Home /News /kutchh-saurastra /

હાર્દિકે પારણાં અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી: નરેશ પટેલ

હાર્દિકે પારણાં અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી: નરેશ પટેલ

હું પહેલા પણ કહેતો હતો કે તમામ સમાજના નબળા વર્ગોને આર્થિક ધોરણે અનામત મળવું જોઈએઃ નરેશ પટેલ

હું પહેલા પણ કહેતો હતો કે તમામ સમાજના નબળા વર્ગોને આર્થિક ધોરણે અનામત મળવું જોઈએઃ નરેશ પટેલ

  નરેશ પટેલ છેલ્લા 14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી હતી. ચર્ચા દરમિયાન નરેશ પટેલે હાર્દિક પટેલને પારણા કરી લેવા માટે સમજાવ્યો હતો. મુલાકાત દરમિયાન પાસના મનોજ પનારા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે હાર્દિક પટેલને તબિયત લથડતા હવે હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે.

  હાર્દિકને પારણા માટે સમજાવ્યોઃ નરેશ પટેલ

  હાર્દિક સાથે મુલાકાત બાદ આ અંગે માહિતી આપતા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું કે, "તબિયતને લઈને પાટીદાર અને અન્ય સમાજ ચિંતિત છે. મેં આજે પહેલી વિનંતી એવી કરી છે કે હાર્દિક બને એટલા ઝડપથી પારણા કરી લે. હાર્દિક હજી પણ તેની ત્રણ માંગણી કરી રહ્યો છે. ત્રણેય માંગ અંગે મેં હાર્દિકને ખાતરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામ ધાર્મિક સંસ્થાઓ મળીને આજે સરકાર સમક્ષ આ વાત મુકશે. બંને એટલી ઝડપથી આ વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ કરીશું. મેં હાર્દિકને ખાતરી આપી છે કે દરેક સંસ્થા તારી સાથે છે. આખા સમાજને તારી તબિયતની ચિંતા છે."

  'હાર્દિકે પારણા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી'

  "હાર્દિકે પારણા કરવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી પરંતુ તેણે એવું કહ્યું છે કે ટૂંક સમયમાં હું તમને જણાવીશ કે ક્યારે પારણા કરીશ. હાર્દિકે મને મંજૂરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો મળીને સરકાર સાથે ત્રણ મુદ્દે ચર્ચા કરવા આગળ વધો."

  સરકાર આગળ આવે

  14 દિવસના ઉપવાસ છતાં સરકાર તરફથી અહીં કોઈ ફરક્યું નથી. મારી સરકારને વિનંતી છે કે કોઈ અધિકારી કે નેતાને ઉપવાસ છાવણી ખાતે મોકલીને હાર્દિક સાથે ચર્ચા કરે.

  હાર્દિકની તબિયતને જોતા મળવા આવ્યો છુંઃ નરેશ પટેલ

  આ માટે અમદાવાદ આવી પહોંચેલા નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી હતી. બાદમાં મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, "પાટીદાર આગેવાન તરીકે હું હાર્દિકને વિનંતી કરીશ કે તે વહેલામાં વહેલી તકે પારણાં કરી લે. હું કોઈના આમંત્રણ પર નહીં પરંતુ હાર્દિકની તબિયતને જોઈને અહીં આવ્યો છું. સરકાર સાથે મારે કોઈ વાતચીત નથી થઈ. અત્યારે અમારી પ્રાથમિકતા એટલી જ છે કે હાર્દિક પારણાં કરી લે."

  ખોડલધામના હાર્દિકના મુદ્દાઓ યોગ્ય લાગશે તો સરકાર સાથે વાતચીત કરીશઃ નરેશ પટેલ

  હાર્દિકની મુલાકાત પહેલા નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તે હાર્દિક સાથે ચર્ચા કરશે. તેના મુદ્દા યોગ્ય લાગશે તો તેઓ સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરશે.

  નરેશ પટેલે શું કહ્યું?

  "હાર્દિકની તબિયત ખૂબ સારી રહે તેવી માતાજી પાસે પ્રાર્થના કરું છું. 14 દિવસ થઈ ગયા હોવાથી સમાજને હાર્દિક પટેલની તબિયતની ચિંતા છે. સમાજના વડીલો, યુવાનો અને આગેવાનોની એવી અપીલ છે કે હું હાર્દિક પટેલ સાથે ચર્ચા કરું અને આનો સુખંદ આવે. સામાજિક અને રાજ્યના હિતમાં આ પ્રશ્નનું નિરાકરણ વાતચીતથી આવે એવો મારો પ્રયાસ રહેશે."

  આ પણ વાંચોઃ 'ગોધરાકાંડના ગુંડા ગુજરાતના ભાજપાવાળાને હું મરી જઇશ તો શું ફરક પડશે': હાર્દિક પટેલ

  હાર્દિક પારણા કરે તેવી મારી પ્રાથમિકતા

  "સૌ પ્રથમ અમદાવાદ ખોડલધામના ટ્રસ્ટી, કન્વીનરો, સ્વયંસેવકો સાથે મારી મુલાકાત રહેશે. બાદમાં અમે હાર્દિક સાથે મુલાકાત કરીશું. હાર્દિક સાથે વાતચીતમાં મારી પ્રાથમિકતા એવી રહેશે કે હાર્દિક પારણા કરી લે. બાદમાં જે પણ મુદ્દા છે એની ચર્ચા પાસના મિત્રો સાથે કરી અને જો યોગ્ય વાત હશે તો હું સરકાર સુધી આ વાત પહોંચાડીશ."

  અમદાવાદની ખોડલધામની સ્થાનિક ટીમ પાસના સંપર્કમાં

  "હાર્દિક પટેલ કે પાસના કોઈ મિત્રો સાથે મારી વાતચીત નથી થઈ. ખોડધાની લોકલ ટીમ ચાર્જ સંભાળીને આ પ્રક્રિયા ચલાવી રહી છે. અમદાવાદ ખોડલધામની ટીમ પાસના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી રહી છે."

  ખેડૂતોનો મુદ્દો યોગ્ય

  "હાર્દિક પટેલનો ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે. હાર્દિક સાથે ચર્ચા વખતે યોગ્ય નિર્મય લઈશું કે કયા મુદ્દા લેવા જોઈએ અને કયા મુદ્દાને બાદ કરવા જોઈએ. ગુરુવારે હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરવા માટે દીનેશ કુંભાણી ગૃહમંત્રીને મળ્યા હતા. જેમાં વાતચીત થઈ હતી કે જો કોઈ સકારાત્મક પરિણામ આવતું હોય તો નરેશ પટેલ હાર્દિકની મુલાકાત લઈને યોગ્ય ચર્ચા વિચારણા કરે."

  બધા સમાજને આર્થિક ધોરણે અનામત મળે

  "હું મારા સમાજને અપીલ કરું છું કે તમામ લોકો પ્રાર્થના કરે કે હાર્દિક પારણા કરી લે. અનામત અંગે પહેલા પણ મારો સ્પષ્ટ અભિપ્રાય હતો કે આર્થિક રીતે દરેક સમાજના નબળા વર્ગોને અનામત મળવું જોઈએ."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: 25th August, Hardik Patel Fast, KhodalDham, નરેશ પટેલ

  આગામી સમાચાર