ઉત્તરાખંડમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7 ગુજરાતી સહિત 9ના મોત થયા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગંગોત્રીથી પરત ફરી રહ્યા હતા ત્યારે ટેમ્પો ટ્રાવેલર સુનગર પાસે ભાગીરથી નદીની ખીણમાં ખાબક્યો હતો. ઘટના એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળે જ 9 લોકોના મોત થયા હતા. આ ઘટના સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકોમાં સાત ગુજરાતના અને 2 મહારાષ્ટ્રના છે.
અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે યાત્રીકો રાજકોટના રહેવાસી છે. આ ગાડીમાં કુલ 13 લોકો સવાર હતા. બધા ગંગોત્રીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ટેમ્પો ટ્રાવેલર નૈનિતાલમાં રજીસ્ટર્ડ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણકારી મળતા એસડીઆરએફ, પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જિલ્લા બચાવ પ્રબંધનના અધિકારી દેવેન્દ્ર પટલાલના મતે દુર્ઘટનામાં માર્યા ગયેલા બધા લોકોની બોડી સાંજે સાત કલાક સુધીમાં બહાર કાઢી લેવામાં આવી છે. માર્યા ગયેલા લોકોમાં સાત પુરુષ અને બે મહિલા છે. એક ઈજાગ્રસ્તની સારવાર ઉત્તરકાશીની હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય ચાર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર ભટવાડીમાં દાખલ છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ઉત્તરાખંડ ના ઉત્તરકાશી માં બસ ખીણ માં ખાબકી જતા સર્જાયેલી દુર્ઘટના માં મૃત્યુ પામેલા ગુજરાતના યાત્રિકો ના મૃતદેહ હવાઈ માર્ગે ગુજરાત લાવવા તેમજ આ દુર્ઘટના માં ઇજા પામેલા ગુજરાતી યાત્રિકો ને યોગ્ય સારવાર અને સલામતી મળે તેનો પ્રબન્ધ કરવા રાજ્યના મુખ્ય સચિવ ડો.જે એન સિંહ ને સૂચનાઓ આપી છે.