રાજકોટમાં મેઘતાંડવ, આજી નદી ગાંડીતૂર, રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

News18 Gujarati
Updated: July 12, 2018, 10:31 PM IST
રાજકોટમાં મેઘતાંડવ, આજી નદી ગાંડીતૂર, રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
News18 Gujarati
Updated: July 12, 2018, 10:31 PM IST
રાજકોટમાં ગુરુવારે બપોર પછી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ખાસ કરીને ઉપરવાસમાં વરસાદને કારણે રાજકોટમાં આવેલી આજી નદીમાં પૂર આવ્યું છે, રાજકોટમાં સ્થિત રામનાથ મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.

રાજકોટમાં વરસાદની વાત કરીએ તો ગોંડલના કોલીથડ, હડમતાળા સહિતના ગામોમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે, તો ગોંડલના વાળાધરી,દાળીયા,રીબ સહિતના ગામોમાં 6 થી 7 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે કોલીથડ પંથકના નદીનાળા, ચેકડેમો છલકાયા છે. ગોંડલના દેરડી(કુંભાજી),રાણસીકી,વિંઝીવડ,પાટખિલોરી,વાસાવડ સહિતના ગામોમાં દોઢ કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ ધીમીધારે મેઘ સવારી યથાવત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મોતીસર ડેમમાં નવાપાણીની આવક સાથે ડેમ ઓવરફલો થયો છે. મોતીસર ડેમનું પાણી સિંચાઈ માટે 15 થી 20 ગામમાં ઉપયોગમાં લેવાઈ છે.

રાજકોટમાં ઉપરવાસમાં વરસાદ વરસાદ પડતા આજી નદી બંને કાંઠે વહી હતી. નદીની મધ્યમાં આવેલા રામનાથ મહાદેવનો જળાભિષેક થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રામનાથ મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.

બીજી બાજુ રાજકોટના લોધિકા ગામ પાસે ટ્રેકટર સાથે 3 લોકો તણાયા હોવાનું બહાર આવ્યું હતું. તણાયેલા 3 લોકોમાંથી એક બાળકનું મોત થયું હતું. આ સિવાય ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર શાપરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 150 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો ગોંડલ પાસે 100 જેટલા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. કલેક્ટર તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી હાથ ધરાઈ છે.

અમરેલીના બાબાપુર ગામ નજીક સાતલડી નદીના પ્રવાહમાં બોલેરો કાર તણાઈ હતી. પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ જીવ બચાવવા જજૂમી રહ્યો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ દ્વારા ડૂબતા વ્યક્તિને બચાવવાની કવાયત હાથ ધરાઈ હતી. જો કે બચાવદળના જવાનો એ વ્યક્તિ સુધી પહોંચે તે પહેલા જ તે તણાઇ ગયો હતો.

રાજકોટના ન્યારી 1 ડેમમાં નવા નીરની આવક થઇ હતી. ન્યારી 1 ડેમમાં 5 ફૂટ નવા નીર આવ્યા છે. શાપર વેરાવળમાં પડેલા વરસાદને પગલે ડેમમાં નીર આવ્યા છે. ન્યારી 1 ડેમની ઊંચાઈ 25 ફૂટ જેમાં 5 ફૂટ નવા નીર આવતા સપાટી 9 ફૂટ પહોંચી છે. તો ભારે વરસાદને પગલે મનપા તંત્ર એલર્ટ પર હોવાનું કહેવામાં આવે છે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...