિણીતાનું દાઝી જવાના કારણે મૃત્યુ થયું હતું જ્યારે કે પતિ, પુત્ર અને પુત્રીને દાઝી જવાના કારણે સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે પોલીસ માટે પણ આગજનીની ઘટના અકસ્માતે બની હતી કે, પછી બનાવ આપઘાતનો હતો તે કોયડો બની ચૂક્યો હતો. ત્યારે મૃતક પરિણીતાના પિતાની પોલીસ ફરિયાદ પરથી પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા મૃતક વર્ષાબા ના પતિ યોગીરાજ સિંહ સરવૈયા વિરુદ્ધ આઈપીસીની કલમ 306, 498(ક), 323 તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રદ્યુમન નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, હાલ વર્ષાબા ના પતિ યોગીરાજસિંહ સરવૈયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવતા તેમની વિધિવત ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે, તેમજ તેમની વધુ પુછપરછ પણ હાથ ધરવામાં આવશે.
ગત 13 મેના રોજ રાત્રીના આઠેક વાગ્યા આસપાસ રેલનગર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી આવાસ યોજના ના ડી વિંગના છઠ્ઠા માળે યોગીરાજ સિંહ સરવૈયાના ઘરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આગ જની ઘટનાની જાણ થતા તાત્કાલીક અસરથી ફાયરબ્રિગેડ, 108 તેમજ પ્રદ્યુમન નગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને વર્ષાબેન નામની પરણીતા ની લાશ મળી આવી હતી. જે લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે કે વર્ષાબેન ના પતિ પુત્ર અને પુત્રીને દાઝી જવાના કારણે ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રદ્યુમન નગર પોલીસ ને વર્ષાબેન ના પિતા વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સાસરિયામાં તેમની દીકરીને ખૂબ જ દુઃખ મળતું હતું. તેમની દિકરીનો લગ્નજીવન આશરે એક દોઢ વરસ સારી રીતે ચાલ્યું હતું. બાદમાં તેના પતિ અવારનવાર દારૂ પી તેની સાથે મારકૂટ કરતા હતા તેને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. યોગીરાજ સિંહ અવારનવાર રૂપિયા લઇ આવવા માટે પણ મારી દીકરીને દબાણ કરતા હતા. તેમજ મારી દીકરીને મેણાં ટોણાં મારી કહેતા હતા કે તારા બાપે પૂરતો કરિયાવર આપ્યો નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર