Naresh Patel Politics: સમાજ, સમય અને સર્વે, વા ફરે વંટોળ ફરે એમ નરેશ પટેલના બોલ પણ ફરે!
Naresh Patel Politics: સમાજ, સમય અને સર્વે, વા ફરે વંટોળ ફરે એમ નરેશ પટેલના બોલ પણ ફરે!
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ
KhodalDham Naresh Patel latest News: ખોડલધામના પ્રમુખ (khodaldham) નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ? પ્રવેશ કરશે તો કઈ પાર્ટી સાથે જોડાશે આ તમામ બાબતોનો જવાબ હાલ તો ખુદ નરેશ પટેલ જ આપી શકે તેમ છે.
રાજકોટઃ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly election) પૂર્વે ખોડલધામના પ્રમુખ (khodaldham) નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ? પ્રવેશ કરશે તો કઈ પાર્ટી સાથે જોડાશે આ તમામ બાબતો નો જવાબ હાલ તો ખુદ નરેશ પટેલ જ આપી શકે તેમ છે. પરંતુ હાલ તેઓએ 15મી એપ્રિલ સુધીનો સમય માગ્યો છે. ત્યારે ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે સમયે આવ્યે જ જાણી શકાશે.
પરંતુ હાલ નરેશ પટેલ અને રાજનીતિ આ બંને ત્રણ પાયા પર હાલ ઊભેલા જોવા મળી રહ્યા છે. આ ત્રણ પાયા કોઈ અન્ય નહીં પરંતુ ખુદ નરેશ પટેલે જ પોતાના મુખેથી વર્ણવ્યા છે. નરેશ પટેલ ચાર મહિના અગાઉ કહ્યું હતું કે સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ. ત્યારબાદ નરેશ પટેલે મીડિયા સમક્ષ આવીને 20મી માર્ચ થી લઇ 30મી માર્ચ સુધીનો સમય આપ્યો. 30 માર્ચ સુધીનું સમય મર્યાદા પૂર્ણ થવાને આડે બે જ દિવસનો સમય બાકી બચ્યો હતો. ત્યાં જ નરેશ પટેલે મીડિયાને જવાબ આપવાનું મન બનાવી લીધું હતું.
28મી માર્ચ ના રોજ એટલે કે નરેશ પટેલે આપેલી અવધિ પૂર્ણ થયાના બે દિવસ પૂર્વે જ નરેશ પટેલ મીડિયા સમક્ષ આવ્યા. મીડિયા સમક્ષ આવેલા નરેશ પટેલે અનેક બાબતો અંગે વાતચીત કરી. મીડિયા સમક્ષ અગાઉ નરેશ પટેલ સમાજની વાત કરી ચૂક્યા હતા ત્યાર બાદ થોડાક દિવસો પૂર્વે સમયની વાત કરી હતી. ત્યારે આજરોજ નરેશ પટેલ સર્વે ની વાત કરી છે. આમ, નરેશ પટેલ રાજકારણમાં આવશે કે કેમ? તે બાબતનો ફેંસલો હાલ આ ત્રણ પાયા પર ઉભો રહેલો જોવા મળી રહ્યો છે.
મીડિયા સમક્ષ આવેલા નરેશ પટેલે જણાવ્યું કે ખોડલધામની સમિતિ હાલ મારે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ? તેમજ કયા પક્ષ સાથે જોડાવું જોઈએ કે કેમ તે બાબતે સર્વે કરી રહી છે. સર્વે હાલ સૌરાષ્ટ્રમાં જ થયો છે. સમગ્ર ગુજરાતમાં સર્વેની કામગીરી હજુ બાકી છે. ત્યારે આગામી સમયમાં સર્વે પૂર્ણ થતાની સાથે જ સમિતિ રિપોર્ટ સબમીટ કરશે અને ત્યારબાદ જ કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકીશ.
રાજકારણમાં જોડાઈશ તો ખોડલ ધામમાં પદ પરથી રાજીનામું આપીશ : પટેલ
નરેશ પટેલના જણાવ્યા મુજબ ખોડલધામમાં છે વ્યક્તિ ટ્રસ્ટી તરીકે કાર્યરત હોય તો તેણે ચૂંટણી લડવી હોય તો તેણે સૌપ્રથમ રાજીનામું આપવું પડે છે. પરંતુ સુત્રોનું માનીએ તો અગાઉ ખોડલધામમાં ટ્રસ્ટી રહી ચૂકેલા અનેક વ્યક્તિઓએ ચૂંટણી લડ્યા પૂર્વે ટ્રસ્ટ માંથી રાજીનામું આપ્યું હતું. તો કેટલાક લોકોએ ચૂંટણી લડ્યા બાદ ટ્રસ્ટ માંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં પોતાનો સૂર સ્પષ્ટ કર્યો છે કે જો હું રાજકારણમાં જોડાઇશ તો નીતિ નિયમ મુજબ ખોડલધામ માંથી રાજીનામું આપી દઈશ.
પરંતુ સમાજના કેટલાક લોકોની લાગણી છે કે, નરેશભાઈ તમે રાજકારણમાં ભલે જોડાવ પરંતુ તમારે સમાજનું કામ તો કરવાનું જ છે. જેના કારણે તમારે રાજીનામું આપવાનું નથી થતું. એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે બંધારણની જોગવાઈ મુજબ નરેશ પટેલ પ્રમુખ પદ પરથી રાજીનામું આપશે. પરંતુ સમાજના નામે, સમાજની લાગણીના નામે ટ્રસ્ટીમંડળ નરેશ પટેલનું રાજીનામું સ્વીકારશે નહીં. આમ, એક તબક્કે નરેશ પટેલ રાજકારણ અને લેઉવા પાટીદાર ની સૌથી મોટી ધાર્મિક સંસ્થા એવી ખોડલધામ સાથે જોડાયેલા રહેશે.
વા ફરે વંટોળ ફરે નરેશ પટેલના સૂર પણ ફરે!
થોડાંક સમય પૂર્વે વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં હતા. ત્યારે તેઓ કહેતા હતા કે વા ફરે વંટોળ ફરે પણ વિજય સુવાળા ના બોલ ના ફરે. પરંતુ થોડાક જ સમયમાં વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીને રામરામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જઇ કેસરીયો ધારણ કર્યો હતો. ત્યારે નરેશ પટેલ અગાઉ માત્ર લેઉવા અને કડવા પટેલ સમુદાય પૂરતા જ સીમિત હતા. પરંતુ હવે જો તેમને રાજકારણમાં આવવું હોય તો લેઉવા અને કડવા પટેલની સાથોસાથ તેમણે સર્વ જ્ઞાતિ નો સાથ પણ તેમજ સર્વ ધર્મના લોકોનો સાથ પણ જોઇશે. આ વાત ખુદ નરેશ પટેલને પણ સમજાઇ ગઇ હોવાનું આડકતરી રીતે સામે આવ્યું છે.
પત્રકારોએ નરેશ પટેલને સવાલ કર્યો હતો કે અગાઉ આપ કહેતા હતા કે સરપંચ થી સાંસદ સુધી પાટીદાર હોવો જોઈએ. ત્યારે જો આપ રાજકારણમાં જોડાશો તો અન્ય સમાજ આપને કઈ રીતે સ્વીકારશે? કારણ કે આપ અત્યાર સુધી માત્ર પાટીદારોના હિતની જ વાત કરતાં આવ્યા છો. આ તકે એક રાજકારણીની જેમ નરેશ પટેલે પોતાના સુર બદલતા કહ્યું હતું કે મેં ભૂતકાળમાં ક્યારેય એવું નિવેદન આપ્યું જ નથી. મેં ચોક્કસ એવું નિવેદન આપ્યું હતું કે સરપંચ થી સાંસદ સુધી યુવાનો હોવા જોઈએ. રાજકોટ ખાતે આવેલા સરદાર પટેલ ભવનમાં પાટીદાર સિવાય કઈ જ્ઞાતિના પણ દીકરા દીકરીઓ સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા આવ્યા છે.
સી.આર, કેજરીવાલ હવે પ્રશાંત કિશોર ને મળ્યા હોવાનું જણાવ્યું
નરેશ પટેલ અગાઉ નિવેદન આપી ચૂક્યા છે કે તેઓ સી.આર.પાટીલ સાથે રેગ્યુલર વાતચીત કરતા હોય છે. તો સાથે જ પોતાના મીડિયા ઇન્ટરવ્યૂમાં પણ તેઓ જણાવી ચૂક્યા છે કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યા છે તેમજ દિલ્હીની સ્કૂલની મુલાકાત પણ તેઓ લઈ ચૂક્યા છે. ત્યારે સોમવારના રોજ સરદાર ભવન ખાતે નરેશ પટેલે પણ એક વાતનો સ્વીકાર કર્યો છે કે, તેઓ પ્રશાંત કિશોરને અગાઉ મળી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યો અગાઉથી જ પાર્ટી હાઈ કમાન્ડ પાસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રશાંત કિશોરની માગણી કરી ચૂક્યા છે. ત્યારે આગામી દિવસોમાં નરેશ પટેલ કોંગ્રેસ સાથે મળીને પ્રશાંત કિશોરની રણનીતિ નો ઉપયોગ કરશે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. તો બીજી તરફ નરેશ પટેલ જે પ્રમાણે ગુજરાતમાં હાલ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર એક બાદ એક ફૂટી રહ્યા છે તેને ખૂબ નિંદનીય બાબત ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે નરેશ પટેલના દિકરા શિવરાજ પટેલ પોતાના પિતા માટે સ્વાસ્થ્ય અને શિક્ષણ બે મહત્વના મુદ્દા હોવાનું જણાવી ચૂક્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી આ બંને મુદ્દે દિલ્હી અને ત્યારબાદ પંજાબમાં પોતાની સરકાર બનાવી ચૂકી છે. તેમજ આગામી સમયમાં ગુજરાતની અંદર પણ આ બંને મુદ્દાને સાંકળીને ચૂંટણી લડશે. ત્યારે શું નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેમણે પણ હાલ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
શું નરેશ પટેલના આવવાથી 18 સીટ પર ફાયદો થશે?
ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ ફટકાર સૌરાષ્ટ્રમાં લાગી હતી. જ્યારે કે આ વખતે સૌથી વધુ ફટકાર સૌરાષ્ટ્રમાં લાગવાની બીક કોંગ્રેસને લાગી રહી છે. ખુદ આ બાબતની રજૂઆત કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી હાઈ કમાન્ડને પણ કરી ચૂક્યા છે. ત્યારે ચર્ચાતી વાતો મુજબ નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તો જે તે પાર્ટી ને સૌરાષ્ટ્રમાં 18 સીટ પર ફાયદો પહોંચી શકે છે. તેમજ મહેસાણા તરફની ત્રણ સીટ જ્યારે કે ધર્મજ તરફની એક સીટ માં ફાયદો પહોંચી શકે છે. હાલ તો આ માત્ર એક ચર્ચાતી વાત છે. પરંતુ આમાં કેટલું સત્ય છે તે તો આવનારો સમય જ બતાવશે.
નરેશ પટેલના આવવાથી સક્ષમ વિપક્ષ મળશે?
નરેશ પટેલ અંદરખાને જરૂરથી એવું માની રહ્યા છે લોકશાહી ખતમ થઈ ચૂકી છે. કારણ કે લોકશાહીમાં વિપક્ષનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું અને મજબૂત હોવું જોઈએ. પરંતુ જે પ્રમાણે ગુજરાત રાજ્યમાં બે દાયકા કરતા વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે. તેમજ તેની સામે કોંગ્રેસ એક વિપક્ષ તરીકે સતત નિષ્ફળ રહી હોય તેવા આંકડા પણ સામે આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં એવું પણ બની શકે કે નરેશ પટેલ ચોક્કસ કોઈ એક પાર્ટી સાથે જોડાય.
ચૂંટણી પ્રચારમાં જે તે પાર્ટી નો સાથ આપે તેના ઉમેદવારોને જીતાડવા માં મદદ પણ કરે. પરંતુ પોતે હાલના તબક્કે ચૂંટણી લડે નહીં તેવા પણ આસાર મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ નરેશ પટેલ ક્યારેય રાજકોટ સીટી માંથી ચૂંટણી નહીં લડે. જો તેઓને ચૂંટણી લડવી હોય તો તે માત્ર અને માત્ર અમરેલી જિલ્લાની પાટીદાર મતદાતા ની બહુમતિ ધરાવતી સીટ પરથી ચૂંટણી લડી શકે છે. પરંતુ હાલ તો એવો કિંગ મેકર બની ને રાજકીય પક્ષ તેમજ ખોડલધામ સાથે જોડાઇ રહેવા માગતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાતો જોવા મળી રહ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર