જમીન મુદ્દે ફરી એક વખત દલિત પરિવારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. રાજકોટમાં રૈયા ગામ ખાતે દલિત પરિવારના આઠ સભ્યોએ અગાઉથી ચેતવણી આપીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પરિવારના અમુક સભ્યોની અટકાયત કરી લીધી હતી. જો પોલીસે સમયસર કાર્યવાહી ન કરી હોય તો મોટો કાંડ બની ગયો હોત.
કાંડી ચાપે તે પહેલા જ પકડી લેવાયા
જમીન મુદ્દે દલિત પરિવારના આઠથી દસ જેટલા સભ્યોએ શરીર પર કેરોસિન છાંટી લીધું હતું, પરંતુ તેઓ કાંડી ચાપે તે પહેલા તેમના પકડી લેવામાં આવ્યા હતા. પોલીસ તમામને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
સરકારે જમીને બીજાને આપી દીધાનો આક્ષેપ
આત્મવિલોપનનો પ્રયાસ કરનાર પરિવારે પોતાની જમીન અન્ય કોઈને આપી દેવાનો આક્ષેપ લગાવ્યો હતો. સમાજીક કાર્યકર મહેશ પરમારે અગાઉ એવી માહિતી આપી હતી કે તેમના વડવાઓની 1966-67ના કબજાવાળી જમીન તેમને આપવામાં આવી નથી. આ જમીન રૈયા ગામ ખાતે આવેલી છે. મહેશ પરમારે આરોપ લગાવ્યો હતો કે અમે કલેક્ટર પાસે અનેક વખત જમીન પરત આપવાની માંગણી કરી હતી. આ અંગેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં આ જમીન સ્વામિનારાયણ સંપ્રદાયને આપી દેવામાં આવી હતી. સાથે જ તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે આ જમીન જો તેમને નહીં મળે તો પરિવારના 20 સભ્યો આત્મવિલોપન કરશે.
આ ચીમકીના ભાગરૂપે જ પરિવારનાં આઠથી દસ સભ્યો આજે રૈયાગામ પહોંચ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં ભાનુભાઈ વણકર નામના દલિત આગેવાને જમીન મુદ્દે પાટણ કલેક્ટર કચેરી ખાતે કેરોસિન છાંટી આત્મવિલોપન કરી લીધું હતું, જે બાદમાં સરકારે દલિત પરીવારની તમામ માગણીઓ સ્વીકારી હતી.