રાજકોટ રાજવંશના સત્તરમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહ 'Complete Family Man' તરીકે કેમ ઓળખાય છે?


Updated: January 21, 2020, 8:59 AM IST
રાજકોટ રાજવંશના સત્તરમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહ 'Complete Family Man' તરીકે કેમ ઓળખાય છે?
રાજકોટના 17માં ઠાકોર સાહેબની રાજતિલક અને રાજ્યાભિષેક વિધિ 30 જાન્યુઆરીએ યોજાશે

રાજકોટના 17માં ઠાકોર સાહેબની રાજતિલક અને રાજ્યાભિષેક વિધિ 30 જાન્યુઆરીએ યોજાશે

  • Share this:
રાજકોટ : રાજકોટ (Rajkot)નાં 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ (Mandhatasinji Manoharsinhji Jadeja)ને મયુરરાજા તરીકે ઓળખવામાં આવે છે. 30 જાન્યુઆરીના રોજ 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહની રાજતિલક (Rajtilak) અને રાજ્યાભિષેક વિધિ થવા જઈ રહી છે. ઠાકોર સાહેબ માંધાતાસિંહનો જન્મ 14 જૂન 1964 ના દિવસે ઠાકોર સાહેબ શ્રીમનોહરસિંહજી જાડેજા અને રાણી સાહેબ માનકુમારીદેવીને ત્યાં થયો. સ્વાભાવિક રીતે રાજપરિવારની રીતભાત અને લાડકોડમાં ઉછેર થયો. તેમનું જીવન તદ્દન સરળ રહ્યું. રાજ પરિવારની ચાલી આવતી પરંપરા અનુસાર તેમનું શિક્ષણ રાજકુમાર કોલેજ રાજકોટમાં થયું અને પછી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી નડિયાદની ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી મેળવી.

એમને 'કમ્પ્લીટ ફેમિલી મેન' તરીકે લોકોએ તેમને જોયા અને અનુભવ્યા છે. રાજકોટ રાજપરિવારના પોતાના પૂર્વજોએ જે મૂલ્યો સ્થાપ્યા એની સંપૂર્ણ જાળવણી કરવાના તેમના સંનિષ્ઠ અને સફળ પ્રયાસ રહ્યા છે. પિતાજીના જાહેરજીવન દરમિયાન પરિવારની જવાબદારીની વાત હોય કે પછી ચૂંટણી સમયે પિતાજીના કામમાં સહયોગ આપવાની વાત હોય તેઓ સદા સક્રિય રહ્યા. સૌમ્ય વ્યવહાર, સૌને માન આપવાની તેમની જીવનશૈલી અને દરેક માટે સન્માનની ભાવના એમના વ્યક્તિત્વના ઉમદા પાસા છે.


રાજકોટના સત્તરમાં ઠાકોરસાહેબ સામાજિક કાર્યોમાં ઘણા વર્ષોથી સક્રિય છે. કુળના સંસ્કાર પરિવારની પરંપરા ઠાકોરસાહેબે બરાબર જાળવ્યા છે. રાજકોટ રાજવંશની લોકાભિમુખ રહેવાની પ્રણાલી અને પ્રજાના સુખે સુખી, દુ:ખે દુઃખી રહેવાની જીવનશૈલી માંધાતાસિંહ જાડેજાના જીવનમાં જોઈ શકાય છે.

જ્યારે જ્યારે રાજપરિવારમાં કોઇ પ્રસંગ હોય અને ઘણા બધા નિમંત્રીતો આવવાના હોય અત્યારે પણ પહેલી પંગત સાધુ-સંતોની પડે છે. પછી ગરીબ કે અનાથ બાળકોને ભોજન કરાવવામાં આવે છે અને ત્યારબાદ અન્ય પ્રસંગો શરૂ થાય છે. સંતોને પણ માંધાતાસિંહ અને તેમના પત્ની મહારાણી સાહેબ કાદમ્બરી દેવી પોત ભાવથી ભોજન પીરસે, આ સંસ્કાર એમણે જાળવી રાખ્યા છે.
તેઓએ રમત-ગમતનો પોતાના પરિવારનો વારસો પણ જાળવ્યો છે. શાળાકીય જીવનમાં રાજકુમાર કોલેજમાં લોન ટેનિસ અને ટેબલ ટેનિસમાં દિગ્વિજયસિંહ કપના વિજેતા બન્યા હતા. જ્યારે ગુજરાત યુનિવર્સિટીના સાઉથ ઝોનના ખેલાડી તરીકે આજ રમતોમાં 1984-85 અને 1985-86માં પ્રથમ વિજેતા થયા હતા.

સત્તરમાં ઠાકોર સાહેબ વર્ષ 2009થી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે. પ્રદેશ કારોબારીના સદસ્ય તરીકેની જવાબદારી પણ પક્ષમાં નિભાવવા ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમના ડાયરેક્ટરનું પદ પણ એમણે શોભાવ્યું છે. ચૂંટણી સમયે પક્ષના પ્રચારમાં સક્રિયપણે ભાગ ભજવતા માંધાતાસિંહ સામાન્ય દિવસોમાં પણ પક્ષના તમામ કાર્યક્રમોમાં સોંપવામાં આવતી જવાબદારી નિભાવે છે.


કૃષિ અને રીઅલ એસ્ટેટ અત્યારે તેમના વ્યવસાય છે. તેમણે ગુજરાતમાં પ્રાચીન વારસાની જાળવણી ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યા છે. ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ શિક્ષણનો ફેલાવો થાય એવી પ્રવૃત્તિમાં એમને સદાય રસ રહ્યો છે. જૂના સ્થાપત્યની જાળવણી રસનો વિષય છે. તો સાથે જ ગીર ગાયોના સંવર્ધન માટે પણ સક્રિય છે. રાજપરિવારની પોતાની પણ ગૌશાળા છે. યોગના પ્રચાર માટે ક્ષત્રિય લાઈફ મિશન સાથે પણ માંધાતાસિંહ સંકળાયેલા છે. તેમણે રાજકોટ જિલ્લામાં વૃક્ષારોપણ તથા રોપા વિતરણ વગેરે વનીકરણની પ્રવૃત્તિઓના આધારે ગ્રીન એમ્બેસેડર તરીકે પણ પસંદ કરાયા હતા. વૃક્ષો કાપ્યા વગર અંડરગ્રાઉન્ડ કેબલીંગ કરવા માટે વિવિધ વહીવટી તંત્ર સાથેના સંકલન અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને વૃક્ષારોપણ માટે પ્રેરવામાં એમનું યોગદાન રહ્યું છે.

આ પણ વાંચો, રાજકોટના 17મા ઠાકોર સાહેબનો રાજ્યાભિષેક : આવી ભવ્ય હશે રાજતિલક વિધિ
First published: January 21, 2020
વધુ વાંચો
अगली ख़बर