રાજકોટઃ રાજકોટમાં યુવતીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ તેની જૂની મિત્રને બદનામ કરવા માટે ફેસબુક પર ફેક આઈડી બનાવ્યું હતું. બાદમાં આ આઈડી પર તેણીએ તેની જૂની મિત્રની તસવીરો અપલોડ કરી હતી. આ મામલે પોલીસે યુવતીની ધરપકડ કરીને વધુ પૂછપરછ આદરી છે.
મળતી માહિતી પ્રમાણે કિરણ મોરી નામની યુવતીએ તેની જૂની મિત્ર નિકી પરમારનું એક બોગસ ફેસબુક આઈડી બનાવ્યું હતું. કિરણે નિકી પરમારનું નિકી સોલંકી નામે બોગસ આઈડી બનાવ્યું હતું. બાદમાં કિરણે આ આઈડી પર નિકીની તસવીરો અપલોડ કરી હતી. આ બાબતની જાણ નિકીને થતાં તેણે રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.
સાયબર ક્રાઇમે તપાસ કરતા આ કેસનો ઉકેલી નાખ્યો હતો અને કિરણ મોરી નામની યુવતીની ધરપકડ કરી હતી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે કિરણ મોરીને નિકી પરમાર સાથે કોઈ અણબનાવ બનતા તેણીએ તેને બદનામ કરવા માટે આવું પગલું ભર્યું હતું.
કિરણે ફેસબુક પર નિકીની બદનામી થાય તેવી તસવીરો અપલોડ કરી હતી. આવું કરવા પાછળનો કિરણનો ઉદેશ્ય નિકીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો. જોકે, સાયબર ક્રાઇમમાં ફરિયાદ થયા બાદ કિરણના આખા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. ધરપકડ બાદ કિરણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.