રાજકોટ: અમદાવાદ-વડોદરા સુરત ભાવનગર બાદ રાજકોટ મનપાના મેયર (Rajkot municipal corporation Mayor) સહિતના પદાધિકારીઓને જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મનપામાં શાસક પક્ષના કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંકલન સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં મેયર તરીકે પ્રદીપ ડવ (Pradip Dav), ડેપ્યુટી મેયર તરીકે દર્શિતા શાહ (Darshita Shah), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલ (Pushkar Patel), શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ધવા (Vinubhai Dhava), દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળા (Surendrasinh Vala)ની નિમણૂક કરવામાં આવી છે.
સવારના 10 વાગ્યે શાસક પક્ષના નેતાના કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વર્તમાન ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, નીતિનભાઈ ભારદ્વાજ, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
સંકલન સમિતિની બેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ પ્રદેશમાંથી આવેલા નામોની જાહેરાત કરી હતી. ગત ટર્મમાં પણ પુષ્કર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહ્યા હતા તો દર્શિતા બેન શાહ ડેપ્યુટી મેયર તરીકે રહ્યા હતા. ત્યારે પદાધિકારીઓમાં નવા ચહેરા તરીકે મેયર પદ માટે પ્રદીપ ડવનું નામ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મનપાની 72 બેઠકો પૈકી 68 પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. માત્ર વોર્ડ નંબર 15માં કૉંગ્રેસની પેનલ વિજય બનતા કૉંગ્રેસના ચાર ઉમેદવારો વિજયી બન્યા છે. ત્યારે સંકલન સમિતિની બેઠક પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકા ખાતે નવી ચૂંટાયેલી બોડીનું પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું. ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના 38 ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા તેની સામે કોંગ્રેસના 34 ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા.