રાજકોટ : સ્વાગત માટે એરપોર્ટ પર હરખઘેલા થઈ આવતા નેતાઓ પર સી.આર.પાટીલે કરી સ્વાગત સ્ટ્રાઇક!
રાજકોટ : સ્વાગત માટે એરપોર્ટ પર હરખઘેલા થઈ આવતા નેતાઓ પર સી.આર.પાટીલે કરી સ્વાગત સ્ટ્રાઇક!
રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ
Rajkot News: સી આર પાટીલના નિર્ણય મોટાભાગે આઉટ ઓફ બોક્સ જોવા મળે છે. ત્યારે રાજકોટ શહેરમાં (Rajkot city) પણ સી આર પાટીલનો આઉટ ઓફ બોક્સ (Out of box) પ્રકારનો નિર્ણય જોવા મળ્યો છે.
રાજકોટઃ સી આર પાટીલ (CR patil) આક્રમક તેમજ આશ્ચર્યજનક નિર્ણય લેવા માટે ટેવાયેલા છે. સી.આર.પાટીલ જ્યારથી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ (Gujarat BJP president) બન્યા છે ત્યારથી તેઓ સંગઠન મજબૂત બને તે પ્રકારના કાર્ય કરતા આવ્યા છે. સી આર પાટીલના નિર્ણય મોટાભાગે આઉટ ઓફ બોક્સ જોવા મળે છે. ત્યારે રાજકોટ શહેરમાં (Rajkot city) પણ સી આર પાટીલનો આઉટ ઓફ બોક્સ પ્રકારનો નિર્ણય જોવા મળ્યો છે.
રવિવારના રોજ સી આર પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ તકે એરપોર્ટ પર રિસીવ કરવા આવવાની મંજૂરી તેમણે માત્ર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપ ડવ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને સમૂહ લગ્નના આયોજન કરતાં તેમજ ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરને આપી હતી. એરપોર્ટ પર સ્વાગત માટે ઉપરોક્ત નામ સિવાય જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા જોવા મળતા સી.આર. પાટીલે પૂછ્યું હતું કે, આ બધાને અહીં સ્વાગત માટે શા માટે લાવવામાં આવ્યા છે.
ત્યારે સી આર પાટીલ ના પ્રશ્નનો જવાબ આપતા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, રાજેશભાઇ ચુડાસમા દિલ્હી જતા હોવાથી તેઓ અહીં એરપોર્ટ પર મળી ગયા છે. જેથી તેઓ આપની શુભેચ્છા મુલાકાત માટે અહીં આવ્યા છે.
ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી પણ સી.આર. પાટીલને ખુલાસો કરતા જોવા મળ્યા હતા કે, સાહેબ આપની સૂચના અનુસાર હું અને મેયર શ્રી બે જ અહીં આપને રિસીવ કરવા માટે આવ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, સામાન્યતઃ જ્યારે જ્યારે સી આર પાટીલ રાજકોટની મુલાકાતે આવતા હોય છે. ત્યારે તેમના સ્વાગત અર્થે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજ્ય સભાના સાંસદ મોકરીયા, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા હાજર રહેતા હોય છે. તેમજ થોડાંક સમય પૂર્વે જ્યારે સી.આર.પાટીલ રાજકોટ આવ્યા હતા. ત્યારે રાજકોટ જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ તેમના સ્વાગત માટે રાજકોટ એરપોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા.
સામાન્ય રીતે એરપોર્ટ પર સ્વાગત કરવા આવેલા નેતાઓ સી. આર. પાટીલ ના આગમન પૂર્વે તમામ નેતાઓ અડધો કલાક થી લઇ એક કલાક પહેલા એરપોર્ટ પર આવી જતા હોઈ છે. તેમજ એરપોર્ટ પર સ્વાગત કર્યા બાદ સી આર પાટીલની સાથે જ કાર્યક્રમના સ્થળ પર જતા હોય છે.
જેના કારણે એરપોર્ટ થી કાર્યક્રમના સ્થળ પર જતા સમયે સી આર પાટીલ ના કાફલામાં તમામ નેતાઓ જોડાઈ જતા હોય છે. કાર્યક્રમ સ્થળ પર ધારાસભ્યો સંસદ સભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારોની ખુરશીઓ ઘણા સમય સુધી ખાલી રહેતી હોય છે. જેના કારણે સી.આર.પાટીલ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર