રાજકોટ : સામાન્ય બોલાચાલીમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, 4 દિવસ પહેલા ઉજવ્યો હતો જન્મદિવસ


Updated: January 21, 2020, 8:05 AM IST
રાજકોટ : સામાન્ય બોલાચાલીમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા,  4 દિવસ પહેલા ઉજવ્યો હતો જન્મદિવસ
પ્રતીકાત્મક તસવીર

મિત્રો વચ્ચેની મશ્કરીમાં મામલો હત્યા સુધી પહોંચ્યો, ત્રણ બહેનોએ એકનો એક ભાઈ અને પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો

  • Share this:
રાજકોટ : શહેરમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. રાજકોટ (Rajkot)ના રણુંજા મંદિર પાસે સોમવાર રાત્રે આઠેક વાગ્યે મિત્રો સાથે ઊભેલા યુવકને મશ્કરીમાં ગાળો બોલવા બાબતે વિવાદ થતાં ચાર શખ્સોએ ઝઘડો કરી છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશન (Rajkot Police)નો સ્ટાફ દોડી ગયો હતો અને હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

રાજકોટના કોઠારીયા રોડ ઉપર ગોકુલ પાર્કના ગેઇટ પાસે રણુંજા મંદિર નજીક રાત્રે આઠેક વાગ્યે એક યુવકને ચાર જેટલા શખ્સો છરીથી હુમલો કરી નાશી છૂટ્યા હોય અને યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોવાની જાણ કંટ્રોલમાં કરવામાં આવતા આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ ચાવડા, પીએસઆઇ એમ જે રાઠોડ સહિતનો કાફલો દોડી ગયો હતો. પરંતુ હોસ્પિટલે ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.

બનાવ અંગે વિગતો આપતા પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે ભોગ બનનાર રાહુલ ઉર્ફે રાજુ સુરેશભાઈ ગોસ્વામી ઉંમર 24 વાવડી ગામનો હતો અને તે લાલાભાઇ ભરવાડની કંપનીમાં રિકવરી અને સિઝિન્ગનું કામ કરતો હતો. રાત્રે તે તેના બે મિત્રો પ્રતિપાલસિંહ જાડેજા અને મયુર કુહાડીયા સાથે અન્ય ચાર મિત્રો જયુ મંડ, દિવ્યેશ લાવડીયા, દિવું જાડેજા અને દેવો જાડેજા સાથે ઊભો હતો ત્યારે જ્યુ, દિવ્યેશ, દીવો અને દેવા સાથે મશ્કરી કરતા હતા અને મસ્તીમાં ગાળો બોલતા ચારેય શખ્સોએ ઝઘડો ચાલુ કર્યો હતો.

પીઆઈ ચાવડાએ વધુમાં જણાવ્યું કે, ચાર પૈકી કોઈ એક શખ્સે છરી કાઢી રાહુલને છરીનો એક ઘા ઝીંકી દીધો હતો અને અન્ય બે મિત્રો પ્રતિપાલસિંહ અને મયુર પાછળ પણ દોડતા તેઓ ભાગી ગયા હતા અને રાહુલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બાદમાં મિત્રોએ જ પરત આવી 108 મારફતે હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત થયું હતું. રાહુલને એક જ ઘા પડખામાં માર્યો હતો જે જીવલેણ સાબીત થયો હતો. પોલીસે મૃતકના પિતા સુરેશભાઈ કે જેઓ વાવડી ગ્રામ પંચાયત કચેરીમાં વાયરમેન તરીકે સરકારી નોકરી કરે છે તેઓની ફરિયાદ નોંધવા અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

ત્રણ બહેનોએ એકનો એક ભાઈ અને પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો

હત્યાનો ભોગ બનેલા રાહુલ ગોસ્વામીનો ચાર દિવસ પહેલા જન્મદિવસ હતો. 16 જાન્યુઆરી 1996 તારીખે જન્મેલા રાહુલના પરિવારને કલ્પના પણ નહીં હોય કે તેઓ રાહુલનો છેલ્લો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવી દીધો છે. આ ઉપરાંત પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે.આ પણ વાંચો, વેરાવળમાં સગા બાપે પુત્રીને ભણાવવી ન પડે તેથી ઢોર માર મારીને કરી હત્યા
First published: January 21, 2020
વધુ વાંચો
अगली ख़बर