રાજકોટ: સામાન્ય માણસ પોતાના પ્રસંગો પોતાની રીતે ઉજવતા હોય છે. જેમ કે જન્મ દિવસ હોય તો કેક કાપી મિત્રો અને પરિવાર સાથે હોટેલમાં જમવા જવું, લગ્ન હોય તો લખલૂટ ખર્ચ કરી સમાજને બતાવી દેવું છે, ભપકા કરવા વગેરે. પરંતુ સમાજની સાથે અને સમાજની વચ્ચે રહેતા સાધુ-સંતો અને ખાસ કરીને સનાતન ધર્મની જગ્યાના સાધુ-સંતો પોતાનો જન્મ દિવસ કેવી રીતે ઉજવે છે એ જાણવું ખૂબ રસપ્રદ રહેશે. આજે સવારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરથી સાત કિલોમીટર દૂર હાથસણી ડેમ નજીક આવેલા માનવ મંદિરના દરવાજે એક ટ્રક આવીને ઉભો રહ્યો, સાથે બે સેવકો હતા. હાથમાં રુપિયા એક લાખ રોકડની થેલી હતી. કશું જ કહ્યા વગર માનવ મંદિરના સંત ભક્તીરામ બાપુને રકમ આપી સામાન ઉતારી ચાલતા થયા. બાપુએ પૂછ્યુ કે ભાઈ કોણ છો અને ક્યાંથી આ સામાન આવ્યો છે? સામા પક્ષે કોઈ જવાબ ન આપ્યો અને ચાલતા થયા. બાદમાં તપાસ કરતા માલુમ પડ્યુ કે ગઈકાલે સતાધારના સંત વિજયબાપુનો જન્મ દિવસ હતો.
હાલ કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી ભક્તો કે શિષ્યો કે ચાહવાવાળા સૌ કોઈને વિજયબાપુએ અગાઉથી જ કહ્યુ હતુ કે, કોઈ પણ પ્રકારની ઉજવણી કે પૂજા આર્ચના કરવાની નથી. મારો જન્મ દિવસ હું મારી રીતે ઉજવી લઈશ. માનવ મંદિરમાં વિજયબાપુએ જે વસ્તુઓ મોકલી હતી તેમાં 5 તેલના ડબ્બા, 3 કટા જીણો લોટો, 3 કિલો જાડો લોટ, 5 કિલો ધાણા, 5 કિલો જીરુ, 3 કટા ખાંડ, 2 ગુણી મગફળી, 10 કટા ઘંઉનો લોટ, 3 કટા બાજરાનો લોટ, 2 ડબ્બા ગોળ, 10 કિલો હળદર, 10 કિલો મરચું, 10 થેલી નમક, 5 કટા ચોખા, બટેટાની ગુણો, ચણાની ગુણો વગેરે હતું. આ ઉપરાંત રોકડા એક લાખ રુપિયા પણ માનવ મંદિર આશ્રમમાં મોકલ્યા હતા.
માનવ મંદિર આશ્રમ અને સતાધાર શું છે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગીરની જંગલની વચ્ચે ખૂબ પૌરાણિક ધાર્મીક જગ્યા આવેલી છે. જેનું નામ સતાધાર છે. અહીં અંદાજે ત્રણસો વર્ષથી સતત અન્નક્ષેત્ર ચાલે છે. અહીંયા ભૂખ્યાને રોટલો, રહેવાની સગવડ, ગરીબ દીકરીઓને લગ્ન વગેરે અનેક પ્રવૃતિઓ અવિરત ચાલ્યા કરે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે કે 'દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ'. હાલ સતાધારના ગાદીપતી તરીકે એક સમયે ખૂબ જ તેજસ્વી અભ્યાસની કારકિર્દી ધરાવનાર વિજયબાપુ છે. વિજયબાપુએ લૉકડાઉન દરમિયાન એક અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રની નાની મોટી ધાર્મિક જગ્યાઓમાં અંદાજે બે હજાર ટન જેટલો અન્ન પુરવઠો પહોંચાડ્યો હતો. કારણ કે લૉકડાઉન અને કોરોનાના કારણે ધાર્મિક જગ્યાએ પણ નિભાવ માટે મુશ્કેલી ભોગવી રહી છે. વિજયબાપુએ પોતાનો જન્મ દિવસને અનોખી રીતે ઉજવતા સાવરકુંડલાના માનવ મંદિરમાં આટલી સહાય મોકલી આપી હતી.
માનવ મંદિરની વાત કરીએ તો સાવરકુંડલાથી હાથસણી ડેમ તરફ જતા ઊંચા ટેકરા પર એક રમણીય આશ્રમ નજરે ચડે છે. બહારથી કોઈ હિલ સ્ટેશનની ફાઈવ સ્ટાર હોટલ જેવો દેખાવ ધરાવતી આ જગ્યામાં પ્રવેશો તો તમે ચોંકી ઉઠો કે એક સાથે સેંકડો મનોરોગી, માનસિક અસ્થિર મહિલાઓ કે જે સાવ નીરાધાર છે, જેમનું આ દુનિયામાં કોઈ નથી તેવી રસ્તે રઝળતી, અસામાજીક તત્વો જેનો શિકાર કરવાની પેરવીમાં બેઠા હોય એવી રેલવે સ્ટેશને રખડતી, રઝળતી મહિલાઓ અહીંયા સુઘડ, સ્વચ્છ અને ખૂબ સુરક્ષા વચ્ચે રહે છે.
ભક્તીરામ બાપુએ કુલ ચારસો જેટલી કથાઓ કરી છે. તેઓ વ્યાસપીઠ પરથી કોઈકનું ભલું કરો એવા સંદેશા આપતા હતા. દેશના એક પ્રસિદ્ધ કથાકારના સાવ નજીકના સગા થતા ભક્તીરામ બાપુને અચાનક ચાનક ચડી કે, આ વ્યાસપીઠ પરથી સેવા અને સેવાની વાતો કરવી અને હકીકતમાં સેવા કરવી એ બંને અલગ છે. હવે વાતો નથી કરવી પણ સેવા કરવી છે. 2012માં જાન્યુઆરીમાં પોતાના સેવકો, સાવરકુંડલામાં રહેતા ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો અને સ્વજનોને બોલાવી જાહેરાત કરી કે હવે હું કથા કરવાનુ બંધ કરી રસ્તે રઝળતી, જેનું કોઈ નથી એવી ગાંડી એટલે કે પાગલ મહિલાઓની સેવા કરવા માંગુ છું. સૌ સ્તબ થઈ ગયા કે આટલી મોટી સંખ્યામાં કથાઓ ચાલે છે, શિષ્યોનો પાર નથી અને આ શા માટે ચાલું કરવું છે. જોકે, બાપુ મક્કમ રહ્યાં.
પોતાની પત્નીના ધરેલા, બીજી ધરની વસ્તુઓ વેચી જમીન ખરીદી. સૌ પ્રથમ એક હંગામી શેડ બનાવી સાવ નિરાધાર, ધારી, રાજુલા, સાવરકુંડલા, અમરેલી, ગોંડલ વગેરે જગ્યાએ ફરી રસ્તે રઝળતી, કપડાં પહેરવાનું ભાન ન હોય તેવી પાગલ સ્ત્રીઓને લાવી આશ્રમમાં સેવા ચાલુ કરી. સારા કાર્યમાં સાથ આપવાવાળા હજારો મળે તેમ બાપુના સેવકોએ પોતાનુ તન, મન ધન આપી આશ્રમને અદભૂત સ્વરુપ આપ્યું. પાગલોની સારવાર ચાલુ કરી. ડૉક્ટરો મફતમાં સેવા આપવા આવવા લાગ્યા. જામનગરથી સેવકોએ મફતમાં દવા મોકલી. આજે કુલ 83 જેટલી મહિલાઓ અહીંથી સ્વસ્થ થઈ ફરી પોતાના સંસારમાં પાછી ફરી છે.
અનેક દીકરીઓનાં બાપુએ પિતા બની લગ્ન કરાવ્યા છે. અહીંયા એલઆઈસીની અધિકારી, ચાર મહિલા ડૉક્ટર, અમુક મહિલા વકીલ વગેરે સંપૂર્ણ માનસિક અસ્થિર હાલતમાં આવી હતી અને અહીંથી સાજી થઈને પોતાના ઘરે પરત ફરી છે. હાલ આ સંસ્થામાં 54 અસ્થિર મહિલા અને એક પાગલ મહિલા તેની નવજાત દીકરી સાથે રહે છે. રોજના જમણવારથી લઈ તેમની દવાઓ, આશ્રમનો નિભાવ ખર્ચ વગેરે માટે ખૂબ મોટી રકમની જરુર પડે છે, પરંતુ ઉપરવાળો ક્યારે ખૂટવા દેતો નથી. વિજયબાપુએ પોતાના જન્મ દિવસે અહીંની મનોરોગી મહિલાઓને મીષ્ઠાન જમાડી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.