હરિન માત્રાવાડિયા, રાજકોટઃ રાજકોટ અને અમદાવાદ વચ્ચે આવ-જા કરતા પ્રવાસીઓ માટે STએ (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. એસટી તરફથી હવે પીક-અવર્સ દરમિયાન રાજકોટથી અમદાવાદ વચ્ચે દર અડધો કલાકે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, રાજકોટ અને અમદાવાદ વચ્ચે હાલ એસટીની વોલ્વો બસો ચાલી જ રહી છે, પરંતુ હવેથી પીક-અવર્સ દરમિયાન વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટને નવો બસો ફાળવવામાં આવશે
સવારે અને સાંજે પીક-અવર્સ દરમિયાન એટલે કે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે દર અડધો કલાકે વોલ્વો બસ દોડાવવામાં આવશે. આ માટે રાજકોટ એસટી વિભાગની નવી ચાર બસો ફાળવવામાં આવશે.
એસટી વિભાગ તરફથી વધારાની બસોની આ સેવા આગામી અઠવાડિયામાં શરૂ થઈ જશે. નોંધનીય છે કે રાજકોટ અને અમદાવાદ વચ્ચે ખાનગી ટ્રાવેલ્સની વોલ્વો બસો પીક-અવર્સ દરમિયાન દર અડધો કલાકે દોડે છે. એટલું જ નહીં મોટા ભાગની ખાનગી બસોને પુરતા મુસાફરો પણ મળી રહી છે. આ માટે જ એસટી તરફથી સ્પર્ધામાં ટકી રહેવા તેમજ મુસાફરોને વધારે સારી સેવા આપવાના ઉદેશ્ય સાથે પીક-અવર્સમાં વધારે બસો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. કારણ કે નવેમ્બરમાં એસટી તરફથી હવે રાજકોટથી કેવડિયાની સીધી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવા માટે લોકોએ હવે વાહનો બદલીને જવાની જરૂર નથી પડતી.
સૌરાષ્ટ્રના લોકો કોઈ પણ વિઘ્નો વગર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે તે માટે ગુજરાત એસ.ટી.એ નવી પહેલ કરી હતી. આ માટે દર શનિવાર અને રવિવારે ખાસ વોલ્વો બસ દોડાવવામાં આવી રહી છે. ગુજરાતના અન્ય વિસ્તારો તેમજ બીજા રાજ્યના લોકો પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોને પણ સગવડતા મળી રહે તે માટે આ નિર્ણય કરાયો છે.
આવું કદાચ પ્રથમ વખત બન્યું છે જ્યારે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ પહેલા જ એસ.ટી.એ લોકોની સગવડતા માટે સારો નિર્ણય લીધો હોય.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર