રાજકોટ : લૉકડાઉન (Lockdown)ની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ લૉકડાઉનની પરિસ્થિતિના કારણે જગતનો તાત હેરાન-પરેશાન થઈ રહ્યો છે. ખેડૂત (Farmers)ના ખેતરમાં માલ તૈયાર થઈ ગયો છે પરંતુ ઇચ્છા છતાં તે પોતાનો માલ વેચી શકતો નથી. આવી મુશ્કેલી વચ્ચે હવે આજથી રાજકોટ જિલ્લાના માર્કેટ યાર્ડ (Marketing Yards)માં ઓનલાઇન રજિસ્ટ્રેશન (Online Registration)ની શરૂઆત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના જુદાજુદા માર્કેટ યાર્ડમાં આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે માટે યાર્ડ દ્વારા જુદા જુદા નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટેના રજિસ્ટ્રેશન યાર્ડમાં કરાવવા માટે ફોન ધણધણાવયા હતા.
બીજી તરફ ભારતીય જિલ્લા કિસાન સંઘ રાજકોટ દ્વારા ધીરાણની ફેર બદલી સરકાર દ્વારા કરી આપવામાં આવે તેવી માંગ કરી છે. જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને જૂનું ધીરાણ જમા કરાવવા માટે બે મહિનાની છૂટ આપવામાં આવી છે પરંતુ નવું ધીરાણ તેમને તો જ મળી શકે તેમ છે જો તેઓ જૂનું ધીરાણ જમાં કરાવે. સરકાર બેઠે બેઠું ખેડૂતોને રોલઓવર કરી દે તે વધારે યોગ્ય છે.
આ નંબર પર ફોન કરીને માલની નોંધણી કરી શકાશે :
બેડી યાર્ડ (રાજકોટ) : 6356066031, 6353398635
ગોંડલ યાર્ડ :7359280567, 9779500872
જસદણ યાર્ડ : 9586683983
જેતપુર યાર્ડ : 9638596111
ઉપલેટા યાર્ડ : 9033316910
ધોરાજી : 9925024370
આ પણ વાંચો : ગુજરાતના વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ : Covid 19ની આખી જીનમ સીક્વન્સ શોધી કાઢી
બીજી તરફ ખેડૂતો પણ કહી રહ્યા છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં ક્રમશઃ ખેડૂતનો વારો આવતા મહીનાઓ લાગી જશે અને ત્યાં ચોમાસાની વાવણી માટે ખેડાણની પ્રક્રિયાનો સમય પણ વીતી જશે. જેનાથી ચોમાસાની વાવણી મોડી કરવી પડશે. કારણ કે હાલ જે પાક ખેતરમાં તૈયાર થઈ ગયો છે તે પાક જ્યાં સુધી નહીં વેચાય ત્યાં સુધી અમે બિયારણ કે ખાતરની ખરીદી નહીં કરી શકીએ.
રાજકોટ સહિત જુદા જુદા માર્કેટ યાર્ડમાં આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ છે. ત્યારે આ પ્રક્રિયા આગામી 21મી એપ્રિલ સુધી શરૂ રહેવાની છે. 22મી એપ્રિલ બાદ જ રાજકોટ સહિત જુદા જુદા માર્કેટ યાર્ડ ખેડૂતો માટે ખુલશે.