રાજકોટઃ રાજકોટ (Rajkot news) સહિત સમગ્ર વિશ્વભરમાં હાલ વેલેન્ટાઇન વીક (Valentine's Week) અંતર્ગત જુદા જુદા ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ચોકલેટ ડે (chocolate day) અંતર્ગત યુવકે પરિણીતાને કહ્યું હતું કે, આજે ચોકલેટ ડે છે તારે મારી ફ્રેન્ડશિપ પ્રપોઝલની (Friendship proposal) સ્વીકારવી જ પડશે. જો તું મારી પ્રપોઝલ નહીં સ્વીકારે તો તને જાનથી મારી નાખીશ તેમ કહી પરિણીતાને જાહેરમાં આલિંગન આપ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા આઈપીસીની કલમ 354 તેમજ 506 (2) મુજબ ગુનો નોંધી આરોપી રવિ બીજલભાઇ લાલવાણી ને કાયદાનું ભાન કરાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીગ્રામ પોલીસે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી 32 વર્ષીય પરિણીતાની ફરિયાદ પરથી બજરંગવાડી વિસ્તારમાં રહેતા તેમજ ઢોસાના ખીરાનો ધંધો કરતા રવિ લાલવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. મહિલાએ ગાંધીગ્રામ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે, તે છેલ્લા સાત માસથી સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી રહી છે. મારે મારા પતિ સાથે બનતું ન હોવાના કારણે હું છેલ્લા નવ વર્ષથી અલગ રહી મારા પુત્ર સાથે જીવન વિતાવું છું.
સાત મહિના અગાઉ એક બેનપણીના સગા એવા રવિ લાલવાણી સાથે મારી બહેનપણીના ઘરે પરિચય થયો હતો. ત્યારબાદ રવિ અવારનવાર મને ફોન કરતો હતો. જે બાબતે મેં મારી બહેનપણી ને વાત કરતા તેણે રવિ ને ઠપકો પણ આપ્યો હતો. ત્યારબાદ મેં મારી બહેનપણી સાથે પણ સંબંધ તોડી નાખ્યો હતો.
તેમ છતાં રવિ હું જે જગ્યાએ જાઉં ત્યાં મારી પાછળ આવી મને હેરાન કરતો હતો. મેં તેને સ્પષ્ટ કહી દીધું હતું કે મને આવી કોઈ પણ બાબતમાં રસ નથી મને હવે ફોન ન કરવો. તેમ છતાં તે ફ્રેન્ડશીપ રાખવાનું કહી સતત ફોન કરી મને હેરાન પરેશાન કરતો હતો.
ત્યારે બુધવારના રોજ ચોકલેટ ડે હતો. રવિ સાંજના સાત વાગ્યા આસપાસ હું પૂનમ કોમ્પ્લેક્ષ પાસે પહોંચી હતી ત્યાં મને તેણે અટકાવી હતી. મારે તારી સાથે કોઈ સંબંધ નથી છતાં તું મને શું કામ ફોન કરે છે શા માટે ઉભી રાખે છે તેમ મેં તેને કહ્યું હતું.
ત્યારે રવિ એ મને કહ્યું હતું કે મારે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી જ છે આજે ચોકલેટ ડે છે તારે મારી ફ્રેન્ડશિપની પ્રપોઝલ સ્વીકારવી પડશે જો તું મારી પ્રપોઝલ નહીં સ્વીકારે તો હું તને જાનથી મારી નાખીશ. ત્યારબાદ તેને બળજબરીપૂર્વક જાહેરમાં મને આલિંગન આપ્યું હતું. જાહેરમાં ચેનચાળા કરવા માંગતા અને તેને દૂર હડસેલી દીધો હતો અને કહ્યું હતું કે આજ પછી મારી સામે જોતો પણ નહીં.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર