હરિન માત્રાવાડિયા, રાજકોટ : છેલ્લા થોડા સમયથી ન્યૂઝ18 ગુજરાતી 'ઢબુડી મા' તરીકે ઓળખાતા ધનજી ઓડ અને તેના સાગરીતો સામે અંધશ્રદ્ધા વિરુદ્ધ ઝુંબેશ ચલાલી રહ્યું છે. આ ઝુંબેશમાં વિજ્ઞાન જાથા પણ અમારી સાથે છે. આજે વિજ્ઞાન જાથાનાં જયંત પંડ્યાએ 'ઢબુડી મા' અંગે અનેક ઘટસ્ફોટ કર્યા છે. જેમાંથી એક છે કે, ધનજી ઓડ તેની એક ગાદી માટે એંસી લાખથી સવા કરોડ જેટલા રૂપિયા છે. તેની સામે જે કોઇપણ અવાજ ઉઠાવે છે તે તેનો અવાજ દબાવવાનો યેનકેન પ્રકારે પ્રયત્ન કરે છે.
'મારવાની ધમકી મળે છે'
જયંત પંડ્યાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, 'અમારા પર પણ આ અભિયાન બંધ કરવાનું 'ઢબુડી'નાં માણસોનાં ઘણું જ દબાણ છે. અમને રૂબરૂ અને ટેલિફોન પર અનેક ધમકી મળે છે. જેમાં ગર્ભિત રીતે કહેવામાં આવતું કે આવનારા સમયમાં તમે મોતને ભેટશો.' તેમણે અન્ય એક ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું કે, 'અમારી પાસે એક બહેન પણ આવ્યાં હતાં જેમણે કહ્યું છે કે તેમની પર અમદાવાદમાં આવેલા ભાડૂત બંગલામાં દુષકૃત્ય થયું છે. પરંતુ તે પોતાનું નામ આપવા કે આગળ આવતા ડરે છે. તેમને સમાજમાં બદનામીનો પણ ડર છે.'
જયંત પંડ્યાએ આગળ જણાવતા કહ્યું કે, 'અમારી પાસે રાજ્યનાં અનેક વિસ્તારોમાંથી એવા લોકો આવે છે જેમની સાથે ઢબુડી માએ અને તેમના સાગરીતોએ છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યાં હોય. દેહગામનાં વ્યક્તિ પણ આ ઝુંબેશમાં આગળ આવ્યાં છે પરંતુ તેમને પણ પાછળ હટવા માટે દબાણ છે. આ ઉપરાંત ડીસાનાં એક વ્યક્તિ છે જેમણે ઢબુડીની બાધામાં ચારથી પાંચ લાખ રૂપિયા ખોઇ બેઠાનો વારો આવ્યો છે. તેઓ પણ આગળ આવ્યાં છે. જે કોઇપણ આગળ આવે છે તેમની પર દબાણ લાવીને ભયભીત કરવામાં આવે છે.'
હું કોઇનાં પૈસા લેતો નથી તેવું ધનજી ઓડ કહે છે તેની પર જયંત પંડ્યાએ જણાવ્યું કે, ' ધનજી ઓડ ઢબુડી બનીને એક ગાદીનાં એંસી લાખથી માંડીને સવા કરોડ રૂપિયા લે છે. આ ઉપરાંત તેને લોકો દાગીના અને છૂટક રૂપિયા પણ આપે છે તે તો અલગથી મળે છે. તેનું આર્થિક સામ્રાજ્ય બીજાને નામ પર ચાલે છે.'