રાજકોટ: રંગીલુ રાજકોટ આજે ઘરકંકાસમાં રક્તરંજીત રાજકોટ બન્યું છે. ઘરકંસાસે બે લોકોનો ભોગ લીધો છે. પતિએ પત્ની અને મામાજીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી બે બાળકો સાથે સળગી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. એક નજીવા ઘરકંકાસના કારણે સરેઆમ સંબંધોનું ખૂન થયાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પત્ની અને મામાની કરપીણ હત્યા કર્યા બાદ ઈમરાન પઠાણે બે બાળકો સાથે સળગી જઈ આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. જેમાં ઈમરાન ગંભીર રીતે દાજી જતા હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. બાળકોની કસ્ટડી લેવાના કેસનો ખાર રાખીને લોહિયાળ ખેલ ખેલાઈ ગયો છે.
રાજકોટમાં ગુરુવારની સાંજે ફાટક પાસે સરેઆમ સંબંધોનું ખૂન થયું છે. છેલ્લા કેટલાય સમયથી ઇમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા પઠાણ વચ્ચે પારિવારિક તકરાર સર્જાયેલી છે. તો સાથે છેલ્લા કેટલાય સમયથી બાળકોની કસ્ટડી મામલે કોર્ટ કેસીસ પણ ચાલી રહ્યા છે. ત્યારે ગુરુવાર ના રોજ સવારના ભાગમાં નાઝીયા એ પોતાના પતિ ની ફરિયાદ ૧૮૧ અભ્યમમાં કરી હતી. જેના કારણે પોલીસે આરોપી ઇમરાન ને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
પોલીસમાં કરેલી ફરિયાદનો ખાર રાખી આરોપી ઇમરાન તેની પત્ની તેના મામાજી અને તેની સાસુ પાસે પહોંચ્યો હતો. ક્ષણભરની બોલાચાલી બાદ મામલો બેવડી હત્યા સુધી પહોંચી ગયો. તો હત્યા કર્યા બાદ આરોપી ઇમરાને પોતાના બે બાળકો સાથે પોતાની જાત સળગાવીને આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી છે જેના કારણે હાલ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો સાથે જ તેને ઇજાગ્રસ્ત સાસુને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
કાળ ક્યારેય કોની પાસે શું કરાવે છે તે કોઈ જાણતું નથી. માતા-પિતાના ઝઘડામાં હાલ બાળકોએ માતા ને ખોઈ બેસવાનો વારો આવ્યો છે તો પિતા પણ હાલ ગંભીર રીતે ઘાયલ થયા છે, ત્યારે બાળકોને કોનો આશરો તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને મામલો પોતાના હાથમાં લઈ લીધો છે. પોલીસે હાલમાં સગા-સબંધીઓની પુછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર