રાજકોટમાં વજુભાઈ વાળાના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

News18 Gujarati
Updated: May 18, 2018, 10:58 AM IST
રાજકોટમાં વજુભાઈ વાળાના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

  • Share this:
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય 'નાટક' વચ્ચે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના રાજકોટ ખાતે આવેલા ઘર બહાર ચુસ્ત પોલસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોંગ્રેસ આજે આખા દેશમાં 'લોકતંત્ર બચાવો'ના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ પણ વિરોધ પ્રદર્શન કરશે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વજુભાઈના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉચ્ચ અધિકારીઓ વજુભાઈના ઘરે પહોંચ્યા

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે વજુભાઈના રાજકોટ ખાતેના ઘર ખાતે પણ દેખાવો કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ શુક્રવારે વહેલી સવારથી જ તેમના ઘરની બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. વજુભાઈનું ઘર આવેલું છે તે શેરીની બંને બાજુએ પોલીસે બેરિકેટિંગ કરી દીધું છે. અહીં આવતા જતા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં તેમના ઘરની અંદર પણ પોલીસના જવાનોને બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકરો ઘર કે તેમના પરિવારના સભ્યોને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ તેમના ઘરે પહોંચી ગયા છે.

પોલીસ તેમના ઘરની શેરીની બંને તરફ બેરિકેટિંગ કરી દીધું છે.


વજુભાઈએ બીજેપીને સરકાર રચવા આપ્યું હતું આમંત્રણ

ગુજરાતના પૂર્વ નાણામંત્રી તેમજ બીજેપી આગેવાને એવા વજુભાઈવાળાએ કર્ણાટકની ચૂંટણીમાં કોઈને પણ સ્પષ્ટ બહુમત ન મળતા સૌથી વધારે બેઠક મેળવનાર ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. બાદમાં 17મી મેના રોજ ભાજપના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ગવર્નર તરફથી યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. વજુભાઈના આવા પગલાંનો કોંગ્રેસ અને જેડી-એસએ વિરોધ નોંધાવ્યો છે.
રાજકોટ ખાતે આવેલું વજુભાઈનું ઘર


કોણ છે વજુભાઈ વાળા?

વજુભાઈ વાળા ગુજરાતના પૂર્વ બીજેપી લીડર છે. 2002માં તેમણે નરેન્દ્ર મોદી માટે પોતાની રાજકોટની બેઠક છોડી હતી. બાદમાં તેમણે મોદી કેબિનેટમાં નાણા મંત્રી તરીકે કામ કર્યું હતું.

ગુજરાતમાં રાજકોટ પશ્ચિમ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. પરંતુ 1984માં બીજેપીએ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી બીજેપી આ બેઠક પરથી ક્યારેય નથી હારી. કોંગ્રેસે 1980માં છેલ્લા આ બેઠક પરથી જીત મેળવી હતી. એ વખતે બીજેપીના ઉમેદવાર વજુભાઈ વાળા થોડા જ મતોથી હાર્યા હતા.

આ બેઠક પરથી 1984માં વજુભાઈએ કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ ચુડાસમાને હાર આપી હતી. તેઓ વર્ષ 2002 સુધી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી બીજેપીના ધારાસભ્ય રહ્યા હતા. 2002માં તેમણે સીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે આ બેઠક ખાલી કરી આપી હતી. અહીં પેટા ચૂંટણીમાં મોદીને 45 હજાર વોટથી જીત મળી હતી. તેની સામે ઉભા રહેલા કોંગ્રેસના અશ્વિન મહેતાને 30,570 મત મળ્યા હતા.

બાદમાં 2002માં થયેલી ચૂંટણીમાં મોદી અમદાવાદની મણિનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ સમયે વજુભાઈ ફરીથી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેઓ 2002, 2007 અને 2012માં ચૂંટણી જીત્યા હતા. તેમણે નરેન્દ્ર મોદી સરકારમાં નાણા મંત્રી તરીકેનું કામ કર્યું હતું.

વર્ષ 2014માં જ્યારે કેન્દ્રમાં બીજેપીની સરકાર આવી તો તેમણે વજુભાઈને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા. 2014ની પેટા ચૂંટણીમાં આ બેઠક પરથી વિજય રૂપાણીએ જંગી મતોથી જીત મેળવી હતી. 2016માં જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. 2017માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રૂપાણી બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
First published: May 18, 2018
વધુ વાંચો
अगली ख़बर