Home /News /kutchh-saurastra /રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા
રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા
પ્રતિકાત્મક તસવીર
મેં બંને પાસેથી જે રકમ લીધી હતી તેમાંથી કુલદિપને રૂ. 9 લાખ વ્યાજ સહિત અને રાહુલને રૂ. 5.74 ચુકવી દીધા છે. છતાં બંને વધુ 7 લાખ અને 9 લાખ માંગી સતત ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરતા હતા.
રાજકોટઃ અત્યારે વ્યાજખોરોના ત્રાસ એટલો બધો વધી ગયો છે કે લોકો વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા (suicide) જેવું ગંભીર પગલું પણ ભરતા હોય છે. રાજકોટમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા એક યુવકે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. રાજકોટના (Rajkot) રેલનગર ટાઉનશીપમાં રહેતાં યુવાને બે મિત્રો પાસેથી વ્યાજે લીધેલી રકમ સામે 9 લાખ અને 5.74 હજાર ચુકવી દીધા હોવા છતાં આ બંને વધુ 7 લાખ અને 9 લાખ માંગી સતત ધાકધમકીઓ આપતાં હોઇ બંને સામે પ્રદ્યુમનગર પોલીસમાં (police station) મનીલેન્ડ એકટ, ધમકી હેઠળ ગુનો નોંધાવ્યો છે.
બનાવમાં પોલીસે રેલનગર મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપ કવાર્ટરમાં રહેતા છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં સંદિપસિંહ પરમારની ફરિયાદ પરથી કુલદિપ ખાચર તથા રાહુલ ગોહિલ સામે ગુજરાત નાણા ધીરનાર અધિનિયમની કલમ 5, 40, 42 તથા આઇપીસી 504, 506 (2), 114 મુજબ ગુનો નોંધ્યો છે. સંદિપસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા માતા તથા દાદી સાથે રહુ છું.
દોઢેક વર્ષ પહેલા મારા મમ્મીના દાગીના આશરે વીસેક તોલા ઘરમાં પૈસાની જરૂર હોવાથી મુથુટ ફાયનાન્સમાં ગિરવે મુકી તેના પર કટકે કટકે 8 લાખની લોન લીધી હતી એ પછી એકાદ વર્ષ પહેલા મેં મિત્ર કુલદિપ ખાચરને વાત કરેલી કે અમે દાગીના મુકી મુથુટ ફાયનાન્સમાં આઠ લાખની લોન લીધી છે. જેથી તેણે રકમ ભરી 20 તોલા સોનુ છોડાવી લીધું હતું.
એ પછી હું આ રકમના કુલદિપને 10 ટકા લેખે વ્યાજ આપતો હતો. એ પછી તેને 4 લાખ રોકડા આપ્યા હતાં. કુલદિપે 20 તોલામાંથી 8 તોલા સોનુ મને પાછુ આપ્યું હતું. જે મારા સગા સંબંધીનું હોઇ તેને પાછુ આપી દીધું હતું. ત્યારબાદ વ્યાજના પૈસા ન હોઇ મેં પહેરેલો એક ચેઇન મિત્ર રાહુલ ગોહેલ પાસે ગિરવે મુકી 65 હજાર લઇ કુલદિપને વ્યાજ ચુકવ્યું હતું.
ફરીથી મારે જરૂર પડતાં રાહુલ પાસેથી 1.65 વધુ વ્યાજે લીધા હતાં. બાકીના 12 તોલા સોનાના દાગીના કુલદિપ પાસે હોઇ તે છોડાવવા જતાં કુલદિપે હજી તારે વ્યાજ સહિત 7 લાખ ચુકવવા પડશે પછી જ તારા દાગીના મળશે તેમ કહ્યું હતું અને રાહુલે મારી પાસે વ્યાજ સહિત 9 લાખ માંગ્યા હતાં.
આ પછી આ બંનેએ વારંવાર વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. હું વ્યાજ ન ચુકવી શકુ તો મારી નાંખવાની ધમકી આપતાં હતાં. મેં બંને પાસેથી જે રકમ લીધી હતી તેમાંથી કુલદિપને રૂ. 9 લાખ વ્યાજ સહિત અને રાહુલને રૂ. 5.74 ચુકવી દીધા છે. છતાં બંને વધુ 7 લાખ અને 9 લાખ માંગી સતત ધમકીઓ આપતાં હોઇ રૂબરૂ તથા ફોન પર હેરાન કરતાં હોઇ અંતે ફરિયાદ નોંધાવી છે.