Home /News /kutchh-saurastra /રાજકોટ : 'કર્મ એજ સાચો ધર્મ', આરોગ્ય વીરાંગનાઓની કર્તવ્યનિષ્ઠાની કહાની

રાજકોટ : 'કર્મ એજ સાચો ધર્મ', આરોગ્ય વીરાંગનાઓની કર્તવ્યનિષ્ઠાની કહાની

હું મારા ૮૨ વર્ષીય માતાને પાડોશીની દેખરેખ હેઠળ મુકીને ફરજ બજાવવા આવું છું

હું મારા ૮૨ વર્ષીય માતાને પાડોશીની દેખરેખ હેઠળ મુકીને ફરજ બજાવવા આવું છું

  કર્મ એ જ સાચો ધર્મે છે, દિવ્યાંગ હોવા છતાં મારી કર્તવ્યનિષ્ઠામાં મને કોઈ બાધા નડતી નથી. આ મુશ્કેલીના સમયે ભગવાને મારા મનોબળને વધુ મજબુત કર્યો છે. જો હું જ હિંમત હારી જઈશ તો કોરોનાના સંક્રમણને અટકાવવામાં હું સરકારને સહયોગી કેમ થઈ શકીશ! આ શબ્દો છે ઠેબચડાથી રોજના ૧૩ કિલોમીટરની સફર કરીને પોતાની ફરજ બજાવવા આવતા ચંદ્રીકાબેન જાદવના જે રાજકોટ શહેરમાં કોરોનાનું હોટસ્પોટ બનેલું જંગલેશ્વર વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કામગીરી કરે છે.

  કોરોનાને હંફાવવા માટે આરોગ્ય કર્મીઓ દિવસ રાત કામ કરી રહ્યા છે. ત્યારે રાજકોટના સંવેદનશીલ અને કોરોના હોટસ્પોટ તરીકે જાહેર થયેલા જંગલેશ્વર સ્થિત આરોગ્ય કેન્દ્રમાં ૨૧ સ્ટાફ મેમ્બર્સમાં ૧૯ મહિલાઓ કર્મીઓ લડવૈયા બનીને કોરોના સામેની જંગમાં સંનિષ્ઠતાથી પોતાની ફરજ બજાવી રહી છે. પોતાના જીવને જોખમમાં મુકીને દેશને આ જૈવિક આફતમાંથી બહાર કાઢવા માટે દરેક મુશ્કેલીઓને પાર કરી રહી છે.

  આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ૩૦ વર્ષથી ફરજ બજાવતા જ્યોતિબેન જાદવે પોતાના અનુભવોને રજુ કરતાં જણાવ્યું હતું કે, “ હું મારા ૮૨ વર્ષીય માતાને પાડોશીની દેખરેખ હેઠળ મુકીને ફરજ બજાવવા આવું છું. આ સંકટના સમયમાં લોકોના આરોગ્યની તકેદારી માટે તેમના અયોગ્ય વ્યવહારને પણ અમે હસતા મોઢે જતો કરીએ છીએ. કોરોના ગ્રસ્ત વિસ્તારમાં કામ કરતી હોવાથી મારા એપાર્ટમેન્ટના લોકો મને શંકાની દષ્ટિએ જુએ છે. પરંતુ નિરાશ થયા વિના હું આ મારા કર્તવ્યને પ્રાઘાન્ય આપું છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્યની ચકાસણી કરતી વખતે મને શરદી ઉધરસ થયા હતા. જેના કારણે મારો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો તેમ છતાં લોકો ડરે છે. પરંતુ મારો અભિગમ સકારાત્મક છે.

  તેમની વાતમાં સુર પુરાવતા ૫૬ વર્ષીય આશાબહેન જુબેદાબેન દલવાણી કહ્યું હતું કે, હું નાના મૌવા સર્કલ પાસેથી આવું છું. લોકડાઉનના કારણે સવારમાં વાહન ન મળવાથી હું પગપાળા ચાલીને જંગલેશ્વરના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવવા આવું છું. મને મારા એરિયામાં ફરજ સોંપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ મારી કર્મભુમિને અત્યારે મારી જરૂરીયાત છે. અહીંના દરેક ખુણો અને લોકો મારી સાથે સહાનુભૂતિથી જોડાયેલ છે. તેથી તેમની સેવા માટે હું જંગલેશ્વરના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહી છું.

  વિપત્તી ગ્રસ્ત પરિસ્થિતિમાં પણ રાજકોટની વિરાંગનાઓ મહિલાશક્તિ કરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે. જે રાજકોટ શહેર માટે ગર્વની વાત છે. જંગલેશ્વરનું નામ સાંભળતાની સાથે જ ચહેરા પર ડરના ભાવો આવી જતા હોય છે ત્યારે જંગલેશ્વર આરોગ્ય કેન્દ્રની મહિલાઓ હસતા ચહેરે અને ઉદ્દાત ભાવના સાથે કામ કરી રહી છે. લોકોને સામાન્ય તાવ હોય, આરોગ્ય સર્વેની કામગીરી હોય, સેમ્પલ ટેસ્ટીગ હોય કે પછી લોકોને સિવિલ હોસ્પિટલમાં આગળ તપાસ કરવા માટેના સુચનો હોય આવા દરેક મોરચે બહેનો કોરોનાની લડાઈમાં ભાગીદાર બની રહી છે.

  આરોગ્ય કેન્દ્રની મહિલાઓની કામગીરી અંગે સંતુષ્ટતા વ્યક્ત કરતાં મનપાના નાયબ આરોગ્ય અધિકારી મનિષ ચુનારાએ જણાવ્યું હતું કે, મહિલાઓ વીરાંગનાઓની જેમ પોતાની ફરજ બજાવી રહી છે. રોજના બાર-બાર કલાક અહીં કામ કરવું સામાન્ય થઈ પડ્યું છે. સ્ટાફના કોઈ વ્યક્તિએ કોઈ બહાના વગર સંપૂર્ણ પારિવારિક ભાવનાથી માત્ર પોતાની ફરજ જ નહીં પરંતુ દેશસેવાના આ અવસરને સંપૂર્ણ ચરિતાર્થ કર્યો છે. એ.એન.એમ અને આશા વર્કર બહેનો તો ફક્ત માનદ વેતન મેળવે છે. પરંતુ તેમ છતાં તેઓ ફરજ ક્યારે પણ ચુક્યા નથી. આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર શાહીનબેન ખોખરની આગેવાનીમાં લેબ ટેકનિશિયન મેઘાબેન ધામેલીયા, નર્સીંગ સ્ટાફ સર્વ રિઝવાનાબેન માથકીયા, રસીદાબેન પતાણી, શિતલબેન ભોગારા, નયનાબેન મકવાણા, રોશનીબેન પિત્રોડા સહિતનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર પ્રજાપતિ તથા નંદાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.

  આ યોગાનું યોગ છે કે, સંવેદનાની મૂર્તિ કહેવાતી મહિલાઓ આજે જંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહી છે. સલામ છે તેમની હિંમતને, તેમની કર્તવ્ય પરાયણતાને, કોરોનાની લડાઈમાં રોજે-રોજ બાર-બાર કલાક સુધી કરેલા કામના ખટ્ટામીઠા અનુભવો અને ફરિયાદનો બોજ નથી પરંતુ સેવાના સંતોષનો હરખ નજરે પડે છે.
  First published:

  विज्ञापन
  विज्ञापन