Home /News /kutchh-saurastra /

રાજકોટ : બેડી યાર્ડમાં નવી મગફળીની આવક શરુ, ટેકાના ભાવથી ઊંચા ભાવે વેચાણ

રાજકોટ : બેડી યાર્ડમાં નવી મગફળીની આવક શરુ, ટેકાના ભાવથી ઊંચા ભાવે વેચાણ

સરકાર દિવાળી પછી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે.

સરકારે આ વર્ષે 1018 રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે પરંતુ હાલ મગફળીની માંગ હોવાથી યાર્ડમાં ખેડૂતોને મગફળીના 1200 થી 1250 રૂપિયા મળી રહ્યા છે.

  હરિન માત્રાવડિયા, રાજકોટ : આ વર્ષે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો છે. જેના પરિણામે મગફળીનું બમ્બર ઉત્પાદ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી ત્યારે રાજકોટ સહિત અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની આવક શરુ થઇ ચુકી છે.

  આજે (ગુરુવારે) રાજકોટ યાર્ડમાં સાત હજાર ગુણી જેટલી મગફળીની આવક થઇ હતી. જોકે, સરકારે આ વર્ષે 1018 રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે, પરંતુ હાલ મગફળીની માંગ હોવાથી યાર્ડમાં ખેડૂતોને મગફળીના એક મણના રૂ. 1200 થી રૂ. 1250 મળી રહ્યા છે. બીજી તરફ ગઈકાલ કરતા ખેડૂતોને 50 રુપિયા ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી.

  નવી મગફળીના હરાજી શરૂ થઈ છે ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકારે ટેકાના ભાવમાં વધારો કરવો જોઈએ. ખેડૂતોની માંગણી છે કે ટેકાનો ભાવ રૂ. 1018માંથી વધારીને રૂ. 1200 કરે. ગત વર્ષે ટેકાનો ભાવ રૂ. 1000 હતો. રાજ્ય સરકારે આ વર્ષે ટેકાના ભાવમાં રૂ. 18નો વધારો કર્યો છે. આ મામલે ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારે ટેકાના ભાવ રૂ. 1200 કરવા જોઈએ, જેનાથી તેમને પાકનું યોગ્ય વળતર મળી રહે.  સરકાર દિવાળી પછી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે

  બુધવારે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી તા. 1-11-2019થી રાજ્યના 124 સેન્ટરો પરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. મંત્રીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે રાજ્યમાં આશરે 32 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થશે.  કૃષી મંત્રી રાદડિયાએ વધુમાં જણાવ્યું કે, "ખેડૂતોને તકલીફ ન પડે તે માટે ચાલુ વર્ષે રૂ. 1018ના એક મણ લેખે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરદવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના 124 માર્કેટિંગ યાર્ડના સેન્ટરો પરથી મગફળીની ખરીદી થશે. 1-10-2019 થી એક મહિના સુધી આ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. દિવાળી પછી એટલે કે તા. 1-11-2019થી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને રાજ્ય સરકાર તરફથી આ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો મગફળી લઇને યાર્ડમાં આવે ત્યાંથી મગફળી ગોડાઉનમાં પહોંચી ત્યાં સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને સમયસર ચુકવણી થઈ શકે તે માટે દરેક જિલ્લા સ્તરે મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને SMSથી પણ જાણ કરવામાં આવશે. એટલું જ નહીં કોઈને મુશ્કેલી ન પડે તે માટે ટોલફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Groundnut, Jayesh radadiya, MSP, Vijay Rupani, ગુજરાત

  આગામી સમાચાર