રાજકોટ: આગામી 21મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા ચૂંટણી (Local body polls) માટે મતદાનની પ્રક્રિયા યોજાવાની છે. રાજકોટ મહાનગરપાલિકા (Rajkot municipal coporation)ની ચૂંટણી માટે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં ચાર જુદી જુદી જગ્યાએ સેન્સની પ્રક્રિયા હાથ ધરાતા કુલ 800 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, "આગામી તારીખ 28, 29, 30ના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. જે બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેવાના છે. ત્યારે વોર્ડ દીઠ 16 સભ્યોની પેનલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો નક્કી કરશે કે ક્યા 72 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપવી."
સાથે જ કમલેશ મીરાણીએ મોટું અને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "આગામી સમયમાં ટિકિટ કે પદની શરતે કૉંગ્રેસમાંથી આવનાર કોઇ પણ પૂર્વ કોર્પોરેટરને ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકારવામાં નહીં આવે. જેમને પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અપનાવવી હોય તે કોઈ પણ શરત વગર આવી શકે છે." સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી લડવા માટે સક્ષમ છે. કૉંગ્રેસમાંથી આવનારા લોકોની કોઈ જરૂરિયાત નથી. ચૂંટણી જીત્યા બાદ મેયર માત્ર એક જ હોય છે, પરંતુ કોર્પોરેટર 72 હોય છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં વિધાનસભા 69ના પેજ સમિતિના કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખુદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.