રાજકોટમાં તમામ વોર્ડ ઑફિસે 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'નું દાન સ્વીકારાશે

News18 Gujarati
Updated: September 30, 2019, 2:41 PM IST
રાજકોટમાં તમામ વોર્ડ ઑફિસે 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'નું દાન સ્વીકારાશે
પ્રતિકાત્મક તસવીર

જો તમારા ઘરે પ્લાસ્ટિક પડ્યું છે તો રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસે જઇને જમા કરાવી આવો.

  • Share this:
રાજકોટ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલી ‘સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશથી રાજકોટ શહેરને મુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1 અને 2 ઑક્ટોબરના દિવસે "શ્રમ દાન દિવસ" તરીકે મનાવાશે. આ બંને દિવસો દરમ્યાન શહેરના તમામ 18 વોર્ડની વોર્ડ ઑફિસ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું દાન સ્વીકારવામાં આવશે.

આ ઝુંબેશ અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ, વોર્ડ ઑફિસરો, વોર્ડ એન્જિનિયરો, એસ.આઈ., વગેરેની એક બેઠક મળી હતી. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નાયબ કમિશનરો- ચેતન ગણાત્રા અને ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર એન.આર. પરમાર ઉપસ્થિત રહયા હતાં.

કમિશનરે એમ કહ્યું હતું કે, પર્યાવરણ માટે નુકસાનકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરવાનું લોકો સ્વેચ્છાએ ટાળે એ પ્રકારે તેઓને પ્રશિક્ષિત કરવા ખુબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ વિષયમાં પુરતી સમજણ આપી તેઓની ટેવ બદલે તે માટે જનજાગૃતિના સતત પ્રયાસ થતા રહે તે આવશ્યક છે.

આ પ્રયાસોના એક ભાગરૂપે જ તારીખ 1 અને 2 ઑક્ટોબરના દિવસોને "શ્રમ દાન દિવસ" તરીકે મનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જનજાગૃતિ કેળવવા માટેની આ ઝુંબેશમાં પદાધિકારીશ્રીઓ, જે તે વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, અગ્રગણ્ય નાગરિકો, શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ વગેરે સામેલ થશે. નાગરિકો આ બંને દિવસો દરમ્યાન સંબંધિત વોર્ડ ઑફિસે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું દાન કરી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રીકરણની આ ઝુંબેશ દરમ્યાન તમામ વોર્ડ વચ્ચે એક આંતરિક સ્પર્ધા પણ રહેશે; જે વોર્ડ દ્વારા વધુ ને વધુ નાગરિકો પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું દાન સ્વીકારવામાં આવ્યું હશે અને તેના માધ્યમથી પ્લાસ્ટિકના વપરાશથી દુર રહેવા માહિતગાર કરવામાં આવ્યા હશે તે વોર્ડની જાહેરાત કરવામાં આવશે.

 
First published: September 30, 2019
વધુ વાંચો
अगली ख़बर