રાજકોટ: રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ (Rajkot civil hospital) ફરી એક વખત વિવાદમાં આવી છે. અહીં ઑક્સિજન લેવલ (Oxygen level) ઓછું થતા મહિલાને સિવિલ હોસ્પિટલ માં દાખલ કરી હતી. દાખલ થયેલી વૃદ્ધા પર વોર્ડબોય (Ward boy) હિતેષ વિનુભાઈ ઝાલાએ દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ મથક (Pradyuman Nagar police station)માં દાખલ થવા પામી છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે વોર્ડબોય હિતેષ વિનુભાઈ ઝાલાને સકંજામાં લેવામાં આવ્યો છે.
હિતેશ ઝાલાએ ભોગ બનનારને ધમકી આપી હતી કે, તે જો કોઈને આ વાત કરશે તો તેને ઇન્જેક્શન આપીને ખતમ કરી દેશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભોગ બનનાર બૂમો ન પાડે તે માટે ઓક્સિજનના માસ્કથી તેમને મોઢે ડૂમો આપી દેવામાં આવ્યો હતો. સાથે જ નરાધમે વોર્ડની તમામ લાઈટો બંધ કરી આ કૃત્ય આચર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે વૃદ્ધાનું ઓક્સિજન લેવલ ઓછું હોવાના કારણે તેમને કોવિડ સેન્ટરના ચોથા માળે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. વૃદ્ધા જે વોર્ડમાં દાખલ હતા તે વોર્ડમાં આરોપી એટેન્ડન્ટ ફરજ ઉપર હાજર હતો. તે વૃદ્ધા પાસે આપ્યો હતો અને કહ્યું હતું કે, લાવો હું તમારું માથું દબાવી દઉં. ધીમે ધીમે એટેન્ડન્ટે વૃદ્ધા સાથે શારીરિક અડપલાં શરુ કર્યા હતા.
દાખલ થયેલી વૃદ્ધા પ્રતિકાર કરવા સક્ષમ ન હોવાથી તેઓ પ્રતિકાર કરી શક્યા ન હતા. બાદમાં તેઓએ પોતાના પરિવારજનો સાથે વાતચીતમાં પોતાની સાથે થયેલા ઘટના અંગે જણાવ્યું હતું. જે બાબતની ઓડિયો ક્લિપ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપમાં વૃદ્ધા તેમના પરિવારના લોકોને ઝડપથી આવવાનું કહી રહ્યા છે.
મીડિયા સાથેની વાતચીતમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, વૃદ્ધા દ્વારા કરવામાં આવેલા આક્ષેપની પ્રાથમિક તપાસ બાદ ફરજ ઉપર હાજર વોર્ડબોય હિતેષ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. શુક્રવારના રોજ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા વૃદ્ધા જે વોર્ડમાં દાખલ હતા તે વોર્ડના અન્ય કર્મચારીઓ તેમજ અન્ય દાખલ દર્દીઓનાં નિવેદન અને તેમની પૂછપરછ પણ કરવામાં આવશે.