સદીના સૌથી ભયાનક પૂરથી પાયમાલ બનેલા કેરળ રાજ્યના લોકોને મદદરૂપ થવા માટે કલાકારો આગળ આવ્યાં છે. રાજ્યનાં રાજકોટ શહેરમાં રાજકોટ સહિત રાજ્યભરના કલાકારોની કૃતિઓ એક પ્રદર્શન યોજાયું છે. આ કલાકૃતિઓના વેચાણમાંથી જે આવક થશે તે, કેરળમાં પૂર અસરગ્રસ્ત લોકોને મોકલવમાં આવશે તેમ જણાવ્યું છે.
કલા અને કલાકારોને કલાના માધ્યમથી પ્રોત્સાહિત કરીને આગળ વધી શકે તે માટે જાન્યુઆરી- ૨૦૧૮માં રાજકોટ આર્ટ સોસાયટીની સ્થાપના કરવામાં આવેલી છે. આ રાજકોટ આર્ટ સોસાયટીના કલાકારો દ્વારા માનવતાનો અભિગમ અપનાવીને કેરળ રાજયના પૂરપીડિતો અને અસરગ્રસ્તોને મદદરૂપ થવા રેસકોર્સની ડો. શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં ત્રણ દિવસના આર્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પેઇન્ટિંગ પ્રદર્શનમાં વિવિધ કૃતિઓની કિંમત રૂ. ૧૦૦૦ થી શરૂ કરીને રૂ. ૧૦,૦૦૦ સુધીની કિંમત રાખવામા આવી છે. આ પ્રદર્શનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતના કલાકારોએ પણ ભાગ લઇને તેમની કૃતિઓ રજૂ કરી છે. આ પ્રદર્શનનું ઉદઘાટન રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ કર્યું હતું. મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું કે કોઇ પણ કલા એ મનુષ્યની ઉદારતા અને કરૂણાની ભાવનાને પણ જાગૃત કરે છે. તેઓએ કલાકારોના પેઇન્ટિંગ્સનાં પ્રદર્શન થકી કલાકૃતિઓના વેચાણની આવક કેરળના અસરગ્રસ્તોને આપીને માનવતો અભિગમ આપ્યો તે સરાહનીય વાત છે.”