રાજકોટઃ ક્રાઇમ બ્રાન્ચ (Rajkot crime branch) દ્વારા 23 નવેમ્બરથી લઇ 03 ડિસેમ્બર સુધી એટલે કે માત્ર 10 દિવસના ગાળામાં 4 પિસ્તોલ, 1 રીવોલ્વર, 1 તમંચો, 1 પિસ્તોલનું મેગ્જીન તથા અલગ-અલગ પ્રકારના કુલ 17 કારતૂસ કબજે કર્યા હતા. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈરફાન કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપીએ પોતાના પાસે રહેલ ગેર કાયદેસર હથિયાર છેલ્લા ઘણા વર્ષથી રાખતો હોવાનું જણાવ્યું છે.
31મી ડિસેમ્બર નજીક આવતા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓને શહેરભરમાં હથિયારો ઝડપી પાડવા આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત છેલ્લા દોઢ મહિનાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવામાં આવી રહ્યા છે.
ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈરફાન કુરેશી નામના વ્યક્તિને ગેરકાયદેસર બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં પીએસઆઇ એમ.વી.રબારીએ જણાવ્યું હતું કે, અમારી ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતાપ સિંહ ઝાલા, પુષ્પરાજ સિંહ જાડેજા તેમજ એભલભાઇ બરાલિયાને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ ગોંડલ રોડ પર માલધારી રેલવે ફાટક પાસે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઈરફાન કુરેશી ગેરકાયદે હથિયાર સાથે ફરી રહ્યો છે.
આ પણ વાંચોઃ-
ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઈરફાન કુરેશીની અંગજડતી કરતા તેની પાસેથી ગેર કાયદેસર બનાવટની પિસ્તોલ મળી આવી હતી. ત્યારે ઘટનાસ્થળે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ત્યારે ભૂતકાળમાં આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ગુના, ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક ગુનો જ્યારે કે આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભૂતકાળમાં આરોપી પાંચેક વર્ષ પૂર્વે હત્યાની કોશિશના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું સામે આવ્યું છે.
ત્યારે આરોપીને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવતાં આરોપીની વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે કે આખરે તેની પાસે રહેલ ગેરકાયદેસર હથિયાર તેને કોની પાસેથી મેળવ્યું હતું. પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ તેને કોઈ અન્ય ગુનામાં કર્યો છે કે કેમ તે સહિતની બાબતો અંગે પુછપરછ હાથ ધરવામાં આવશે.