રાજકોટઃ અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાંથી જામીન મળ્યા બાદ પાટીદારો તરફતી સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે. આ અનુસંધાને હાર્દિક પટેલે મંગળવારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન હાર્દિક પટેલે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના સારા પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમજ રાહુલ ગાંધી આગામી સમયમાં મોદીની બરાબરી કરી શકશે તેમ જમાવ્યું હતું.
હાર્દિકે શું કહ્યું?
"ખૂબ ચોંકાવનારા અને નવાઈના પરિણામો છે. જે રીતે એક્ઝિટ પોલ હતા એ પ્રમાણે જ રિઝલ્ટ આવ્યું છે. ભાજપના ગઢમાં ચોંકવાનારા રિઝલ્ટ આવી રહ્યા છે. ગુજરાત પછીની ચૂંટણીના પરિણામો લોકસભાની ચૂંટણીમાં અસર પાડશે. છત્તીસગઢમાં એક્ઝિટ પોલ કામ ન્હોતું કરતું ત્યાં કોંગ્રેસ ક્લિન સ્વિપ કરી રહી છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સરકાર બનાવશે. મધ્ય પ્રદેશમાં પણ સારું પરિણામ આવશે."
ભાજપની હાર માટેના કારણો
ભાજપના નબળા પ્રદર્શન અંગે હાર્દિકે જણાવ્યું કે, "ખેડૂતો અને યુવાનોનો મુદ્દો સરકાર વિરુદ્ધ હોવાનું આ પરિણામ છે. સરકાર કાળું નાણું પરત ન લાવી શકી તેનું આ પરિણામ છે. સીબીઆઈ અને આરબીઆઈ જેવી સંસ્થાઓમાં સરકારની દખલગીરીનું આ પરિણામ છે. રિઝર્વ બેંકમાં ઉર્જિત પટેલ સાથે જે થયું તે પરથી જનતા પહેલાથી ઘણું બધું માપી રહી છે. 2019 પહેલાની આ સેમિફાઇનલ ઘણું બધું નક્કી કરશે."
હાલ ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં મોટા ભાગની લોકસભાની બેઠકો ભાજપ પાસે છે. 2019ની ચૂંટણીમાં આ રાજ્યોમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરે તો ભાજપને સરકાર બનાવવી મુશ્કેલ પડશે. આ ચૂંટણીની અસર જસદણ પેટાચૂંટણી પર પણ પડશે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાંથી આઠથી દસ બેઠક જીતશે. ભાજપ 26માંથી 26 બેઠકની વાતો કરી રહ્યું છે તે ખોટું પડશે.
રાહુલ ગાંધી માટે 2019નું વર્ષ સારું રહેશે
આ ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીનું 2019નું વર્ષ ખૂબ સારું રહેશે. અત્યાર સુધી રાહુલ ગાંધીને બદનામ કરવાના જે પણ પ્રયાસો થયા, પરંતુ આ ચૂંટણી એ સાબિ કરશે કે તેઓ સફળ છે. એવું કહી શકાય કે વડાપ્રધાન મોદી સામે તેઓ મજબૂત છે. પહેલા આપણે બધા કપિલ દેવ અને સચિનને જોતા હતા, હવે આપણે વિરાટ કોહલીને જોઈએ છીએ. દુનિયા દિવસેને દિવસે બદલાતી રહે છે એટલે ગુજરાત પણ બદલાશે. ચૂંટણી પછી રાહુલ ગાંધી મોદી સામે ખૂબ જ મજબૂત ચહેરો બનશે."