રાજકોટ : 21 દિવસ સુધી સંપૂર્ણ ભારત લોકડાઉનની સ્થિતિમાં છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ સમૂહમાં એકઠા નહીં થઈ તેમજ બિનજરૂરી ઘર બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે. લોકડાઉનના સમયે ઘણા લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળે છે તેને પોલીસ અટકાવી રહી છે, તો સાથે જ હવે રાજકોટ પોલીસે લોકો પર નજર રાખવા ડ્રોનની મદદ લીધી છે.
કાનપુર ખાતે તૈયાર થયેલી અતિઆધુનિક ડ્રોન દ્વારા રાજકોટ પોલીસ રસ્તાઓનું વીડિયો અને ફોટો લેશે. રસ્તા પર અવર જવર કરતા વાહનો પર નજર રાખશે અને આ ડ્રોન દ્વારા દૂરથી જ વાહનના નંબર પણ સ્પષ્ટ મેળવી વાહન નંબર આધારે પોલીસ જે તે વ્યક્તિને શા માટે ઘર બહાર નીકળ્યો તેની વિગત મેળવશે.
આ ઉપરાંત રાજકોટ પોલીસ હવે શેરી મહોલ્લામાં પણ ડ્રોન દ્વારા લોકો પર નજર રાખશે. જે રીતે સોસાયટી કે અંતરિયાળ વિસ્તારમાં લોકો ટોળામાં બેઠા હોય છે ત્યારે તેને ડ્રોન દ્વારા ફોટો પાડી આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં બાળકો અથવા યુવાનો ક્રિકેટ કે અન્ય કોઈ રમત રમતા હશે તો તે પણ ડ્રોનની મદદથી પોલીસ સુધી જાણકારી પહોંચી જશે અને ડ્રોનના વીડિયો અને ફોટો પરથી આવા લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ પોલીસ ડ્રોન ઉપરાંત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ પરથી પણ લોકો પર નજર રાખી રહી છે. ગઈકાલે રાજકોટ પોકિસ દ્વારા મહિલા કોલેજ પાછળ આવેલી સોસાયટીમાં ક્રિકેટ રમતા ડ્રોન વીડિયોમાં જોવા મળ્યા હતા, ત્યારે પોલીસે તે સોસાયટીમાં પહોંચી તાત્કાલિક ક્રિકેટ બંધ કરાવી લોકોને પોતાના ઘરે મોકલી દીધા હતા, તેમજ વોર્નિંગ પણ આપવામાં આવી હતી.